કેટલાક પુરુષો યુવતીઓનો ઉપયોગ કરવામાં માને છે, તો હું પણ તેમનો ઉપયોગ કરીને ખુશ થાઉં છું.
એક સાથે છ પુરુષો સાથેના સંબંધને ખૂબ સરળતાથી સાચવી રહી છું.
લાગણીથી જોડાતા સંબંધોમાં હંમેશા દુખ સિવાય કંઇ જ મળતું નથી.
- મેધા પંડ્યા ભટ્ટ
મિત્રા. એક એવી બિન્દાસ યુવતી કે જે મને ઘણુંબધું શીખવાડી ગઇ. ઇન્સ્ટાગ્રામમાં તે મને ફોલો કરે છે, અને હવે હું પણ તેને ફોલો કરું છું. તેનો મને મારી સ્ટોરીને લઇને મેસેજ આવ્યો અને અમે ઇન્સ્ટાગ્રામ પર મેસેજથી વાતો કરી. થોડો વિશ્વાસ એકબીજા પર આવતા અમે નંબર પણ શેર કર્યા. મિત્રા મૂળ અમદાવાદની જ છે. અમે બંને મળ્યા અને એક આખો દિવસ સાથે પસાર કર્યો. લંચથી લઇને ડિનર સુધી તેના જીવનના અનેક કિસ્સાઓ જાણ્યા અને તેના વિચારોને સમજવાનો, તેના જીવનને સમજવાનો અને મિત્રાને પણ ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો.
મિત્રાના જીવનમાં અનેક પુરુષો છે. તેની ઉંમર હાલમાં 30 વર્ષની છે. છેલ્લા બે વર્ષથી તે એક સાથે છ પુરુષો સાથે સંબંધ રાખી રહી છે. જે દરેક વ્યક્તિ અલગ અલગ ઉંમરના છે. તેની વાત સાંભળી પહેલા મને પણ આંચકો લાગ્યો. જોકે મિત્રાનું જીવન આ પહેલા આવું નહોતું. તેને પોતાને પણ કોઇ એક સાથે જ સંબંધમાં બંધાઇને જીવન જીવનની ઇચ્છા હતી. પ્રેમ કર્યો, લગ્ન કરવાની ઇચ્છા સાથે જીવનમાં ઠરીઠામ થવું હતું પણ જ્યારે જ્યારે જીવનમાં કોઇની સાથે પ્રેમ કરવાની ભૂલ કરી અને લાગણીથી જોડાઇ ત્યારે તેને દગો જ મળ્યો. તેના જીવનની દરેક વાત જાણ્યા પછી મને પણ થયું કે તે પોતાની રીતે જે કરી રહી છે, તે ક્યાંક ને ક્યાંક યોગ્ય પણ છે. માતા વિના પિતાની છત્રછાયામાં મોટી થયેલી મિત્રા સિંગાપોર, મોરેશિયસ, દુબઇ અને મલેશિયા રહીને આવી છે. તે પોતે પોતાનો બિઝનેસ કરે છે. મિત્રાને પોતાનું ઘર હતું, સોસાયટીમાં કોઇની પાસે ન હોય તેવી કાર તે ચલાવતી હતી પણ પિતાની બિમારી અને હોસ્પિટલના ખર્ચામાં બધુ જતું રહ્યું અને બે વર્ષ પહેલા તેના પિતા પણ તેને છોડીને જતા રહ્યા.
- Advertisement -
મિત્રાએ તેના જીવનની વાત શરૂ કરી. હું પહેલા ફોરેનમાં મારા બિઝનેસને લઇને રહેતી. તે વખતે મારા પિતા અહીં એકલા જ રહેતા. તેમના માટે ઘરમાં દરેક પ્રકારની સુવિધા હતી. તે હરીફરી શકતા હતા અને સરસ જીવન જીવતા. છ વર્ષ પહેલા તેમને એકલવાયું લાગવા લાગ્યું તો હું મારું બધુ ફોરેનનું કામ છોડીને ભારત પાછી આવી ગઇ. તેમની સાથે રહેવા લાગી. ઉંમર વધતાની સાથે તેમને માનસિક અસરો થવા લાગી, પણ હું તેમને ક્યારેય કશું કહેતી નહીં. હું જ્યારે દુબઇમાં હતી ત્યારે ત્યાંના એક ગુજરાતી યુવક સંદિપે મને લગ્ન માટે પૂછ્યું. તે દુબઇમાં તેના માતા-પિતા, ભાઇ-ભાભી, સાથે સંયુક્ત કુટુંબમાં રહેતો હતો. હું તો પહેલેથી આમપણ એકલી રહી છું તો મને પરિવાર ગમે છે. તેમના ઘરમાં સ્ત્રીઓ નોકરી ન કરે અને ઘરની બહાર ન જાય તેવા રીવાજો હતા. મને દરેક વાત મંજૂર હતી. તેની સાથે દુબઇમાં મળવાનું થયું તેના થોડા સમયે જ અચાનક ભારત આવી જવાનું થયું. મેં તેને અને તેના પરિવારને મારા પિતાની વાત કરી.
