મેયર,ડે.મેયરે હોલની મુલાકાત લેતા ચોકી ઉઠ્યાં: કમિશ્નરને સ્થળ પર બોલાવ્યા
મનપાએ ગેંડા અગડ રોડ પર ડો.આંબેડકર હોલ બનાવ્યો હતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા શહેરનાં ગેંડા અગડ રોડ ઉપર રૂપિયા 5 કરોડનાં ખર્ચે ડો. આંબેડકર હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ હોલની મનપાનાં મેયર, ડેે.મેયર, સ્થાયી સમિતીનાં ચેરમેન, શાસક પક્ષનાં નેતાએ મુલાકાત લીધી હતી. હોલની હાલત જોઇ શાસકો ચોકી ઉઠ્યાં હતાં. હોલની બારીનો તોડી નાખવામાં આવી હતી. તેમજ હોલની અંદરની સામાનની ચોરી કરી ગયા હતાં. પદાધિકારીઓએ તાત્કાલીક કમિશ્ર્નરને તેડાવ્યાં હતા અને પોલીસ ફરિયાદ કરવા સુચના આપી હતી.
જૂનાગઢ મનપા દ્વારા ગેંડા અગડ રોડ ઉપર લોક ઉપયોગ માટે અંદાજે 3 વર્ષ પહેલા રૂપિયા પાંચ કરોડનાં ખર્ચે ડો. આંબેડકર હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હોલ બન્યા બાદ મનપા દ્વારા કોઇ જાળવણી લેવામાં આવી ન હતી. ત્યારે મનપાનાં મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, સ્થાયી સમિતીનાં ચેરમેન હરેશભાઇ પરસાણા, શાસક પક્ષનાં નેતા કીરીટભાઇ ભીંભા સહિતનાંએ હોલની મુલાકાત લીધી હતી. હોલની હાલત જોઇ નેતાઓ ચોકી ઉઠ્યાં હતાં.અસમાજીક તત્વોએ હોલની બારીઓ તોડી નાખી હતી અને એલ્યુમિનીયમ સેકશન, સબર્સીબલ પંપ, શૌચાલયનાં નળ સહિતનાં સામાનની ચોરી કરી ગયા હતાં. હોલની આવી હાલત જોઇ શાસકોમાં કચવાટ ફેલાયો હતો અને મનપા કમિશ્ર્નર અને અન્ય અધિકારીઓને તાત્કાલીક સ્થળ ઉપર બોલાવ્યા હતાં. અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો. તેમજ હોલનાં સામાનની ચોરી કરનાર સામે પોલીસ ફરિયાદ કરવા અને મનપાનાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.
- Advertisement -
ઉદ્ધાટન બાદ હોલનો ઉપયોગ થયો નથી
મનપા દ્વારા અહીં હોલ બનાવવામાં આવ્યો છે. ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ધાટન બાદ હોલનો ઉપયોગ થયો નથી. ત્યાં જ હોલની દુદર્શા થઇ ગઇ છે. લોકોમાં પણ રોષ ફેલાયો છે.



