વિધાનસભા-69 બેઠક પર સવા લાખ પાટીદાર મતદારો ખેલ બગાડી શકે છે
ડૉ.દર્શિતાબેનને ટિકિટ આપી ભાજપે સલામત બેઠકને જોખમી બનાવી
- Advertisement -
રાજકોટ પશ્ર્ચિમ પરથી કડવા પાટીદાર ઉમેદવાર માટે ટિકિટની ભારપૂર્વક માંગણી થઈ હતી
સિદસર મંદિરનાં પ્રમુખ જેરામભાઈ પટેલે જાહેર નિવેદન કરીને કડવા પાટીદાર ઉમેદવારને આ બેઠક ફાળવવા કહ્યું હતું
કોર્પોરેટર તરીકે પણ દર્શિતા તદ્દન નિષ્ફળ, લોકકાર્યો પ્રત્યે સદંતર ઉદાસીનતા સેવી છે- તેથી કાર્યકરોમાં તેમનું વજન નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વિધાનસભા 69ની હાઈપ્રોફાઈલ બેઠક પરથી ભાજપે ડો. દર્શિતા શાહનું નામ જાહેર કરી આજ સુધી સલામત ગણાતી બેઠકને જોખમી બનાવી નાખી છે. રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પર ડો. દર્શિતા શાહનું નામ જાહેર થતાની સાથે જ ફક્ત રાજકોટ શહેર ભાજપ જ નહીં પરંતુ પાટીદાર સમાજમાં પણ અંદરખાને રોષની લાગણી ભભૂકી ઉઠી છે. ભાજપના કાર્યકરો ઉપરાંત પાટીદારો પણ દર્શિતા શાહનું નામ જાહેર થયા બાદ ભાજપથી ભયંકર નારાજ છે. આ બેઠક પર ભાજપના પાયાના કાર્યકરોથી લઈ અગ્રણી નેતાઓની અવગણના સાથે પાટીદારોની નારાજગી ભારે પડી શકે છે.
અતુલ પંડિત પછી દર્શિતા શાહ: ભાજપને સારા લોકો મળતા જ નથી?
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પદ પર ભ્રષ્ટ અતુલ પંડિતની નિમણૂંક કર્યા બાદ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી દર્શિતા શાહને ભાજપે ટિકિટ ફાળવી દીધી છે. પહેલા વોર્ડ નં.2માંથી પંડિત અને હવે તેમના જ વોર્ડમાંથી શાહને ભાજપ દ્વારા લાયકાત કરતા વધુ આપી દેવામાં આવતા કર્તવ્યનિષ્ઠ કાર્યકરોમાં કચવાટ છે. પહેલા સંઘના અતુલ પંડિતને કૌભાંડો કરવા શિક્ષણ સમિતિના ચેરમેન બનાવાયા અને હવે સંઘ સાથે સંબંધો ધરાવતાં દર્શિતા શાહને વિધાનસભાની ટિકિટ ફાળવી દીધી. શું ભાજપને સારા લોકો મળતા નથી તેવા પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.
દર્શિતા શાહ પાસે સમર્થકો-ટેકેદારોની ફોજ નથી, ભાજપનો કાર્યકર નારાજ છે-જો ભાજપનાં કાર્યકરો દોડશે નહીં તો પરિણામ ઊલ્ટું આવશે
ડૉ. દર્શિતા વોર્ડની સમસ્યાઓ માટે ક્યારેય ધસી ગયા નથી-તેવી કાર્યકરોની ફરિયાદ છે, જો આ ફરિયાદ સાચી હોય તો દર્શિતા માટે કપરાં ચઢાણ
ઉલ્લેખનીય છે કે, રાજકોટ પશ્ર્ચિમ બેઠક પર પાટીદારો મતદારોનું પ્રભુત્વ હોય પાટીદાર અગ્રણીઓ દ્વારા પોતાના સમાજના અને ખાસ તો કડવા પાટીદાર ઉમેદવારને આ બેઠક પર ટિકિટ આપવા માટે માંગ કરવામાં આવી હતી. રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી કડવા પાટીદાર ઉમેદવાર માટે ટિકિટની ભારપૂર્વક માંગણી કરવામાં આવ્યા હોવા છતાં ભાજપ દ્વારા કોર્પોરેટર તરીકે સદંતર નિષ્ફળ, લોકકાર્યો પ્રત્યે સદંતર ઉદાસીન તેમજ કાર્યકરોમાં જેમનું વજન નથી તેવા જૈન સમાજના દર્શિતા શાહને ટિકિટ ફાળવી દેવામાં આવી છે. સિદસર મંદિરનાં પ્રમુખ જેરામભાઈ પટેલે જાહેર નિવેદન કરીને કડવા પાટીદાર ઉમેદવારને રાજકોટ પશ્ચિમ બેઠક પાટીદાર સમાજમાંથી કોઈને ફાળવવા માટે કહ્યું હતું. કારણ પણ સ્પષ્ટ છે કે, આ બેઠક પર કડવા પાટીદારોનાં આશરે સવાલાખ જેટલા મતદારો છે. હવે ભાજપ દ્વારા પાટીદાર સમાજે કરેલી માંગની અવગણના કરી ડો. દર્શિતા શાહને ટિકિટ આપી દીધી છે.