ભારત આવ્યા પછી હું અને સંદિપ ફોન પર સંપર્કમાં રહેતા. તે છ મહિને મને અમદાવાદ મળવા આવતો. તેનું એક ઘર અહીં પણ હતું. તેણે મને તે ઘરની ચાવી અને જવાબદારી પણ સોંપી હતી. તે આવે ત્યારે હું તેને મળવા જતી અને તે ઘરમાં જ તેના માટે રસોઇ બનાવીને જમાડતી. મેં તેની મારા પિતાની સાથે પણ મુલાકાત કરાવી હતી. તેણે એક દિવસ મારા માથામાં સિંદૂર પૂરીને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો. તે ફોટો આજેપણ મારી પાસે છે. પછી તો તે દર ત્રણ મહિને મને મળવા અમદાવાદ આવતો. લગભગ એક વર્ષ પસાર થયું અને મારા પિતાની તબિયત થોડી બગડવા લાગી. તે સમયે તેના ઘરના લોકો તરફથી લગ્ન માટેની સંદિપને દબાણ કરતા હતા. સંદિપે મને લગ્નનું પૂછયું તો મેં મારા પિતાની જવાબદારી ઉપાડવાની વાત કરી. તેણે તો તે સ્વીકારી લીધું પણ તેના ઘરના લોકોને તે પસંદ નહોતું. આ ઘટના પછી તે મારી સાથે થોડો સંપર્ક ઓછો રાખવા લાગ્યો. કામનું બહાનું કાઢતો. અમદાવાદ આવવાનું તેનું ઓછું થઇ ગયું. એક દિવસ હું રાત્રીના સમયે તેના અમાદાવાદના ઘર પાસેથી પસાર થઇ રહી હતી તો મને લાગ્યું કે ઘરમાં લાઇટ ચાલું રહી ગઇ લાગે છે. હું ત્યાં ગઇ, તો મેં બારીના કાચમાંથી જોયું તો સંદિપ અંદર ફરતો જોવા મળ્યો. મારી પાસે ઘરની ચાવી તો હતી જ, હું અંદર ગઇ, તે ન દેખાણો. હું રૂમ તરફ ગઇ તો જોયું તે કોઇ છોકરી સાથે અંદર બેડ પર હતો. મેં જોરથી બારણું ખોલ્યું અને તે મને જોઇને હેબતાઇ ગયો. મેં ત્યાં જ એને એક તમાચો મારી દીધો અને તેના ઘરની ચાવીઓ ત્યાં જ ફેંકીને હું બહાર નીકળી ગઇ. આ વાતનો આઘાત તે સમયે બહું લાગ્યો હતો પણ હવે આ મારા જીવનનું એક ચેપ્ટર જ છે.
