- પરખ ભટ્ટ
(૧) અંધેરા કાયમ રહે!
મુંબઈમાં ટાટા પાવરનીઇનકમિંગ સપ્લાય ફેઇલ જતાંની સાથે માયાનગરીમાં અંધારપટ છવાઈ ગયો. સેન્ટ્રલ, નૉર્થ અને સાઉથ મુંબઈના ઘણા વિસ્તારોમાં મલ્ટિપલ ટ્રિપિંગના સમાચારો સામે આવ્યા. દેશની આર્થિક રાજધાનીમાં વીજળી ગુલ થતાંની સાથે જ આ ઘટના ગણતરીની મિનિટોમાં ટ્રેન્ડ થવા લાગી. કેટલાય પૈસાદાર નબીરાઓએ તો પોતાની જિંદગીમાં ક્યારેય ‘વીજળી ગુલ’નો અનુભવ નહોતો કર્યો, એ ઘાંઘા થઈને સોશિયલ મીડિયા પર મુજરો કરવા લાગ્યા! એમને કોણ સમજાવવા જાય કે પોણાભાગનું ભારત પાવર–કટનો છાશવારે અનુભવ કરતું રહે છે. કૉવિડ–હોસ્પિટલ્સ બેક–અપ ઇલેક્ટ્રિસિટી પર ચાલી. ૩૮૦ મેગાવોટનો પાવર–સપ્લાય ફરી નિયમિત કરવા માટે ઇલેક્ટ્રિસિટી બૉર્ડને બે કલાકનો સમય લાગ્યો.
- Advertisement -
(૨) ટીઆરપીનો તાયફો
કોઈ પણ ટીવી ચેનલની સફળતાનો માપદંડ એટલે ‘ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ (ટીઆરપી)’! મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને ત્રણ ચેનલો વિરૂદ્ધ ટીઆરપી ફ્રોડની જાહેરાત કરી, જેમાં અર્ણબ ગોસ્વામીની ‘રિપબ્લિક ભારત’ સહિત અન્ય બે ચેનલ્સ ‘ફક્ત મરાઠી’ અને ‘બૉક્સ ઑફિસ’નો પણ સમાવેશ થતો હતો. વીજળીવેગે આ સમાચાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા. અર્ણબ ગોસ્વામી પર આરોપ હતો કે એમની ન્યુઝ ચેનલ ‘રિપબ્લિક ભારત’ દ્વારા ઑડિયન્સને ૪૦૦–૫૦૦ રૂપિયા આપીને એમની ચેનલ જોવા માટે મજબૂર કરવામાં આવ્યા છે, જેના લીધે એમની ટીઆરપીમાં જબરો ઉછાળો નોંધવા મળ્યો છે. મૂળતઃ તો ઉદ્ધવ સરકાર હવે અર્ણબ ગોસ્વામીથી ત્રાસી ગઈ છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં જે રીતે અર્ણબ ગોસ્વામી અને કંગના રનૌતે ભેગા મળીને સંજય રાઉત, આદિત્ય ઠાકરે અને શિવસેનાની ઇજ્જત પર આરોપો ઉછાળ્યા છે, એનાથી ઉદ્ધવ ઠાકરે બરાબર ખફા થયા છે.
(૩) ખોખલા સેક્યુલારિઝમનો ખેલ!
- Advertisement -
ટાટા તનિષ્કે આવી રહેલાં તહેવારો નિમિત્તે એક એડવર્ટાઇઝમેન્ટ બનાવી, જેમાં હિન્દુ ગર્ભવતી પુત્રવધુ માટે તેનો મુસ્લિમ સાસરાપક્ષ ગોદભરાઈની રસમ ગોઠવે છે. આ એડ ઑન–એર થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ‘બોયકોટ્ટ તનિષ્ક’ હેશટેગ ટ્રેન્ડ કરવા માંડ્યુ. યુઝર્સનું કહેવું હતું કે મુસ્લિમ પરિવારમાં પરણીને ગયેલી હિન્દુ ગર્ભવતી સ્ત્રીને બદલે હિન્દુ પરિવારમાં પરણીને ગયેલી મુસ્લિમ પુત્રવધુ કેમ નથી દર્શાવતાં? વાત પણ સાચી. દાયકાઓથી સેક્યુલારિઝમના નામે ટીવી–ફિલ્મોમાં કેટકેટલું પધરાવવામાં આવે છે, જેની આપણને જાણ સુદ્ધાં નથી. યુઝર્સનું કહેવું હતું કે સમ ખાવા ખાતર એક વખત તો ચિત્ર પલટાવી જુઓ! ઇસ્લામ ધર્મના અનુયાયીઓ શું એ બદલાયેલા ચિત્રને સેક્યુલર ગણીને પચાવી શકવા સક્ષમ હશે? ભૂતકાળ તપાસીએ તો, આનો જવાબ ‘ના’ મળે છે.
(૪) એપલનું નવું નજરાણું!
