આજથી ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો ખુલશે જેમાં તેઓને માત્ર 5 રૂપિયામાં ભોજન અપાશે.
આજથી રાજ્યના બે શહેરોમાં અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો ખુલશે. અમદાવાદ અને ગાંધીનગરમાં અન્નપૂર્ણા યોજનાના 29 કેન્દ્રો ખુલશે. અગાઉ ઓક્ટોબરમાં મહિનામાં 22 કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા. આ યોજના થકી શ્રમિકો અને તેમના પરિવારોને નજીવા દરે ભોજન મળશે. તમને જણાવી દઇએ કે આ યોજના હેઠળ 5 રૂપિયામાં ભોજન આપવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં પણ વધુ 60 કેન્દ્રો ખોલવા માટે રાજ્ય સરકાર આયોજન કરી રહી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગઇકાલે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે મીડિયાને વિગત આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે કાર્યરત શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સેવાઓનું વિસ્તરણ કરીને આવતી કાલ તારીખ 29-12-2022 એટલે કે આજથી વધુ નવા 29 જેટલા કડિયાનાકા પર આ સુવિધાનો શુભારંભ કરાવવામાં આવશે.
હવેથી રાજ્યના કુલ 51 કડિયાનાકા કેન્દ્રો પર આ યોજનાની સેવાઓ ઉપલબ્ધ બનશે
એટલે કે હવેથી રાજ્યના કુલ 51 કડિયાનાકા કેન્દ્રો પર આ યોજનાની સેવાઓ ઉપલબ્ધ બનશે. CMના સક્ષમ નેતૃત્વ અને શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાતના બાંધકામ શ્રમિકો માટે પોષણયુક્ત ભોજન મળી રહી તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલી આ શ્રમિક અન્નપૂર્ણા યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર 5 રૂ.ના નજીવા દરે સાત્વિક અને પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે તેમ તેઓએ જણાવ્યું હતું.