છ મહિના પછી મારી આકાશ સાથે ઇન્સ્ટાગ્રામ પર મુલાકાત થઇ. તે સમય દરમિયાન હું મારા પિતામાં અને મારા કામમાં વ્યસ્ત જ રહેતી. સંદિપમાંથી સંપૂર્ણ બહાર આવી ગઇ હતી. આકાશ સંદિપ કરતા ખૂબ અલગ હતો. મારે અમદાવાદમાં પણ કામ વધારે રહેતું હોવાનું હું સાંજે જ ઘરે આવતી. આકાશ મને મારા ઘર નીચે જ મળવા આવતો. અમારા બંને વચ્ચે સારી મિત્રતા હતી અને તેને ધીમે ધીમે મારા પ્રત્યે પ્રેમ થયો અને તેણે પણ મને લગ્ન માટેનું કહ્યું. તેને નોકરી પણ સારી હતી. તેણે તેની મમ્મી સાથે મારી મુલાકાત કરાવી અને પછી તો મારી આકાશ કરતા તેની મમ્મી સાથે વધારે વાતો થવા લાગી. આકાશની મમ્મીએ મને શુકનની બંગડીઓ પણ પહેરાવી. અમે બંને ખૂબ ખુશ હતા અને મારા પપ્પા પણ ખુશ હતા. આકાશની મમ્મી પણ એકલા હતા એટલે તેને સિંગલ પેરન્ટની લાગણી સમજાતી હતી. જીવનમાં બધુ જ ખૂબ સારી રીતે પસાર થઇ રહ્યું હતું. આકાશ અને હું મળ્યા તે પહેલા તેણે કેનેડા જવા માટેની પરીક્ષા પાસ કરી લીધી હતી પણ તે પૂરતા પૈસા ન હોવાના કારણોસર જઇ શકતો નહોતો. તેણે મને તે વાત કરી અને મેં તેને મદદ કરીને તેના સપના પૂરા કરવામાં તૈયારી બતાવી. તેની મમ્મીની જવાબદારી લેવાની તૈયારી મેં બતાવી અને અમે બંને વીઝા માટે મુંબઇ ગયા. બે દિવસ મુંબઇ રહ્યા અને અમે બંનેએ જીવનની સૌથી સુંદર પળોનો આનંદ લીધો અને ખૂબ સુંદર સમય પસાર કર્યો. બે મહિના પછી તે કેનેડા જતો પણ રહ્યો.
- Advertisement -
તેનો રોજ રાત્રે મને ફોન આવતો અને હું રોજ તેની મમ્મીને મળવા તેમના ઘરે પણ જતી. તેની મમ્મીને મળવાથી મને એક વાતની ખબર પડી કે મારી પહેલા આકાશના જીવનમાં એક યુવતી હતી અને તે કેનેડા જતી રહી, પછી આકાશ તેને મેળવવા માટે કેનેડાની પરીક્ષા આપીને ત્યાં જવા માંગતો હતો. જોકે મારી સાથે જોડાયા પછી તે પેલી યુવતીને ભૂલી જ ગયો હશે તેવું આકાશની મમ્મીને લાગતું હતું પણ હું આખી પરિસ્થિતી સમજી ગઇ હતી. તેની મમ્મી પાસે આ વાત જાણીને મને ખૂબ આંચકો લાગ્યો. તે રાત્રે મેં આકાશને આ વાત પૂછી તો તે કંઇ જ ન બોલ્યો અને ફોન કાપી નાખ્યો. ધીમે ધીમે તેણે ફોન ઓછા કરી નાખ્યા.
એક દિવસ મારા પિતાની તબિયત બગડી. રાત્રે તેમને અચાનક મોંમાંથી લોહી નીકળવા લાગ્યું અને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવા પડ્યા. પંદર દિવસ તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા અને ઓક્સિજન આપવો પડ્યો. હું તેમના એક મહિનાના હોસ્પિટલના ખર્ચામાં એટલી ખાડામાં ઊતરી ગઇ કે ગાડી અને ઘર બંને વેચી દેવા પડ્યા. ઘર મેં છ મહિના પછી લોન ચૂકવીને આપવાની શરત કરી હતી. મારા માટે પિતા સિવાય બીજું કોઇ વ્યક્તિ નજીક નહોતું. આકાશને મેં મેસેજ કરીને પૈસા પાછા મોકલવા કહ્યું, તો તેનો કોઇ જવાબ ન આવ્યો. તેની મમ્મીને મળવા ગઇ તો ખબર પડી કે તેમની સાથે પણ સંપર્કમાં નથી. એક દિવસ અચાનક આકાશે મને એક છોકરી સાથે ફોટો મોકલ્યો અને લખ્યું કે મેં મારી જૂની ગર્લફ્રેન્ડ સાથે અહીં જ લીવ ઇનમાં રહેવાનું શરૂ કર્યું છે. હવે મારે કંઇ સમજવાનું રહેતું જ નહોતું. બીજે જ દિવસે મેં તેની મમ્મીને તેમણે મને આપેલી બંગડીઓ પાછી આપી દીધી અને આકાશની વાત તેમને જણાવી. તે પણ ખૂબ રડી પડ્યા કારણકે તેમની પાસે પણ તેમનો છોકરો હતો નહીં. હું ખાલી એટલું જ સમજી કે જે તેની સગી મા નો પણ ન થઇ શક્યો તે મારી સાથે સંબંધ નીભાવે તે શક્ય જ નહોતું.
