ભાજપ જીતે તો પુનરાવર્તન, કોંગ્રેસ સફળ થાય તો પરિવર્તન: આપને ચમત્કારની આશા
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર દેશની મીટ નજર જેના પર છે તે ગુજરાત અને હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થનાર છે. ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ભાજપ – કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ છે. તે ઉપરાંત અન્ય 60 જેટલા પક્ષો અને અપક્ષો મેદાનમાં છે. આવતીકાલનું પરિણામ માત્ર ગુજરાત માટે જ નહિ સમગ્ર દેશના રાજકારણ માટે પણ અગત્યનું બની રહેશે. રાજ્યના જનાદેશથી દેશના રાજકારણની દિશા નક્કી કરવાનો રસ્તો ખુલશે. ગુજરાતના જનાદેશના સૂર્યોદયથી દેશભરમાં રાજકીય કિરણો ફેલાશે. રાજ્યમાં પ્રથમ તબક્કે 1 ડિસેમ્બરે 16428106 અને બીજા તબક્કે 5 ડિસેમ્બરે 16926152 મતદાતાઓએ મતદાન કરેલ. જનાદેશ મત મશીનોમાં કેદ થઇ ગયો છે તે આવતીકાલે સવારે ખુલશે. કાલનું પરિણામ કેવું હશે તેના પર અટકળો અને શરતોનો દોર ચાલી રહ્યો છે. પરિવર્તન કે પુનરાવર્તન ? તે ચર્ચા મુખ્ય છે. મતગણતરીનો સમય નજીક આવતો જાય તેમ ઉમેદવારોની ઉત્કંઠા વધતી જાય છે. આ ચૂંટણીના પરિણામની 2024ની લોકસભાની ચૂંટણીમાં અને તે પૂર્વે આવી રહેલ કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોની ચૂંટણીમાં અસર પડશે તેમ રાજકીય વિશ્ર્લેષકોનું કહેવું છે. ગુજરાત એ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી જેવા ધુરંધરનું ગૃહરાજ્ય હોવાથી પરિણામનો વિશેષ રાજકીય મહિમા છે. રાજ્યની ચૂંટણીમાં શાસક પક્ષ તરફથી વિકાસનો મુદ્દો ચગાવવામાં આવેલ. વિપક્ષોએ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દા ઉછાળ્યા હતા. આપનો મફત શિક્ષણ અને વિજળીનો મુદ્દો પણ ચર્ચામાં રહેલ. મોરબીના ઝુલતા પૂલની દુર્ઘટના જેવા મુદ્દાઓ પણ વારંવાર સામે આવ્યા હતા. જો ભાજપ જીતે તો 7મી વખત શાસન મેળવવાનો ઇતિહાસ સર્જાશે. જો કોંગ્રેસને બહુમતી મળે તો પરિવર્તનનો ઇતિહાસ સર્જાશે. આમ આદમી પાર્ટી બે આંકડે અથવા કે સત્તામાં કે સત્તાની નજીક પહોંચે તો રાજકીય ચમત્કાર ગણાશે. તમામ એકઝીટ પોલ સત્તામાં ભાજપના પુનરાવર્તનનો વર્તારો આપે છે. કોને આગાહી કેટલી સાચી તે કાલે બપોર સુધીમાં સ્પષ્ટ થઇ જશે.
- Advertisement -
રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠકની કણકોટમાં મતગણતરી
રાજકોટ શહેર – જીલ્લાની 8 વિધાનસભા બેઠકની કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે, અને બપોરે ર વાગ્યે તમામ બેઠકોનો ફેંસલો આવી જશે, મતગણતરી સંદર્ભે ભારતે ઉતેજના છે, કણકોટ મતગણતરી કેન્દ્ર ખાતે ચકલૂય ન ફરકે તેવો જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, પેરામીલટરી ફોર્સ મૂકાઇ છે, ર00 મીટરની અંદર 4 વ્યકિત એકઠી થવા ઉપર જાહેરનામું છે. મતગણતરીમાં ઇવીએમમાં પડેલા કુલ 13 લાખ 94 હજારથી વધુ મતો ગણાશે, અને એ પહેલા 7પ00થી વધુ બેલેટ પેપરો તથા દિવ્યાંગ અને વૃધ્ધ મતદારોએ જે ઘરે મતદાન કર્યુ છે, તેવા 8પ0થી વધુ મતો ગણાશે. ગણતરી રૂમમાં દરેકમાં 14-14 ટેબલ જાળીવાળી બેરીકેટથી સુરક્ષિત કરાયા છે, દરેક રૂમમાં બૂથવાઇઝ ઇવીએમ લવાશે, કાઉન્ટીંગ ઓફીસર પક્ષના ચૂંટણી એજન્ટોને દરેક સીલ, પડેલા બૂથો પહેલા દેખાડશે, બધુ ટેલી થયા બાદ સીધુ રીઝલ્ટની સ્વીચ દબાવશે, અને કયા ઉમેદવારને કેટલા મત મળ્યા તે જાહેર કરશે, આમ પેલો રાઉન્ડ પુરો થશે, અને કયાં ઉમેદવાર કેટલા મતથી આગળ તે જાહેર કરાશે, આ પછી ગણાયેલા ઇવીએમ પરત સીલીંગ રૂમમાં લઇ જવાશે, અને બીજા 14 ઇવીએમ મતો ગણવા લવાશે.
કણકોટમાં મીડિયાકર્મીઓને મોબાઈલ લઈ જવાની મંજુરી: કલેક્ટર અરૂ ણ મહેશ બાબુ
રાજયમાં વિધાનસભાના બે તબકકાના મતદાન બાદ કાલે 18ર બેઠકોની મતગણતરી યોજાનાર છે તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયાની તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. કાઉન્ટીંગ સ્ટાફનું પહેલું રેન્ડેમાઇઝેશન પણ કરી લેવામાં આવ્યું છે. રાજકોટ શહેર-જીલ્લાની 8 બેઠકોની મતગણતરી કાલે સવારે 8 કલાકથી કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે યોજાનાર છે. ત્યારે મીડિયા સાથેની વાતચિતમાં કલેકટર અરૂણ મહેશ બાબુએ નિર્દેશ આપેલ કે, મીડીયા કર્મી.ઓને મીડીયારૂમ સુધી મોબાઇલ લઇ જવા દેવામાં આવશે. જે પત્રકારો-ફોટોગ્રાફરો મતગણતરીના અધીકૃત પાસ ધરાવે છે તેઓ મોબાઇલ લઇ જઇ શકશે. ઉપરાંત કલેકટર દ્વારા આજે સવારે 11 વાગ્યે કાઉન્ટીંગ સ્ટાફનું બીજુ રેન્ડેમાઇઝેશન પણ યોજાયુ હતું કલેકટર તંત્ર કાલે સવારે પાંચ વાગ્યાથી કણકોટ મતગણતરી સ્થળે પહોંચી જશે. અને શહેર-જીલ્લાની 8 બેઠકોના 8 ઓર્બ્ઝવરો સમગ્ર મતગણતરી ઉપર નજર રાખશે.