દર્શિતા શાહ પાસે સમર્થકો-ટેકેદારોની ફોજ નથી, ભાજપનો કાર્યકર તેમનાથી નારાજ છે. જો ભાજપનાં કાર્યકરો દોડશે નહીં તો પરિણામ ઊલ્ટું આવશે પણ દર્શિતા શાહ માટે કોઈ કાર્યકર દોડવા નહીં, તેમને હરાવવા મેદાને પડ્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. દર્શિતા શાહ વોર્ડની સમસ્યાઓ માટે ક્યારેય ધસી ગયા નથી તેવી તેમના વોર્ડના જ કાર્યકરોની ફરિયાદ છે. જો આ ફરિયાદ સાચી હોય તો દર્શિતા શાહ માટે ચૂંટણી લડવી ને જીતવી કપરાં ચઢાણવાળી સાબિત થશે. અધૂરામાં પૂરું કોંગ્રેસ આ બેઠક પરથી કડવા પાટીદાર નેતા મનસુખ કાલરીયાને ટિકિટ ફાળવી શકે છે. ભાજપથી નારાજ પાટીદારો મનસુખ કાલરીયાને ટેકો જાહેર કરી શકે તેમ છે. આમ અનેક કારણોસર રાજકોટ પશ્ચિમ બેઠક પર ડો. દર્શિતા શાહને ટિકિટ આપી ભાજપે સલામત બેઠકને તો જોખમમાં મૂકી છે સાથે કડવા પાટીદારોની નારાજગી પણ વ્હોરી લીધી છે.
રાજકોટ પશ્ર્ચિમ બેઠક પર ભાજપ દ્વારા પાટીદારોની ભારે અવગણના
રાજકોટ વિધાનસભાની પશ્ચિમ બેઠક પર સૌથી વધુ મત પાટીદાર સમાજના છે આમ છતાં આ બેઠક પર ભાજપ દ્વારા પાટીદાર સમાજ અને તેમના નેતાઓની ભારે અવગણના કરવામાં આવી રહી છે. રાજકોટ પશ્ચિમ બેઠકના આશરે ચાલીસેક ટકા મતદારો કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર સમાજના છે. રાજકોટ વિધાનસભા-69 બેઠક પર કુલ મતદારો પૈકી બ્રાહ્મણ 20%, લોહાણા 20%, કડવા પાટીદાર 19%, લેઉવા પાટીદાર 15%, જૈન 12%, લઘુમતી 10% અને અન્ય 4% છે. ભાજપએ આ બેઠક પર પાટીદાર મતદારોની સંખ્યા વધુ હોવા છતાં તેમજ પાટીદાર સમાજમાંથી ઘણા સક્ષમ ઉમેદવારો પણ હોવા છતાં તેમને આજ સુધી ટિકિટ આપી નથી. રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપ દ્વારા પાટીદાર મતદારો અને નેતાઓની ભારે અવગણના કરવામાં આવતા પાટીદાર સમાજ ભાજપથી નારાજ હોવાનું જણાય આવે છે.
કોંગ્રેસનાં કડવા પાટીદાર નેતા મનસુખ કાલરિયાનું નામ અને કામ દર્શિતા શાહ કરતા મોટું
રાજકોટ વિધાનસભા પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર દર્શિતા શાહ સામે કોંગ્રેસ કડવા પાટીદાર નેતા મનસુખ કાલરીયાને ટિકિટ આપી શકે છે. મનસુખ કાલરીયા કડવા પાટીદાર નેતા અને સામાજિક અગ્રણી છે. રાજકારણ અને સમાજસેવાનો બહોળો અનુભવ ધરાવે છે. કડવા ઉપરાંત લેઉવા પાટીદારોનો ટેકો પણ મનસુખ કાલરીયાને મળેલો છે. આ વિસ્તારમાં તેઓ સ્વચ્છ છબી સાથે લોકપ્રિય ચહેરો પણ ધરાવે છે. આ સિવાય રાજકોટ પશ્ચિમ મત વિસ્તારમાં મનસુખ કાલરીયાનું નામ અને કામ દર્શિતા શાહના પ્રમાણમાં મોટું હોય જો કોંગ્રેસ મનસુખ કાલરીયાને ટિકિટ આપશે તો દર્શિતા શાહ માટે રાજકોટ પશ્ચિમ વિધાનસભાની બેઠક જીતવી અઘરી સાબિત થઈ જશે.