એ ડિવિઝન પોલીસે ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી 1.70 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના રવાપર ગામની પ્રાથમીક શાળા સામે ભુમી પેલેસમાં રહેતા કૈલાશભાઇ પ્રાગજીભાઇ જીવાણીએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે, તા. 16/02/2023 ના રોજ સવારના તેઓ પરીવાર સાથે લગ્ન પ્રસંગમા ગયેલ હોય બપોરે બે વાગ્યાના સુમારે ઘરે આવતા અંદરથી લોક મારેલ હોય જેથી દરવાજો નહીં ખુલતા પાછળથી જઇ જોતા તેમના મકાનમાં કબાટમાંથી સોનાની માળા તેમજ સોનાની બંગડી (કિં. રૂ. 1,60,000) તથા રોકડા રૂ. 10,000 ની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
કૈલાશભાઈની ફરીયાદના આધારે એ ડિવિઝન પોલીસે સીસીટીવી તેમજ હ્યુમન સોર્સીસની મદદથી તપાસ શરૂ કરી હતી તે દરમિયાન મોરબીના એસપી રોડ ઉપર ચોરી કરનાર ઈસમ હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે બાતમીવાળા સ્થળે તપાસ કરતા મજકુર બાળકિશોર ચોરીમાં ગયેલ સોનાની માળા તથા સોનાની બંગડી તથા રોકડ રૂ. 10,000 મળી કુલ રૂ. 1,70,000 ના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો જેથી પોલીસે બાળકિશોરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.