જયશ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા : શોભાયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા
જૂનાગઢમાં વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા આજે રામનવમીના પાવનપર્વ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં જયશ્રી રામના નાદ સાથે લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા. અત્યાર સુધીની આ સૌથી મોટી શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં હાથની અંબાળી પર ભગવાન શ્રી રામને બિરાજમાન કરાયા હતા.ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં અલગ અલગ 30 થી વધુ ફ્લોટ પણ બનાવામાં આવ્યા હતા અને આ ફ્લોટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાથે સાથે રામાયણના વિવિધ પાત્રો દર્શાવતા પ્રતિકૃતિઓ પણ બનાવામાં આવી હતી. આ શોભાયાત્રામાં હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીપેન્દ્ર યાદવ, મોટી હવેલીવાળા પિયુષબાવા, હરેશભાઇ પરસાણા, ભીખાભાઇ જોષી, અમિતભાઇ પટેલ સહિતનાં જોડાયા હતા. જૂનાગઢ શહેરના મોટાભાગના શહેરીજનો ભગવાન રામના દર્શન કરવા માટે રસ્તા ઉપર આવી ગયા હતા. અને આ રથયાત્રાનું જૂનાગઢ શહેરમાં લોકો દ્વારા જુદીજુદી જગ્યાએ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
વિસાવદરમાં ભવ્ય શોભાયાત્રા નિકળી
વિસાવદરમાં રામનવમીનાં ભવ્ય શોભાયાત્રાનું યાયોજન વિશ્ર્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા વિસાવદર રામજી મંદિરથી પ્રસ્થાન થઈને વિસાવદરના મેઈનબજાર, એસટી બસ સ્ટેન્ડ ચોક, રેલવે સ્ટેશન રોડ થઈને પરત રામજી મંદિરે પહોંચી હતી. આ શોભાયાત્રા સફળ બનાવવા માટે વિશ્ર્વ હિન્દુ પરિષદના હરિ સાવલિયા, દિવ્યેશ વીકમા,અરવિંદ ગોંડલીયા, જે.પી. છતાણી સહિતનાંએ જહેમત ઉઠાવી હતી.



