ભારે પવન સાથે વરસાદ આવે એટલે આવા બાંધકામોનો નબળો ભાગ ગમે ત્યાંરે ધસી પડે તેવી ભીતિ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં દર વર્ષે વરસતા વરસાદમાં ખાસ કરીને જૂના રાજકોટમાં જે દહેશત રહે છે તેવી જ હાલત આ વર્ષે પણ છે. 58થી વધુ જર્જરિત મકાનો મોતના માચડાંની જેમ ઉભા છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવે એટલે આવા બાંધકામોનો નબળો ભાગ ગમે ત્યાંરે ધસી પડે તેવી ભીતિ છે. પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે મનપાએ ભયગ્રસ્ત બાંધકામોનો સર્વ કરીને તેની યાદી તૈયાર કરી છે અને આવા તમામ બાંધકામના વપરાશકર્તાઓને ચોમાસા પહેલા રિપેરીંગ કરાવી લેવા નોટિસ ફટકારી છે. જો કે ચોમાસુ આવે ત્યાંરે મનપાને ભયગ્રસ્ત બાંધકામો દેખાય અને પોતાની જવાબદારીમાંથી છટકવા માટે નોટિસ આપી માત્ર કાગળકીય કાર્યવાહી જ કરે છે. બાંધકામ રિપેર થાય તેવી ફરજ પાડતા કોઇ નક્કર અને કડક પગલાં લેવાતા નથી અને તેનો ભોગ નિર્દોષ રાહદારીઓને બનવુ પડે છે. ગત વર્ષે ચોમાસામાં સોનીબજાર અને લોહાણાપરામાં ત્રણ રાહદારીઓ ઉપર જર્જરિત મકાનનો રવેશ પડતા ગંભીર રીતે ઘવાયાની ઘટના મનપા માટે અત્યારથી જ લાલબતી સમાન છે.
- Advertisement -
2014માં એક જ દિવસમાં ભારે વરસાદ પડ્યો અને જે જનામાલને નુકસાન ગયુ હતુ ત્યાંરે સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મહાપાલિકાએ સાથે મળીને ચોમાસામાં ધસી પડે તેવા ભયગ્રસ્ત બાંધકામોનો સર્વે કરીને ફોટા સાથે તેની યાદી તૈયાર કરી હતી. બાદમાં આ તમામ બાંધકામના વપરાશકર્તાઓને રિપેરિંગ કરાવી લેવા તાકીદ કરવામા આવી હતી. એ વખતે આવા 97 જેટલા બાંધકામો હોવાની યાદી તૈયાર થઇ હતી. આજે 9 વર્ષ પછી પણ તેમા નોંધપાત્ર કોઇ ઘટાડો થયો નથી. હજુ પણ 58 જેટલા અતિભયગ્રસ્ત મકાનો છે. આ તમામ બાંધકામો વરસતા વરસાદમાં ગમે ત્યાંરે ધસી પડે તે હદે પતાના મહેલની માફક લટકી રહ્યા છે. આમછતા મનપાએ બાંધકામના વપરાશકર્તા પાસે યુધ્ધના ધોરણે રિપેરિંગ કરાવવાની ફરજ પાડતા ઠોંસ પગલાં લેવાના બદલે પોતાની જવાબદારીમાંથી છટકવા માત્ર કાગળ પરની જ કાર્યવાહી કરી છે.