જ્યાં ફરવા જાઓ ત્યાં ઉપયોગી વૃક્ષોનાં બીજ વેરતા રહો. એકસોમાંથી કદાચ પાંચ-દસ બીજ પણ વૃક્ષ બન્યા તો ભયોભયો
- Advertisement -
ગુજરાતનું એક દંપત્તી ડોડી (જીવંતી) નામની વનસ્પતીનાં બીજનું નિ:સ્વાર્થભાવે વિતરણ કરે છે. કહેવાય છે કે, ભારતીય વનસ્પતી શાસ્ત્રોમાં લખ્યું છે કે, જ્યારે જીવંતીનો નાશ થશે ત્યારે સમજવું કે પર્યાવરણનો સોથ વળી ગયો. અગાઉ આપણે ત્યાં ઘાસની જેમ જીવંતીનાં વેલી ફુટી નીકળતાં ઠેર-ઠેર. આંખ માટે એ આયુર્વેદનું સર્વોત્તમ ઔષધ ગણાય છે. અગાઉ ગાયો ચરવા નીકળતી અને તેનાં દૂધ વાટે તેનાં ગૂણ આપણાં શરીરને મળતાં. પર્યટક તરીકે આપણી નૈતિક ફરજ શી? જ્યાં ફરવા જાઓ ત્યાં ઉપયોગી વૃક્ષોનાં બીજ વેરતા રહો. એક્સોમાંથી કદાચ પાંચ-દસ બીજ પણ વૃક્ષ બન્યા તો ભયોભયો. વન વિભાગની કચેરીઓમાં આવા બીજ નિ:શુલ્ક અથવા ટોકન દરથી મળી રહે છે. આપણાં વેરેલા દસ-વીસ બીજ કદાચ ભવિષ્યમાં આખા વિસ્તારની શકલ બદલી નાંખે એવું પણ બને. બેન્ગલોર ડાયરીમાં આવી બધી વાતો ક્યાંથી આવી ગઈ? આજે અમે પહોંચવાનાં છીએ કર્ણાટકનાં હિલ સ્ટેશન, કૂર્ગ. કોફી પ્લાન્ટેશન માટે અને ઉત્તમ કોફી બીન્સ માટે કૂર્ગ વિશ્ર્વવિખ્યાત છે. પણ, અહીં કોફી પ્લાન્ટેશનની શરૂઆત કેવી રીતે થઈ? ઈસવિસન 1670માં બાબા બુદાન નામનાં એક યાત્રાળુ વિદેશથી વહાણમાં અહીં આવ્યા.
કોફી પ્લાન્ટેશન માટે અને ઉત્તમ કોફી બીન્સ માટે કૂર્ગ વિશ્વ વિખ્યાત
તેઓ તેમની સાથે કોફીનાં સાત બીન્સ લઈને આવ્યા હતા. અહીં આવેલાં ચિકમન્ગલુર વિસ્તારમાં તેણે આ બીજ રોપ્યાં. અને ત્યારથી આ વિસ્તારમાં કોફી પ્લાન્ટેશનની શરૂઆત થઈ.
કોને ખ્યાલ હતો કે, સાત બીજમાંથી ધીમેધીમે અહીં કોફીનો આખો મલક બની જશે! આજે કૂર્ગને કોફીનું સ્વર્ગ માનવામાં આવે છે. બેન્ગલોરથી લાંબી રોડ ટ્રિપ પછી અમે કૂર્ગ પહોંચ્યા. ખૂબ થાક હતો. સૌ પ્રથમ ઉતારા પર જવું હતું. અને અમારો પડાવ હતો એક ઘેઘૂર કોફી એસ્ટેટ મધ્યે.
કૂર્ગમાં, તેની રાજધાની જેવા ગણાતાં મદીકેરીમાં ઢગલાબંધ હોટેલ્સ છે. સાદીથી લઈને ફાઈવ સ્ટાર સુધીની. પરંતુ આ વિસ્તારની અસલી મજા માણવી હોય તો કોફી એસ્ટેટમાં સ્ટે કરવો ઉત્તમ. કૂર્ગમાં આવા અગણિત કોફી એસ્ટેટ છે. અમારો ઉતારો આવા જ એક કોફી એસ્ટેટમાં હતો.
લગભગ 600 એકરમાં ફેલાયેલું કોફી એસ્ટેટ. આભને આંબતા વૃક્ષો અને નિરવ શાંતિ. આસપાસ કોઈ જ માનવ વસ્તિ નહીં. હરિયાળીનું અને પ્રકૃતિનું સામ્રાજ્ય. અને જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી કોફીનું પ્લાન્ટેશન જ દેખાય. પ્રકૃતિની સમૃદ્ધિ જાણે ચરમસીમા પર હોય તેવું લાગે. પક્ષીઓનો કલરવ અને મસ્ત મજાનું ટાઢોડું.
કૂર્ગમાં આવા અસંખ્ય ફાર્મ સ્ટે છે. અમારું કોટેજ એકદમ ક્યૂટ હતું. બે બેડરૂમ, હોલ, કિચન અને ડાઈનિંગ હોલ. એક એટેન્ડન્ટ કપલ. જે તમને નાસ્તાથી લઈ ભોજન વગેરે બનાવી આપે. જેમ દલ સરોવરની હાઉસ બોટમાં રહેવું- એ એક એક્સ્પિરિયન્સ છે, તેવી જ રીતે કોફી એસ્ટેટમાં રહેવું એ એક આહ્લાદક અનુભવ છે. ઘડીક તો થાય કે, અહીં જ રોકાઈ જઈએ. કૂર્ગ જવાનું થાય તો હોટેલમાં રોકાવાની ભૂલ કરવી નહીં. ફાર્મ સ્ટે સિવાય બીજો કોઈ વિકલ્પ પસંદ કરવો નહીં.
મેં ભારતનાં ઘણાં હિલ સ્ટેશન્સ જોયા છે. કૂર્ગ તેમાં શ્રેષ્ઠત્તમ છે- એવું નહીં કહું. પરંતુ કૂર્ગ એકદમ ડિફરન્ટ છે. અને એટલું જ બ્યુટીફુલ. એટલે જ કૂર્ગને ભારતનું સ્કોટલેન્ડ ગણવામાં આવે છે. કૂર્ગનું વાતાવરણ, લેન્ડસ્કેપ્સ, ભૂગોળ, ક્લાઈમેટ, ફ્રેશ વોટર બોડીઝ- ઝરણાંઓ વગેરે એકદમ સ્કોટલેન્ડને મળતાં આવે છે.
રાહત એ વાતની છે કે, કૂર્ગ હજુ ભીડભાડવાળું, ગીચ અને ઘોંઘાટિયું ગિરિમથક નથી. શિમલા, મનાલી કે મહાબળેશ્ર્વરની જેમ અહીં માનવ સમંદર ઉભરાતો નથી. બજારોમાં પણ અહીં ધક્કામુક્કી નથી. કૂર્ગની આ મજા નિરાળી છે. એ નિરાતવું ગિરિમથક છે.
હજુ એ સ્પોઈલ થતાં ઘણાં વર્ષો લાગશે. તેની હાલત શિમલા-મનાલી જેવી થઈ જાય એ પહેલાં એક વખત ત્યાં જઈ આવજો.
(ક્રમશ:)