સવારનાં 11 વાગ્યાથી જ ગરમ પવન ફૂંકાવાનું શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢમાં ચૈત્ર મહિનાનાં દનૈયા તપી રહ્યાં છે. જૂનાગઢમાં છેલ્લા 6 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. જૂનાગઢમાં ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો છે. જૂનાગઢમાં બપોરનાં 11 વાગ્યેથી જ ગરમ પવન ફૂકાવાનું શરૂ થઇ ગયું હતું. ઉનાળાએ તેનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. માર્ચ મહિનામાં આકરી ગરમી પડી હતી. બાદ એપ્રિલની શરૂઆત સાથે આકાશમાંથી અગનવર્ષા થવા લાગી છે. જૂનાગઢમાં શનિવારે 40.1, રવિવારે 41, સોમવારે 41.9, મંગળવારે 41.2, બુધવારે 42.3 અને ગુરૂવારે 43.2 ડિગ્રી ગરમી પડી હતી. ગુરૂવાર સિઝનનો સૌથી વધુ ગરમ દિવસ રહ્યો હતો. જૂનાગઢમાં ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવી જતા જનજીવન પ્રભાવીત થયું છે.બપોરનાં સમયે લોકો કામ વિના બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. તેમજ શહેરમાં આજે 5 કિમીની ઝડપે ગરમ પવન ફૂકાયો હતો. ગરમીથી બચાવા લોકો નવા નવા ઉપાય કરી રહ્યાં છે. જૂનાગઢમાં આજે બપોરનાં 11 વાગ્યે જ પવન ફૂકાવા લાગ્યા હતાં. તેમજ લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. ચાલુ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડે તેવું લાગી રહ્યું છે.
ગત વર્ષે સૌથી વધુ તાપમાન 42.2 ડિગ્રી રહ્યું હતું
જૂનાગઢ શહેરમાં ચાલુ વર્ષે ગરમીનો પારો ઉંચકાયો છે. વર્ષ 2021માં માર્ચ મહિનામાં 42.1, એપ્રિલ મહિનામાં 42.2 અને મે મહિનામાં 42.2 ડિગ્રી સૌથી વધુ તાપમાન હતું. તેની સામે ચાલુ વર્ષે ગઇકાલે જ એટલે કે ગુરૂવારે 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને ગત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે તાપમાનમાં વધુ રહ્યું છે.
38 વર્ષમાં એક વખત 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
જૂનાગઢમાં સામાન્ય રીતે એપ્રિલ મહિનો ગરમ રહે છે. સરેરાશ તાપમાન 38 થી 40 ડિગ્રી રહે છે. પરંતુ મે મહિનામાં પણ ગરમી જોવા મળે છે. જૂનાગઢની વાત કરીએ તો 38 વર્ષમાં માત્ર એક દિવસ ગરમીનો પારો 46 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જૂનાગઢમાં 5 મે 2002નાં તાપમાન 46 ડિગ્રી નોંધાયું હતું. 1984 થી લઇ 2021 સુધીમાં પ્રથમ વખત જ ગરમીનો પારો 46 ડિગ્રીએ પહોંચ્યો હતો.
- Advertisement -
એપ્રિલ 2009માં 45 ડિગ્રી નોંધાયું હતુ
જૂનાગઢમાં એપ્રિલ મહિનામાં ગરમી વધુ રહે છે ત્યારે વીતી ગયેલાં વર્ષોનાં આંકડા તરફ જોઈએ તો વર્ષ 2009માં એપ્રિલ મહિનામાં એક દિવસ ગરમીનો પારો 45 ડિગ્રીઓ પહોંચી ગયો હતો. 1984થી લઇ 2021 સુધીમાં પ્રથમ વખત 2009ની સાલમાં એપ્રિલ મહિનામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે વર્ષ 2016નાં મે મહિનામાં 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે 1988, 1995, 2004 અને 2016માં મે મહિનામાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો હતો.
જૂનાગઢમાં મોડી રાત સુધી બફારો
જૂનાગઢમાં દિવસનાં કાળઝાળ ગરમી પડી રહી છે. તેની અસર મોડી રાત સુધી જોવા મળે છે. મોડી રાત સુધી લોકો ઘરની અંદર બફારાનો અનુભવ કરે છે. તેમજ 8 વાગ્યા પછી લોકો ભવનાથ તરફ ફરવા ઉપડી જાય છે. ભવનાથમાં સાંજનાં સમયે વાતાવરણમાં રાહત હોય છે.



