સરકાર તપાસ કરવાથી ભાગી રહી છે?
શ્રેષ્ઠ યુનિવર્સિટીનો વહીવટ વિવાદીતનાં હાથમાં કેમ?
કૃષિ મંત્રીએ વાત જ કરવાની ના પાડી દીધી તો કુલપતિની નિમણુંકને લઇ કોણ જવાબદાર?
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિની નિમણુંકને લઇ હવે યુનિ.માં પણ ગણગણાટ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ પદે ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક કરવામાં આવી છે. ડૉ. વી.પી. ચોવટિયા સામે અનેક રજુઆતો થઇ છે. તેમજ તેની નિમણુંકને ગેરકાનુની ગણવામાં આવી રહી હોવાનાં આક્ષેપ થયા છે. અનેક રજુઆત છતા પણ કૃષિ મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢ આવ્યા હતાં ત્યારે આ મુદે ચર્ચા કરવાની ના પાડી દીધી હતી. ત્યારે અનેક સવાલ ઉભા થયા છે કે, કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક સરકારથી ઉપર વટ થઇ છે? કુલપતિની નિમણુંકને લઇને કોણ જવાબદાર? શ્રેષ્ઠ યુનિ.નો વહિવટ વિવાદીતનાં હાથમાં કેમ? સહિતનાં સવાલ ઉભા થયા છે. એટલું જ નહી કૃષિ યુનિવર્સિટીમાં પણ હવે છાના ખુણે ચર્ચાઓ જાગી છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વિશ્ર્વમાં નામ ધરાવે છે. અહીં શ્રેષ્ઠ કામ થઇ રહ્યું છે. કૃષિ યુનિ.ની વાત કરીએ તો તેનું કેમ્પસ 826.96 હેકટરમાં આવેલું છે અને 1622.98 હેકટર જમીન રાજયનાં ચાર જુદાજુદા આબોહવાકીય વિસ્તારમાં પ્રાદેશિક સંશોધન કેન્દ્ર, પેટા સંશોધન કેન્દ્રો અને વિજ્ઞાન કેન્દ્રો આવેલા છે. 30 જેટલા સંશોધન કેન્દ્રો આવેલા છે. કૃષિ યુનિ. હસ્તક અનેક બિલ્ડીંગ, મકાનો, પ્રયોગ શાળા, આધુનિક સુવિધાયુકત પ્રયોગ શાળાઓ આવેલી છે. અહીં 20 જેટલા વિષયમાં ડોકટર્સ ડિગ્રીમાં અભ્યાસ થઇ રહ્યો છે. ભારત ઉપરાંત વિદેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી રહ્યાં છે.વૈશ્ર્વીક ફલક ધરાવતી કૃષિ યુનિવર્સિટીમાં અનેક સંશોધનો થઇ રહ્યાં છે અને દેશમાં કૃષિક્ષેત્રે અનેક ભલામણો કરવામાં આવી છે. પરંતુ વિશાળ કૃષિ યુનિ.નાં કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંકને લઇ ભારે ચર્ચા જાગી છે. તેમની નિમણુંક પહેલા જૂનાગઢનાં વિરલ જોટવાએ અનેક રજુઆતો કરી છે. કોર્ટ થઇ લઇ મુખ્યમંત્રી સુધી રજુઆતો કરવામાં આવી છે.છતા પણ કુલપતિ પદે ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક કરવામાં આવી છે. રાજયનાં કૃષિ મંત્રી આ મુદે ચર્ચા કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દે છે. આ નિમણુંકનાં જવાબ કોની પાસેથી લેવાનાં? આ નિમણુંક માટે કોણ જવાબદાર? કૃલપતિ સામે તપાસ કોણ કરી શકે? અને કોણે તપાસ કરવી જોઇએ? તેમજ વિશાળ કેમ્પસ અને અબજો રૂપિયાની મિલ્કત વિવાદીત કુલપતિને કેમ સોંપી શકાય? સહિતનાં અનેક સવાલ ઉઠી રહ્યાં છે. આના જવાબ કૃષિ મંત્રી કે સરકાર જ આપી શકે તેમ છે. કૃષિ મંત્રીએ તો ઇનકાર કરી દીધો છે. સરકાર ખુદ આગળ આવે અને કૃલપતિની નિમણુંકની તપાસ શરૂ કરી તે જરૂરી બન્યું છે. બીજી તરફ હવે તો કૃષિ યુનિ.માં પણ નિમણુંકને લઇ ગણગણાટ થવા લાગ્યો છે.