- 27 લોકોનું રેસ્ક્યુ કરાયું
અમદાવાદના દાણીલીમડા ગામમાં પટેલ વાસમાં આપેલા ખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે મીટરમાં આગ લાગી હતી. આગ પાર્કિંગથી લઈ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. તેના પગલે ફ્લેટના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. સીડીમાંથી આગ વધુ પ્રસરતા લોકો બહાર નીકળવા ગયા હતા. જેમાં 15 દિવસના બાળક સહિત 9 લોકો દાઝ્યા હતા. જેમને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે 15 દિવસના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 8 લોકો સારવાર હેઠળ છે. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી લીધી હતી. ફ્લેટમાં રહેતા 27થી વધુ લોકોને રેસ્ક્યુ કરી નીચે ઉતારી લીધા હતા.
આગ સીડીમાંથી બીજા માળ સુધી ઉપર સુધી પહોંચી
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે 06:15 વાગ્યાની આસપાસ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે, દાણીલીમડા વિસ્તારમાં ગામમાં આવેલા પટેલ વાસમાં ખ્વાજા ફ્લેટમાં આગ લાગી છે. જેથી જમાલપુર ફાયર સ્ટેશનની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આગ સીડીમાંથી બીજા માળ સુધી ઉપર સુધી પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
- Advertisement -
પાર્કિંગના મીટરમાં આગ લાગી હતી
આગના કારણે ફ્લેટના રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાયો હતો. પાર્કિંગના મીટરમાં આગ લાગી હતી. જેના કારણે પાર્કિંગમાં રહેલું એક્ટિવા અને સાઇકલ પણ બળીને ખાક થઈ ગયાં હતાં. ફ્લેટ ખૂબ જ સાંકડી જગ્યામાં હોવાના કારણે આગ તરત જ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. ફ્લેટના દરવાજા સુધી આગ પહોંચી જતા સ્થાનિક રહીશો બહાર નીકળવા ગયા હતા. જેમાં એક નાની બાળકી અને મહિલા સહિત ત્રણ લોકો સામાન્ય દાઝી ગયાં હતાં. ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવી ફ્લેટમાં રહેલા કુલ 27 જેટલા લોકોને સહી સલામત બહાર કાઢી લીધા હતા.
ફાયરની ગાડી અંદર સુધી પહોંચી ન શકી
ખૂબ જ સાંકડી જગ્યામાં ફ્લેટ હોવાના કારણે ફાયર બ્રિગેડનું વાહન અંદર સુધી પહોંચી શક્યું નહોતું. ફ્લેટ પણ ખૂબ જ નાની જગ્યામાં પાંચ માળ સુધી ઊભો કરી દેવામાં આવેલો છે. ખૂબ જ નાનો સાંકડો રસ્તો હોવાના કારણે વાહન છેક સુધી પહોંચી શક્યું નહોતું. બીજી તરફ ફ્લેટમાં સીડીઓમાં પણ સામાન પડ્યો હતો. જેના કારણે લોકો પણ ઝડપથી નીચે ઊતરી શક્યા નહોતા. વાહન પાર્કિંગની કોઈ જ સુવિધા નહોતી, મીટરની નજીક વાહન મૂક્યાં હતાં. જેના કારણે આગ વધારે પ્રસરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.