જાહેરખબરનો ઈતિહાસ માનવસભ્યતા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો વિજ્ઞાપનની દિલચસ્પ વાત : પ્રાચીનકાળમાં પણ જાહેરાતનું અસ્તિત્વ
અંગ્રેજી શબ્દ છે – Advertising, જે લેટિન શબ્દ adverterથી બન્યો છે, જેનો ગુજરાતીમાં અર્થ મન-મગજને આકર્ષિત કે પ્રભાવિત કરવા એવો કરી શકાય. કોઈપણ વસ્તુ કે સેવા પ્રત્યે માનવીના મન-મગજને આકર્ષિત કે પ્રભાવિત કરવાનો પ્રયાસ એ અમદયિશિંતશક્ષલ છે. Advertisingનું ગુજરાતી જાહેરખબર, જાહેરાત, વિજ્ઞાપન થાય છે. જાહેરમાં આપવામાં આવતી ખબર જાહેરખબર કહેવાય, જાહેરમાં થતી વાત જાહેરાત છે, વિશેષ જ્ઞાન જેમાં આપવામાં આવે તે વિજ્ઞાપન. અમદયિશિંતશક્ષલને ટૂંકમાં અઉઉ પણ કહેવાય છે. તેના બે અર્થ છે. એક તો તે Advertising શબ્દનું ટૂંકમાં નામ અઉઉ છે. બીજું પૂર્વ સામગ્રી કે સૂચનામાં નવી સામગ્રી કે સૂચનાનું જોડાણ એટલે અઉઉ. જે જાહેરખબર આપે છે તે જાહેરાતદાતા કહેવાય છે, વિજ્ઞાપન આપે એ વિજ્ઞાપનદાતા. જાહેરખબર, જાહેરાત કે પછી વિજ્ઞાપનમાં કોઈપણ વસ્તુ કે સેવાની જાણકારી – માહિતી આપવામાં છે, સૂચના પ્રદાન કરવામાં છે. જાહેરખબરને પ્રચાર-પ્રસારનું મજબૂત સાધન માનવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ અને ઔદ્યોગિક ક્રાંતિ બાદ વ્યક્તિ, વસ્તુ કે વિચારના ફેલાવવામાં જાહેરખબર જબરદસ્ત ભાગ ભજવવા લાગી છે.
- Advertisement -
જાહેરખબર, જાહેરાત, વિજ્ઞાપનના મુખ્ય ચાર પ્રકાર છે. નિર્માણ આધારિત, વિજ્ઞાપનકર્તા આધારિત, પ્રસાર ક્ષેત્ર આધારિત, સંદેશ આધારિત. તેમાં નિર્માણ આધારિત જાહેરખબરને ચાર શ્રેણીમાં વહેચવામાં આવે છે. વર્ગીકૃત, સજાવટી, વર્ગીકૃત સજાવટી અને સમાચાર સૂચના. તેવી જ રીતે વિજ્ઞાપનકર્તા આધારિત જાહેરખબરને ઉપભોક્તા, ઔદ્યોગિક, વિત્તીય, વ્યાપારિક કૃષિ, રાજકીય અને શિક્ષાપ્રદ શ્રેણીમાં વહેચવામાં આવે છે. પ્રસાર ક્ષેત્ર આધારિત જાહેરખબરને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, ક્ષેત્રીય અને સ્થાનિક એમ ચાર શ્રેણીમાં વહેચવામાં આવે છે.
આ જ રીતે સંદેશ આધારિત જાહેરખબરને ઉત્પાદન વિષયક, વ્યવસાય વિષયક, માંગ વિષયક અને લાભ વિષયક ચાર શ્રેણીમાં વહેચવામાં આવે છે. જાહેરખબરના વિવિધ પ્રકાર અને શ્રેણીઓમાં સૌથી મહત્વનું છે, જે વસ્તુ કે સેવાની જાહેરખબર કરવામાં આવે છે તે વસ્તુ કે સેવાના ઉત્પાદક, વિક્રેતા અને ગ્રાહક.
ઉત્પાદક, વિક્રેતા અને ગ્રાહકના સંબંધ વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે – જાહેરખબર, જાહેરાત, વિજ્ઞાપન. જાહેરખબરનો ઉદ્દેશ ઉત્પાદકોને લાભ પહોચાડવાનો, ગ્રાહકોને શિક્ષિત કરવાનો, વિક્રેતાઓને મદદરૂપ થવાનો અને પ્રતિસ્પર્ધા સમાપ્ત કરવાનો છે.
