ઉપરકોટ રામ મંદિરથી યાત્રાનો પ્રારંભ થશે : શહેરનાં મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર સ્વાગત કરાશે
કોરોના કાળ બાદ કાલે ભવ્ય શોભાયાત્રા નિકળશે : હાથીની અંબાડી પર શાહી સવારી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે રામનવમી છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની જન્ય જયંતિની ઉજવણી કરાશે. જૂનાગઢમાં રામનવમીને ઉજવણીને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. હરી ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરનાં માર્ગો પર શોભાયાત્રા નિકળશે અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે. એટલું જ નહી પ્રથમ વખત હાથીની અંબાડી પર ભગવાન રામની સવારી નિકળશે અને તેના દર્શન કરવા જૂનાગઢવાસીઓ ઉમટી પડશે. કોરોના કાળ દરમિયાન જૂનાગઢમાં રામનવમીની શોભાયાત્રા નિકળી ન હતું. બે વર્ષ બાદ આવતીકાલે રામનવમીની શોભાયાત્રા નિકળશે. રામનવમી નિમીતે હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 67મી શોભાયાત્રાનું આયોજન કરાયું છે. બપોરે 3 વાગ્યે ઉપરકોટ રામ મંદિર ખાતે ભગવાન શ્રી રામની આરતી, પૂજન કરવામાં આવશે, બાદમાં શોભાયાત્રાનો પ્રારંભ થશે. શોભાયાત્રાની શરૂઆત હનુમાનજી સાથેના રથથી થશે. 51 યુનિટનું બ્રાસ બેન્ડ ડ્રેસ કોડ સાથે શોભાયાત્રામાં જોડાશે. શોભાયાત્રામાં હાથી રહેશે. હાથીની અંબાડી પર ભગવાન મર્યાદા પુરુષોત્તમજી શાહી સવારી નિકળશે. જૂનાગઢમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. શોભાયાત્રા શહેરનાં વિવિધ માર્ગો પર ફરી રાતે 8 વાગ્યે જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરે પૂર્ણ થશે. અહી જુદા જુદા મંડળોએ તૈયાર કરેલા ફ્લોટસને ઇનામ આપવામાં આવશે. કોરોનાનાં બે વર્ષ બાદ રામ નવમીની શોભાયાત્રા નિકળવાની હોય લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શોભાયાત્રામાં 50 જેટલા ફ્લોટ્સ રહેશે, રામાયણની ઝાંખી કરાવશે
જૂનાગઢમાં આવતીકાલે યોજનાર શોભાયાત્રામાં 19 જેટલી મંડળઈ અને ગ્રુપ દ્વારા ફ્લોટસ તૈયાર કરવામાં આવ્યાં છે. શોભાયાત્રામાં 50થી વધુ ફ્લોટસ જોડાશે. જે રામાયણની ઝાંખી કરાવશે. આ ઉપરાંત સામાજીક ઉપદેશ અને સંદેશ આપતા ફ્લોટસ પણ શોભાયાત્રામાં જોડાશે. જુદી જુદી મંડળોે દ્વારા ફ્લોટસ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
માણાવદરમાં રામ જન્મોત્સવની ઉજવણી
માણાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 18 જેટલા ફ્લોટસ જોડાશે અને વિવિધ ઝાંખીઓના દર્શન કરાવશે. આ શોભાયાત્રા બપોરે 4:00 કલાકે રામ મંદિરથી પ્રસ્થાન થઇને ગાંધી ચોક, પટેલ ચોક, આશાચોક, રસાલા લાઈન, બાગ દરવાજા, પોસ્ટ ઓફિસ ચોક, સિનેમા ચોક, બહારપરા ચોક ત્યારબાદ જેઈલ ચોક ખાતે શોભાયાત્રાનું સમાપન થશે. આ શોભાયાત્રામાં 100 વધુ બાળકોએ હનુમાનજી મહારાજની વેશભૂષામાં જોડાશે, જે શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બનશે. આ શોભાયાત્રા દરમિયાન 15થી વધુ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા ઠંડા પીણા અને શરબત વિતરણ કરાશે.
100 કિલો પંજરીનો પ્રસાદ અપાશે
આવતીકાલે રામ નવમીની જૂનાગઢમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પંજરીનો પ્રસાદ આપવામાં આવશે. જૂનાગઢમાં 100 કિલો પંજરીનો પ્રસાદનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હરી ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
જોષીપરામાં વિહીપ દ્વારા રથયાત્રા
જૂનાગઢનાં જોષીપરામાં આવેલા સંકટમોચન હનુમાનજી મંદિર અને જૂનાગઢ વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા તા. 10 એપ્રિલ 2022નાં રામનવમીની ઉજવણી કરવામાં આવશે. સવારે 9 થી બપોરનાં 1 વાગ્યા સુધી જોષીપરા વિસ્તારમાં રથયાત્રા નિળકશે. તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢનાં જોષીપરામાં યોજનાર રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.