દર વર્ષે ‘એપલ પાર્ક’માં યોજાતી ઇવેન્ટની સોશિયલ મીડિયા યુઝર્સ અને ટેક્નો–ચાહકો આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. આજ વખતે કોરોનાકાળને લીધે સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી મૂળ એપલ ઇવેન્ટમાં નવા આઇફોન લૉન્ચ કરવામાં નહોતાં આવ્યા. પરંતુ ૧૩મી ઑક્ટોબરે એપલે આખા વિશ્વના સૌથી પ્રિય એવા નવાનક્કોર આઇફોન–૧૨ના ચાર મૉડેલ્સ લૉન્ચ કર્યા. આઇફોન ૧૨, આઇફોન ૧૨ મિની, આઇફોન ૧૨ પ્રો, આઇફોન ૧૨ પ્રો મેક્સ! પહેલીવહેલી વખત કોઈ ફોનમાં 5જી કનેક્ટિવિટી આપવામાં આવી છે. જોકે, ભારતમાં હજુ 5જીના પ્રવેશને એકાદ–બે વર્ષની વાર છે. પરંતુ એ સિવાય પણ આઇફોન ૧૨ના ઘણા ફીચર્સ એવા છે, જેણે ચાહકોમાં ક્રેઝ ફેલાવ્યો છે. અલગ અલગ સ્ક્રીન સાઇઝ, જબરદસ્ત ફોટો કેમેરા, ડોલ્બી વીડિયો વિઝન, મેગ્સેફ સહિતની પુષ્કળ સગવડો ઉપરાંત આજ વખતે એપલે પર્યાવરણના બચાવ માટે પણ પ્રયાસો હાથ ધર્યા છે. એમનો સંકલ્પ છે કે, ૨૦૩૦ની સાલ સુધીમાં એપલની એકપણ પ્રોડક્ટ કાર્બનનું ઉત્સર્જન નહીં કરે.
(૫) બાબાનો ગજયોગ!
બાબા રામદેવ અવારનવાર સમાચારોમાં છવાયેલાં રહે છે. થોડો સમય પહેલાં, ચોમાસાની મૌસમમાં તેઓ સાઇકલ ચલાવતાં નજરે ચડ્યા હતાં. એ વીડિયોમાં પણ એમની સાઇકલ સ્લિપ થઈ જતાં તેઓ પડી ગયા હતાં. આજ વખતે તેઓ હાથી પર બેસીને આસન કરવા ગયા, પણ ગજરાજે એમનો સાથ ન આપ્યો. હાથી હલનચલન કરવા ગયો, ને એની ઉપર બેઠેલા બાબા રામદેવ ભપ્પાક દેતાંક નીચે પડ્યા. એમનું આ ગજાસન બીજી જ મિનિટે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું. આમ છતાં બાબા તો એકદમ નિખાલસ ને હસમુખા! એમણે જરા પણ ખોટું લગાડ્યા વગર આખી ઘટનાને સાવ હળવાશથી લીધી.
(૬) લવ ઇઝ લવ!
ભારતમાં પાછલા બે દાયકાથી LGBTQ (લેસ્બિયન, ગે, બાય–સેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વીર) કમ્યુનિટી પોતાના અધિકારો મેળવવા માટે જંગ લડી રહી છે. સુપ્રીમ કૉર્ટે બે સમલૈંગિકો વચ્ચેના સેક્સ્યુઅલ સંબંધો અને રીલેશનશિપને માન્યતા આપી છે. પહેલા એમની ગણના ક્રિમિનલ્સમાં થતી હતી. પરંતુ હજુ પણ સમલૈંગિકોને એકબીજા સાથે લગ્ન કરવાની છટ નથી મળી. આ અઠવાડિયે દિલ્હી હાઇકોર્ટ દ્વારા ‘સ્પેશિયલ મેરેજ એક્ટ’ પર સુનાવણી આપવાની વાત જાહેર કરી, જે ૮ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ જાહેર થશે. સોશિયલ મીડિયા પર સિલેબ્રિટીથી માંડીને મોટાભાગના સામાજિક કાર્યકર્તાઓએ આ કમ્યુનિટીને એમના અધિકારો અપાવવાની વાત પર સંમતિ પૂરાવીને હેશટેગ ‘લવ ઇઝ લવ’ને ટ્રેન્ડિંગ લિસ્ટમાં સામેલ કર્યુ.
(૭) ગુજરાતી દિગ્દર્શકની આંતરરાષ્ટ્રીય છલાંગ!
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગૌરવપ્રદ ગણી શકાય એવી એક ઘટના આ અઠવાડિયે સોશિયલ મીડિયા પર વાયરલ રહી. ‘આપણે તો ધીરૂભાઈ’ નામની ગુજરાતી ફીચર ફિલ્મ ઉપરાંત ‘લેટ ધેમ પ્લે’ જેવી અવૉર્ડ–વિનીંગ ફિલ્મ બનાવી ચૂકેલા મૂળ રાજકોટિયન ડિરેક્ટર હારિતઋષિ પુરોહિતને દુબઈની ઇન્ટરનેશનલ એડ એજન્સી દ્વારા ગ્લોબલ એડવર્ટાઇઝમેન્ટ બનાવવાનો પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો. મહત્વની વાત એ છે કે, આખા પ્રોજેક્ટમાં ડિરેક્ટર સિવાયનું ક્રૂ તથા કાસ્ટ મેમ્બર વિદેશી છે! આજ સુધી એકપણ ગુજરાતી દિગ્દર્શકને આટલી મોટી ઉપલબ્ધિ મળી નથી. હારિતઋષિ પુરોહિત ભૂતકાળમાં ‘લાસ વેગાસ ફિલ્મ ફેસ્ટિવલ’ અને ‘લૉસ એન્જ્લસ ફિલ્મ ફેસ્ટિવલ’માં પોતાની ફિલ્મ–સ્ક્રિપ્ટ માટે બબ્બે ઇન્ટરનેશનલ અવૉર્ડ જીતી ચૂક્યા છે.