- Advertisement -
લાખો લોકો એવું માને છે કે, જાહેરખબરનો મુખ્ય ઉદ્દેશ લાભ મેળવવાનો છે, નફો કમાવવો છે પરંતુ એવું નથી. કેટલીક જાહેરખબર વ્યક્તિગત લાભ કે નફો કમાવવાના ઉદ્દેશથી નહીં પરંતુ સામાજિક ભલાઈ માટે કરવામાં આવતી હોય છે. જનમાનસમાં કોઈપણ સારી અને ઉપયોગી વ્યક્તિ, વસ્તુ કે વિચાર અંગે જાહેરખબર દ્વારા જાગૃતતા ફેલાવી શકાય છે. સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, રાજકીય, વૈચારિક ઉત્થાન માટે પણ જાહેરખબર કરવામાં આવે છે. જાહેરખબરથી હકારાત્મક પરિવર્તન શક્ય છે અને તેના દ્વારા હકારાત્મક પરિવર્તન સફળતાપૂર્વક મેળવામાં પણ આવે છે. જાહેરખબર, જાહેરાત, વિજ્ઞાપનનો એક ઉદ્દેશ કોઈપણ વ્યક્તિ, વસ્તુ, વિચાર કે સેવાની જાણકારી – માહિતી – સૂચના વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. અને આ માટે મદદરૂપ બને છે – માધ્યમો. જાહેરખબરના માધ્યમ આધારિત પણ વિવિધ વિભાગ પાડવામાં આવ્યા છે. જેમ કે, પ્રકાશન અને પ્રસારણ. પ્રિન્ટ અને ઈલેટ્રોનિક, દૃશ્ય અને શ્રાવ્ય. આ વિભાગમાં જેટલું માધ્યમ શક્તિશાળી એટલું જાહેરખબરનું પરિણામ અસરકારક. જાહેરખબરને સીધો સંબંધ માધ્યમો સાથે છે.
જાહેરખબરનો ઈતિહાસ માનવસભ્યતા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. મિશ્રના પિરામીડ, ચીનની દીવાલ એક પ્રકારની મહાન સભ્યતા – સંસ્કૃતિનું વિજ્ઞાપન છે. મહાભારત અને રામાયણ કાળમાં પણ જાહેરાતનું અસ્તિત્વ જોઈ શકાય છે.
છેલ્લા બે દસકમાં જોતજોતામાં એવી ક્રાંતિ સર્જી નાખી કે આજે જ્યાં જૂઓ ત્યાં બસ જાહેરખબર જ જોવા મળે છે
અમેરિકામાં 1841માં શરૂ થયેલી વોલ્વી વી પામર નામની જાહેરખબર એજન્સી વિશ્ર્વની પ્રથમ જાહેરખબર એજન્સી હતી, લંડનના થોમસ જે. બેરેટને આધુનિક જાહેરખબરના જનક કહેવામાં આવે છે
હજારો વર્ષો પહેલા જ્યારે અખબાર, રેડિયો, ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ વગેરે જેવા શક્તિશાળી માધ્યમોની શોધ થઈ ન હતી ત્યારે ઢોલ-નગારા કે ડમરું વગાડી સ્વયંવર, મલ્લયુદ્ધ, ખેલકૂદ, નાટક વગેરે આયોજનોની કે કોઈ અગત્યની જાણકારી – સૂચના આપવામાં આવતી હતી. ઢંઢેરો પીટવામાં આવતો હતો. દૂત દ્વારા સંદેશો મોકલવામાં આવતો હતો. ભારતના પ્રાચીન દેવાલયો અને સ્મારકો પર આજે પણ જાહેરાત કોતરાયેલી-ચીતરાયેલી જોઈ શકાય છે. અશોકે પોતાની ધાર્મિક ઉદ્દેશની પૂર્તિ માટે કોતરાવેલો શીલાલેખ એક પ્રકારની પ્રાચીન જાહેરાતનો જ ઉત્કૃષ્ટ નમૂનો છે. ભારતભરના મંદિરો, મઠો, ગુફાઓ વગેરેના મુદ્રા, મૂર્તિ, ચિત્ર વગેરે તત્કાલીન સમાજના ધર્મ, અર્થ, કામ, મોક્ષના વિવિધ સ્વરૂપોનું વિજ્ઞાપન છે. પ્રાચીનકાળથી લઈ આધુનિકકાળ સુધી સદીઓ પસાર થતી ગઈ અને અવનવા સાધનો-યંત્રોની શોધ થતી ગઈ. નવા માધ્યમોએ વિજ્ઞાપનનું વિજ્ઞાન વિકસાવ્યું, કળા તરીકે તેને સ્થાપિત કરી.
