આ છે જેરામભાઈ ગેલાભાઈ રામાણી. 92 વર્ષની ઉંમરના જેરામદાદા જસદણમાં રહે છે અને હોળી-ધુળેટીના તહેવાર નિમિતે જસદણથી ચાલતા ચાલતા દ્વારકાધીશના ચરણોમાં મસ્તક નમાવવા છેક દ્વારકા જાય છે.
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
જસદણથી દ્વારકાનું 284 કિમીનું અંતર 92 વર્ષની ઉંમરે પણ લગભગ 10 થી 12 દિવસમાં પૂર્ણ કરે છે. દ્વારકાધીશ સાથે હોળી રમવા જવાનો ક્રમ જેરામદાદાએ છેલ્લા 31 વર્ષથી જાળવી રાખ્યો છે. ખંભા પર થેલો, હાથમાં લાડકી, માથે ટોપી અને રાતે ઠંડીથી રક્ષણ માટે એક શાલ બસ આટલી સામગ્રી સાથે એ એકલા જ પદયાત્રા કરવા નીકળી પડે છે. આર્થિક રીતે સુખી સંપન્ન હોવા છતાં જેરામબાપા દ્વારકાધીશની પદયાત્રાની કરવાની પરંપરાને જાળવે છે.
- Advertisement -
આ વર્ષે પણ તેઓ કોરોના મહામારી અંગે સાવચેતી રાખીને જસદણથી દ્વારકા એકલા ચાલતા થયા હતા. તેમની આ સ્ફૂર્તિ તથા દ્વારકાના નાથ પ્રત્યેની સાચી ભાવના જોઈ જસદણના યુવાધન તથા વૃદ્ધ સહિતના લોકોએ પણ પ્રેરણા લીધી હતી. જસદણના આ વયોવૃદ્ધ ખંભે થેલી નાંખીને તેમજ હાથમાં લાકડી લઈને જસદણથી દ્વારકા સુધીની પદયાત્રા કરતા હોવાથી આજના અન્ય લોકોને એક નવી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
જેરામભાઈ રામાણી દ્વારકા સુધીની પદયાત્રા કરી અનેરો આનંદ મેળવી રહ્યા છે. તેઓ આનંદની સાથે જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તેઓ બાઈક અથવા તો કાર જેવા વાહનોનો સહારો લઈ શકે તેવી પણ આર્થિક સ્થિતિ ધરાવે છે. એમ છતાં પોતાના શરીરની તંદુરસ્તી તથા સ્ફૂર્તિને કારણે તેઓ હાલમાં પણ યુવાનોને શરમાવે તેવી ગતિએ પદયાત્રા કરી રહ્યા છે. જો કોઈ અન્ય પદયાત્રીઓનો માર્ગમાં ભેટો થઈ જાય તો ભલે બાકી તેઓ એકલા દ્વારકા સુધી ચાલ્યા જાય છે. તેમને જો કોઈ સંગાથ મળી જાય તો પણ ભલે તથા ન મળે તો પણ એકલો જાને રે ઉક્તિને બરાબર સાર્થક કરે છે. આમ, આ વૃદ્ધ અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે.


