સફાઇ માટે નવા વાહન ખરીદી કરવાનો સ્થાયી સમિતિમાં નિર્ણય
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં ખાસ કરીને શહેરની સ્વચ્છતા પર ભાર મૂકાયો હતો. શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ખૂટતા સાધનો, વાહનો ખરીદવાની કામગીરીને લીલીઝંડી અપાઇ છે. સફાઇ કામગીરી સઘન બનાવવા તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન થકી શહેરના તમામ શેરી, મહોલ્લામાં ચોખ્ખાઇ રહે તે માટે ખાસ કરીને 75 ગાર્બેજ કલેકશન વાહનો ખરીદી વોર્ડ વાઇઝ ફાળવાશે. આ ઉપરાંત 6 નવા ડમ્પર ખરીદાશે, 1 જેસીબી ખરીદાશે, 1 હિટાચી ખરીદાશે તેમજ 3 નંગ ફ્રન્ટ એન્ડ લોડર ખરીદાશે.આ ઉપરાંત ખાસ કરીને ફાયર વિભાગ માટે પણ જરૂરી વાહનો- સાધનો ખરીદાશે. જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીરોડ, કમ્પાઉન્ડ વોલ, ડ્રેનેજ, પેવર બ્લોક વગેરેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.આમ, આશરે 70,00,000થી વધુના વિકાસ કામોને સ્થાયી સમિતીએ મંજૂરી આપી છે. આ અંગે સ્થાયી સમિતી ચેરમેન હરેશભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, સ્થાયી સમિતીની બેઠક પહેલા સંકલનની બેઠક યોજાઇ હતી જેમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા, શાસક પક્ષના નેતા કિરીટભાઇ ભીંભા, તેમજ સ્થાયી સમિતીના સિનીયર સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.