જોન ગૂટનબર્ગને મુદ્રણકળાના શોધક માનવામાં આવે છે. ગૂટનબર્ગે કરેલી મુદ્રણકળાની શોધ દુનિયાની ક્રાંતિકારી શોધ પૈકીની એક છે જેણે જન્મ આપ્યો પ્રેસને. ઈ.સ. 1440માં આધુનિક મુદ્રણકળાની શોધ – પ્રેસના પ્રારંભ સાથે જાહેરખબરને પણ એક નવો આયામ-આકાર મળ્યો. 1473માં અગ્રેજી ભાષામાં પહેલું પ્રતિક ચિન્હ મુદ્રિત કરી વિલિયમ કૈક્સટોન દ્વારા સૌ પ્રથમ મુદ્રિત વિજ્ઞાપનના નિર્માણનો વિચાર તરતો મૂકવામાં આવ્યો અને 1477માં તેણે જ અગ્રેજીમાં પહેલું પોસ્ટર (હેન્ડ બીલ) છાપીને મુદ્રિત વિજ્ઞાપનની શરૂઆત કરી. 1622માં સૌપ્રથમ પત્ર વિકલી ન્યૂઝ ઓફ લંડનનું પ્રકાશન શરૂ થયું અને 1625માં પહેલીવાર જહાજની જાણકારી આપતી જાહેરાત પ્રસિદ્ધ થઈ. મુદ્રિત માધ્યમોમાં સૌ પ્રથમ વ્યવસાયિક વિજ્ઞાપન 1652માં કોફી, 1657માં ચોકલેટ, 1658માં ચાના હતા. સમય પસાર થતા પત્રો, અખબારો, સામયિકોમાં જાહેરખબર પ્રકાશિત થતી ગઈ. પછી ટપાલમાં જાહેરાતો પ્રસિદ્ધ થવાની શરૂ થઈ. 1928માં રેડિયો અને પછી 1950માં ટેલિવિઝનનો શોધ બાદ જાતભાતના વિજ્ઞાપનોનો મારો શરૂ થયો.
ભારતમાં 1556માં પૂર્તગાલીઓ – પોર્ટુગીઝ ગોવામાં પ્રેસ લઈ આવ્યા, 1877માં જેમ્સ ઑગસ્ટસ હીકી નામના અંગ્રેજે કલકત્તામાં પોતાનું પ્રેસ નાખ્યું. તેણે પોતાના છાપખાનામાંથી 29 જાન્યુઆરી, 1780માં બેંગાલ ગેઝેટ ઑર કલકત્તા જનરલ ઍડ્વર્ટાઇઝર નામનું અંગ્રેજીભાષી પત્ર પ્રગટ કર્યું. હિંદુસ્તાનનું એ પ્રથમ અખબાર હતું. તેમાં જાહેરખબર પણ પ્રકાશિત કરવામાં આવી હતી. આ પ્રકારના અંગ્રેજી અખબાર ત્યારપછી મદ્રાસ તથા મુંબઈમાંથી પણ પ્રગટ થયાં. જીજીભાઈ બહેરામજી છાપગર નામના એક પારસી ગૃહસ્થ બોમ્બે કુરિયર નામના અંગ્રેજી અખબારમાં મુદ્રણ છાપકામના કારીગર હતા. તેમણે 1797માં સીસાના ગુજરાતી ટાઈપ ઘડ્યા. હાથના લખાણ કરતાં તેના મરોડ જુદા પ્રકારના હોવાથી તેને ‘મહાજન લિપિ’ નામ મળ્યું. એ ટાઈપમાં મુદ્રિત કરેલી પ્રથમ ગુજરાતી જાહેરખબર બોમ્બે કુરિયરમાં 1797માં પ્રગટ થઈ, જે એક સરકારી જાહેરનામું હતું. આગળ જતા વેપાર-વિષયક તથા ખાનગી જાહેરખબર પણ બોમ્બે કુરિયરમાં પ્રગટ થવા લાગી. તે પછી ગુજરાતી ભાષામાં જાહેરખબરોના નાનાં ચોપાનિયાં છપાયાં. ફરદૂનજી મર્ઝબાને ગુજરાતી ટાઈપ સાથેનું અને ગુજરાતી માલિકીનું પ્રથમ છાપખાનું 1812માં મુંબઈમાં શ્રી સમાચાર પ્રેસથી સ્થાપ્યું હતું. તેમાં પરચૂરણ જોબકામ ઉપરાંત 1814માં પ્રથમ પંચાંગ ગુજરાતીમાં છાપીને પ્રગટ કર્યું. ગુજરાતી ભાષાના પ્રથમ અખબાર મુંબઈ સામચારમાં પણ જાહેરખબર માટે ફાળવેલી જગ્યા જોઈ શકાય છે. આ રીતે દુનિયાના અને ભારતના પ્રથમ અગ્રેજી તથા ગુજરાતી પત્રમાં જાહેરખબરનું અસ્તિત્વ જોવા મળે છે.