હવે પછી જીવનમાં કોઇના પ્રેમમાં પડવું નહીં તે નક્કી કરી લીધુ અને ફરીથી જે ગૂમાવ્યું છે, તે ભેગું કરવું તે તરફ આગળ વધવા લાગી. છ મહિના પછી ઘર ખાલી કરીને ભાડેના નાના ઘરમાં રહેવા જતી રહી. તે દરમિયાન એકવાર અચાનક સંદિપનો ફોન આવ્યો અને મેં મારી પરિસ્થિતી કહી. તેણે મને આર્થિક મદદ કરવાનું કહ્યું અને અમદાવાદ આવીને મને મળશે તેમ જણાવ્યું. મને સમજાયું નહીં કે શું કરું પણ સાચું કહું તો હું બે આધાત સહન કરીને અંદરથી મરી ગઇ હતી. હવે તો જે વ્યક્તિ સામેથી આવે તેની સાથે હું શા માટે છું તે ફક્ત હું જ જાણું તેવો નિયમ બનાવી નાખ્યો. સંદિપે મને એક વર્ષના ભાડાના પૈસા બેંકમાં ટ્રાન્સફર કરી આપ્યા અને રેગ્યુલર મને અમદાવાદ પણ દર છ મહિને મળવા આવવા લાગ્યો. મારા પિતાનો દવાનો અને ઘરનો ખર્ચ હું કરી શકું તેટલું ફરીથી મેં કમાવાનું શરૂ કરી દીધું, પણ બે-ત્રણ મહિના જે કામ બંધ રહ્યું, તે ફરીથી નવેસરથી કરવું મુશ્કેલ હતું. છેલ્લા ત્રણ વર્ષથી સંદિપનો મને પૈસા આપવાનો આ નિયમ છે અને હું પણ પૈસા લેવામાં શરમ રાખતી નથી. તેણે મારી સાથે જે કર્યું તે હું ભૂલી ગઇ છું અને તે પરિણિત હોવા છતાંય મારી પાસે આવે છે, કારણકે તેને મને દગો દીધાનું દુખ છે. જોકે આ વાત તે સ્વીકારતો નથી અને હું યાદ કરાવતી નથી.
બે વર્ષ પહેલા જ મારા પિતાનું મૃત્યુ થયું અને ત્યારબાદ મેં ફરીથી ઘર બદલવાનું વિચાર્યું. હું ઘર શોધતી હતી તે દરમિયાન બ્રોકરનું કામ કરતા દેવાંગ સાથે સંપર્કમાં આવી. અને તે જ સમય દરમિયાન એક ભાડે ઓફિસ લેવા માટે લોનની એપ્લાય કરવા માટે બેંકના કામ દરમિયાન મહેશના સંપર્કમાં આવી. આ બંને મારા કરતા ઉંમરમાં મોટા છે. બંને મારા તરફ આકર્ષાયા અને મારી સાથે ફક્ત શારીરિક સંબંધ રાખવાની મને ઓફર કરી. તેના બદલામાં તે મને મારી જરૂરીયાતો પૂરી કરશે તેવું જણાવ્યું. મેં દેવાંગને સારું ઘર માટે કહ્યું અને તેણે મને સારા એરીયામાં ઘર પણ અપાવ્યું. હું તે ઘરમાં બે વર્ષથી રહું છું અને તેનું આખા વર્ષનું ભાડું દેવાંગ એડવાન્સમાં ભરી દે છે. મહેશ દર મહિને મારા ઘરનું કરીયાણું અને અન્ય જીવન જરૂરીયાતી વસ્તુઓનો ખર્ચો ઉપાડે છે. આ ત્રણ પુરુષો સંદિપ, દેવાંગ અને મહેશ સાથે હું મારા જીવનની જરૂરીયાતો પૂરી કરવા રહું છું.
