ડોર-ટુ-ડોર મતદાન જાગૃત્તિ અભિયાનને તેજ બનાવવા કવાયત
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાનને વધુ તેજ બનાવવામાં આવશે. આ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજે બુથ લેવલ ગ્રુપના સદસ્યો સાથે સંવાદ સાધી, મતદારોને મતદાન મથક સુધી લાવવા અને દરેક મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
- Advertisement -
જૂનાગઢ શહેરના શામળદાસ ગાંધીધામ હોલમાં બૂથ લેવલ અવરનેસ ગ્રુપના સદસ્યો એટલે કે, આશા બહેનો, આંગણવાડી વર્કર, સ્વ – સહાય જૂથના બહેનો સહિતના કર્મચારીઓને ડોર-ટુ-ડોર મતદાન જાગૃતિ અભિયાનને તેજ બનાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રચિત રાજે માર્ગદર્શન આપવાની સાથે તેમનો ઉત્સાહ વધાર્યો હતો.અને જિલ્લા ચૂંટણી અધિકારીએ એક રણનીતિ સાથે મતદાન જાગૃતિ અભિયાનને ચલાવવા માટે જણાવ્યું હતું. આ સાથે તેમણે ઓછું મતદાન ધરાવતા બૂથ ઉપર ખાસ જન સંપર્ક ઝુંબેશ હાથ ધરી, લોકોને મતદાન મથક સુધી લાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.આ તકે નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણીયાએ કહ્યું કે, લોકશાહીના કેન્દ્રમાં મતદાર છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં તેમની ભાગીદારી ખૂબ જ જરૂરી છે. મતદાનના દિવસના આડે ગણતરીના દિવસો બાકી છે. આમ, ટૂંકા સમયમાં મતદાન જાગૃતિ અને મહત્તમ મતદાન માટે પૂરી શક્તિથી કામ કરવા માટે જણાવ્યું હતું.