વંથલીનાં ગાંઠીલામાં 14માં મહાપાટોત્સવની ભાવપૂર્વક ઉજવણી
સરોવર કિનારે ગામનાં વડીલનાં હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ કરવો
ઉમિયા માતાના ભક્તો જે કામ હાથમાં લે તે અવશ્ય પુરૂ કરે છે
વંથલીનાં ઉમાધામ ગાંઠીલામાં 14મો મહાપાટોત્સવ ભાવપૂવર્ક ઉજવાયો હતો. આ પાવન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતુ કે, જળસંચય બાબતે ઉદાસીન ન રહીએ, દર વર્ષે ચોમાસા પહેલા તળાવ ઉંડા કરવાનો, સાફ કરવાનો સંકલ્પ કરીએ. ધરતીમાતાને રસાયણ મુક્ત બનાવવા પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ઉમાધામ ગાંઠીલાનો 14 મો મહાપાટોત્સવ ભકિતભાવ પૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વીડિયો કોનફરન્સના માધ્યમ થી સંબોધન કર્યુ હતું. વર્ષ 2008માં ઉમાધામ ગાંઠિલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી હતી તેમ જણાવી વડાપ્રધાનએ કહયુ કે, આ પાવન ધામ આજે શ્રદ્ધાના કેન્દ્રની સાથે સાથે સામાજિક ચેતનાનું કેન્દ્ર તેમજ પ્રવાસન માટે મહત્વનું સ્થાન બની રહ્યુ છે.
માં ઉમિયાના આશીર્વાદથી 14 વર્ષના ગાળામાં વિવિધ પ્રવૃતિઓનો વ્યાપ વધાર્યો છે. જે બદલ શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ગાંઠીલાના ટ્રસ્ટીઓ, ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા.વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, આપણે ઉમિયા માતાના ભક્તો છીએ. ધરતી પણ આપણી માતા છે. આપણે ધરતી માતાને બચાવવા પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ. રાજ્યમાં જળસંચય, ચેકડેમ, પર ડ્રોપ-મોર ક્રોપ, સૌની યોજના તેમજ જન આંદોલનથી જાગૃતતા આવી. દર ચોમાસા પહેલા તળાવ ઉંડા કરવાનો સંકલ્પ કરીએ તો પાણી સંગ્રહ થશે. પાણી ધરતીમાં ઉતરશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ પ્રાકૃતિક ખેતીને સમર્પીત છે. ત્યારે આપણે સૌ પણ પ્રાકૃતિક કૃષિ કરવા આગળ આવીએ.આઝાદીનો અમૃત મહોત્સવ આપણા માટે મહત્વનો છે. દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવીએ.2023 ઓગસ્ટ પહેલા સરોવર નિમાર્ણનું આ કાર્ય પુરૂ કરવુ છે. 2047માં જ્યારે દેશને 100 વર્ષ થાય ત્યારે આપણાં ગામ, સમાજ, દેશ માટે કાંઇક કર્યાનો સંતોષ મેળવી શકીએ.ઉપરાંત જે તળાવ હોય તેને ઉંડા, મોટા બનાવીએ.
- Advertisement -
ઉમિયા માતાના ભક્તો જે કામ હાથમાં લે તે અવશ્ય પુરૂ કરે છે.આપણા બાળકો કુ-પોષિત હોય તે કોઇ કાળે ના પાલવે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, બાળક સ્વસ્થ હશે તો જ સમાજ દેશ સશક્ત બનશે. તેમણે ઉમાધામ દ્વારા બાળ તંદુરસ્તી હરીફાઇ યોજવા તેમજ તંદુરસ્ત બાળકોને પ્રોત્સાહિત કરવા જણાવ્યુ હતું.માં ઉમિયાનો પાટોત્સવ ધર્મોત્સવ નારી શક્તિના સામર્થ્યને ઉજાગર કરતો અવસર છે. અહિં આયોજીત આરોગ્યલક્ષી, સમાજલક્ષી સેવાકાર્યો સમાજને નવો રાહ ચીંધે છે.મહા પાટોત્સવમાં કેન્દ્રીય કૃષિમંત્રી પરસોત્તમભાઇ રૂપાલા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજેશભાઇ ચુડાસમા, લલીતભાઇ કગથરા, ચીરાગભાઇ કાલરીયા,હર્ષદભાઇ રીબડીયા, ભીખાભાઇ જોષી, ઉંઝા ઉમાધામ મંદિરના પ્રમુખ બાબુભાઇ પટેલ, ઉમાધામ ગાંઠીલાના પ્રમુખ વાલજીભાઇ ફળદુ, પટેલ સમાજના આગેવાનો ગટોરભાઇ પટેલ, ગોવિંદભાઇ વરમોરા, આર.સી.પટેલ, મનીષભાઇ ચાંગેલા, સહિત દાતાશ્રીઓ ઉદ્યોગપતિઓ પાટીદાર સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને પ્રારંભે અરવીંદભાઇ લાડાણીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.

- Advertisement -
અગ્રણીનીલેષભાઇ ધુલેશીયાએ ઉમાધામ ગાંઠીલાના વિકાસ સાથે સામાજિક કાર્યોની વિગતો આપી હતી. આ પ્રસંગે દાતાઓનું સન્માન આરોગ્યલક્ષી કેમ્પ 51 કુંડી હવન યોજાયો હતો.
પથ્થરમાંથી પાણી કાઢે એવા મહેનતી લોકો એટલે પાટીદાર: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતું કે, માં ઉમિયાધામ મહાપાટોત્સવએ માત્ર ધર્મોત્સવ નહીં માતૃસંસ્થાને ઉજાગર કરતો અવસર છે. શ્રદ્ધા, સેવા અને સર્પણને વરેલા માં ઉમિયાના ભક્તો એવા પાટીદારો એટલે પાણીદાર ગુજરાત. વિશ્ર્વભરમાં પાટીદારોની એક આગવી ઓળખ છે. ક્યાંય પાછા ન પડે, ગમે તેવી વિકટ પરિસ્થિતિને મુંઝાયા વગર પાર પાડે. પથ્થરમાંથી પાણી કાઢે એવા મહેનતી લોકો એટલે પાટીદાર. પાટીદારો આખા વિશ્ર્વમાં વ્યાપી ગયા પરંતુ માતૃ ભૂમિનુ રૂણ કદી ન ભુલ્યા. એમની સેવા, પ્રવૃતિઓ તમામ સમાજનો સહારો બની છે.ઉમિયામાતાના સાનિધ્યે પધારેલ સૌ પાટીદાર પરીવારો પણ આજે સંકલ્પ કરે કે હવેથી પ્રાક્રૃતિક ખેતી, નેચરલ ફાર્મીંગ જ અપનાવશે. પ્રાકૃતિક ખેતી ગાય આધારિત કરીને આપણે આવનારી પેઢીને પણ સ્વસ્થ જીવન આપી શકીશું આ પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભરતા તરફ લઇ જશે એ નિશ્ચિત છે. આત્મ નિર્ભર ખેતીથી આત્મ નિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પુરૂ થઇ શકશે.