જો ગુજરાતી પત્રકારત્વમાં પ્રારંભમાં પ્રગટ થનારી જાહેરખબરની વાત કરીએ તો આજથી બે સદી પૂર્વે ગુજરાતી ભાષાના પત્રો, અખબારો, સામયિકોમાં વેપાર-રોજગારના સમાચાર તથા દેશ-વિદેશ સાથેના ધંધાની અને વહાણોની આવજાની વિગતો જાહેરખબર સ્વરૂપે પ્રગટ થતી હતી. આ સિવાય અંગ્રેજોની મહિલાઓ ભારતીય પુરુષો સાથે ભાગી જતી તો તેની જાહેરખબરો પણ આવતી! અંગ્રેજ મહિલાને ભગાડી જનારા પુરુષને શોધી લાવનારને ઈનામ આપવામાં આવશે એવી પણ જાહેરાત થતી! વધુમાં કેટલાક સરકારી-ખાનગી જાહેરનામા અને અગત્યની જાણકારી આપતી વિજ્ઞાપન સામગ્રી પ્રસિદ્ધ કરવામાં આવતી હતી. શોધ-સંશોધન જોડે માનવજાતની જરૂરીયાત અવનવી જાહેરખબરને જન્મ આપતી ગઈ. જેમજેમ સમય પસાર થતો ગયો તેમતેમ પત્રકારત્વના પ્રવાહોની સાથે જાહેરખબરના પણ પ્રવાહો બદલાયા. જાહેરખબરનું એક આખું અનોખું વિશ્વ રચાતું ગયું અને માનવજાત જાહેરખબરોની જાજરમાન દુનિયામાં જીવવા લાગી. ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રા દરમિયાન છેલ્લા બે દસકમાં અખબારો, સામયિકો તથા ન્યૂઝ ચેનલ્સ – વેબસાઈટ્સમાં જાહેરખબર પ્રસિદ્ધ કરવાનો સીલસીલો શરૂ થયો જેણે જોતજોતામાં એવી ક્રાંતિ સર્જી નાખી કે આજે જ્યાં જૂઓ ત્યાં બસ જાહેરખબર જ જોવા મળે છે. ગુજરાતી પત્રકારત્વમાં પ્રસિદ્ધ થતી જાહેરખબરોની જોરદાર વાતો આવતા સપ્તાહે..
વધારો : ઈલેટ્રોનિક માધ્યમોની શોધ અને 1896માં મૂક ફિલ્મનાં નિર્માણ પછી જાહેરખબરમાં રોમાંસ, સેક્સ, હિંસા વગેરેની શરૂઆત થઈ. 1900માં પહેલીવાર ભારતીય મહિલા અને પુરૂષો મોડલના રૂપમાં જાહેરખબરમાં જોવા મળ્યા. 1920માં કેટલીક વિદેશી કંપનીઓએ પોતાના જાહેરખબર કાર્યાલય ભારતમાં ખોલ્યા. દાતારામ એન્ડ કંપનીએ ભારતની સૌથી જૂની જાહેરખબર એજન્સી તરીકે હોવાનો દાવો કર્યો હતો, જેની સ્થાપના 1905માં થઈ હતી. તદુપરાંત 1930માં નેશનલ એડવરટાઈઝિંગ સર્વિસ નામની પહેલી ભારતીય વિજ્ઞાપન એજન્સી શરૂ થઈ એવો પણ ઘણી જગ્યાએ ઉલ્લેખ છે. આ પછી મદ્રાસમાં મોર્ડન પબ્લિસિટી કંપની, કલકત્તામાં કલકત્તા પબ્લિસિટી કંપની, ત્રિપુરાપલ્લીમાં ઓરિએંટલ એડવરટાઈઝિંગ કંપનીની સ્થાપના થઈ હતી. જાહેરખબરના વિકાસની સાથે જાહેરખબર એજન્સીનો પણ વિકાસ થયો. અમેરિકામાં 1841માં શરૂ થયેલી વોલ્વી વી પામર નામની જાહેરખબર એજન્સી વિશ્વની પ્રથમ જાહેરખબર એજન્સી હતી. લંડનના થોમસ જે. બેરેટને આધુનિક જાહેરખબરના જનક કહેવામાં આવે છે.