બાકીના ત્રણ યુવકો મારી ઉંમરના છે. ચોથો યુવક કલ્પન ફક્ત મિત્ર જ છે. મારા પિતાના મૃત્યું વખતે તેણે મને ખૂબ મદદ કરી અને સાચવી છે. અમારી વચ્ચે ક્યારેય શારીરિક સંબંધ થયો નથી, પણ તે મારા ઘરે અડધી રાત્રે પણ આવી શકે તેની તેને છૂટ છે. હું માંદી હોઉં કે ઉદાસ હોઉં તો કલ્પન મને સાચવી લે છે. મારા જીવનની મોટાભાગની વાત તે જાણે છે. પાંચમો યુવક પ્રયાગ છે જે બિઝનેસમેન છે. તે મને ફેસબૂક પર મળ્યો છે. તેને ટૂર વધારે રહેતી હોય છે. બે-ત્રણ મહિને હું તેની સાથે ટૂરમાં જોડાતી હોઉં છું. તેની સાથેના શારીરિક સંબંધમાં હંમેશા કંઇક નવીનતા હોય છે, તેથી તેની કંપની મને ગમે છે. તે સિવાય અમારો બંનેનો અમદાવાદમાં એકબીજા સાથે કોઇ સંપર્ક નથી. છઠ્ઠો યુવક ભૌમિક છે જે પોલીસમાં છે. હું તેના વિશે વધારે નહીં કહું. હાલમાં મારા જીવનમાં હું આ છ પુરુષોના સંપર્કમાં છું અને તે તમામ મારા માટે જરૂરી છે. દરેકને મળવાનું ચોક્કસ ટાઇમ ટેબલ છે કારણકે સાથે જ મારા કામને પણ ન્યાય આપવો જરૂરી છે. મહિને એક કે બે વાર જ મળવાનું તેવું સ્પષ્ટ જ છે, તેથી કોઇ વ્યક્તિ સાથે મુશ્કેલી થતી નથી. દરેક વ્યક્તિ સમજદાર છે. આજના યુવાનો અને પુરુષોને તેના પર હાવી થાય તેવી છોકરીઓ ગમતી નથી અને હું હવે સામેથી કોઇને સંપર્ક કરતી નથી. તેથી તે તમામને મારી સાથે વધારે ફાવે છે. મને માંગ્યા વિના જ બધુ મળી રહે છે, કારણકે મારી કોઇ વાતમાં ઢોંગ કે કપટ કે છેતરપિંડી નથી અને કોઇની પણ સાથે લગ્ન કરવાની નથી.
સમજવા જેવું – યુવતીઓ જીવનમાં એકવાર કે બે વાર પ્રેમમાં દગો મળે તો ક્યાંક ત્રીજા સાથે લગ્ન કરીને સ્થિર થઇ જતી હોય છે. અથવા તો કેટલીક યુવતીઓને માનસિક અને શારીરિક અસર થતી હોય છે. જ્યારે મિત્રાએ જીવનને ગંભીરતાથી લીધુ. તેની જવાબદારીઓ તેણે પૂરી કરી. તેની લાગણીની તો કોઇએ કદર ન કરી પણ તેના પ્રત્યે લાગણી રાખનારને તેણે પોતાના જીવનનો ભાગ બનાવી લીધા છે. જે તેની જીવન જીવવાની તમામ જરૂરીયાતો પૂરી કરે છે. જોકે એકલવાયી યુવતી માટે આ જ એક રસ્તો છે, તેવું પણ નથી. આ તમામ વ્યક્તિઓ એકબીજા સાથે મરજીથી જોડાયા છે. એકસાથે અલગ અલગ પુરુષોની માનસિકતા સાથે જીવન જીવતી મિત્રા પુરુષોના મનને હવે કળી ગઇ છે. આવી ઘટનાનો ભોગ અનેક યુવતીઓ બનતી હશે પણ પ્રેક્ટિકલ બનીને કેટલી જીવી શકે કે તેની સાથે થયેલી ઘટનાને જીરવી શકે તે એ જ જાણી શકે છે. અતિશય લાગણી પણ કેટલું નૂકસાન કરે છે, તે મિત્રાને જોઇને ખબર પડી અને લાગણી વિનાના સંબંધ પણ કેટલો ફાયદો કરાવે છે, તે તેના જીવન પરથી સ્પષ્ટ થાય છે.