100થી વધુ મોટા પંડાલમાં ભવ્ય આયોજન, શેરી ગલીઓ સહીત દરેક વિસ્તારોમાં વિઘ્નહર્તાની સ્થાપના
ખાસ-ખબર સંવાદદાતા
વિઘ્નહર્તા દુંદાળા દેવનો પર્વ આજથી શરૂ થયો છે. દેશભરમાં નાના મોટા પંડાલમાં અને ઘરમાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે ત્યારે મોરબી શહેરમાં પણ શેરી ગલીઓમાં ગણેશજીની સ્થાપના થઈ છે. આજે ગણેશ ચતુર્થીએ વિધ્નહર્તાને ભક્તિભાવથી આવકારવા ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બે વર્ષ બાદ ગણેશ મહોત્સવનું આયોજન થયું હોય આ વખતે 100 થી વધુ મોટા પંડાલમાં ઉપરાંત દરેક વિસ્તાર, શેરી-ગલી અને ઘરોમાં પણ વાજતે ગાજતે ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે.
- Advertisement -
મોરબીમાં ગણેશ મહોત્સવને લઈને છેલ્લા ત્રણેક માસથી કારીગરો દ્વારા વિવિધ જગ્યાએ પડાવ નાખીને નાની મોટી આકર્ષક ગણેશજીની મૂર્તિ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી ત્યારે હવે મોટાભાગની મૂર્તિઓ તૈયાર થઈ જતા આજે છેલ્લી ઘડી સુધી ગણપતિ દાદાની મૂર્તિની ધૂમ ખરીદી થઈ હતી. ગણપતિ દાદાના સ્થાપનની તૈયારીઓ માટે મોટાભાગના વિસ્તારોમાં, શેરી, ગલીઓમાં પંડાલ નાખવામાં આવ્યા છે જ્યારે 100 જેટલા મોટા આયોજનમાં સૌથી મોટું અને ભવ્ય સિદ્ધિ વિનાયક કા રાજા અને પટેલ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગણેશજીની ભવ્ય મૂર્તિ સાથે વિષેશ આકર્ષણો અને બાળકો સહિત મોટેરાઓને મન મોહી લેતી વસ્તુઓ પણ રાખવામાં આવી છે તેમજ કાલિકા પ્લોટ, સવાસર પ્લોટ, જુના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, સ્ટેશન રોડ, કાયાજી પ્લોટ, શનાળા રોડ, રવાપર રોડ, અવની ચોકડીની અનેક સોસાયટીમાં, જુના મહાજન ચોક, રામચોક, સામાકાંઠે રિલીફ, રોટરી, જનકલ્યાણ, રામકૃષ્ણનગર વર્ધમાન નગર, સોઓરડી, જુના અને નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ સહિતના વિસ્તારોમાં આજે ગણેશ ચતુર્થીએ વાજતે ગાજતે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે. દરેક વિસ્તારમાં ભગવાન ગણેશજીની સ્થાપના માટે ભવ્ય વાજતે ગાજતે યાત્રા કાઢવામાં આવી હતી અને સર્વત્ર ગણપતિ દાદાના ડીજે ઉપર ભક્તિગીતોની ધમાલ મચી હતી સાથેસાથે એકબીજા ઉપર અબીલ ગુલાલની છોડો ઉડાડીને ગણપતિ બાપાને ભારે હેતથી આવકારવામાં આવ્યા હતા.