મબલખ ઉત્પાદન છતાં પણ યાર્ડમાં ઘઉંના ભાવ રૂપિયા 500ને પાર
અર્થશાસ્ત્રના સિધ્ધાંત પણ ખોટા પડે તેવી બેફામ મોંઘવારી : તંત્ર જેવું કંઇ હોય તો હરકતમાં આવે !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં ચાલુ વર્ષે ઉનાળાના આરંભથી જ અનાજ, કઠોળ, તેલીબિયાં, મસાલા અને શાકભાજી તો મોંઘાદાટ થઇ જ ગયા હતા પરંતુ હવે ઘઉંના ભાવ પણ પ્રતિ 20 કિલોના રૂ.529એ પહોંચી જતા મધ્યમ વર્ગમાં દેકારો બોલી ગયો છે. જ્યારે કોઇ પણ માલની આવક વધે ત્યારે તેના ભાવ ઘટે તેવો અર્થશાસ્ત્રનો સિધ્ધાંત છે પરંતુ હાલમાં તો અર્થશાસ્ત્રના સિધ્ધાંતો પણ ખોટા પડે તેવી બેફામ હદે મોંઘવારી વધી રહી છે. ગત ચોમાસુ ખુબ સારૂ નિવડ્યું હોય યાર્ડમાં તમામ જણસોની મબલખ આવક હોવા છતાં ભાવ ઘટતા નથી ત્યારે જો તંત્ર જેવું કંઇ હોય તો હરકતમાં આવે અન્યથા 2022ના વર્ષને મોંઘવારી વર્ષ જાહેર કરવું પડે તેવી સ્થિતિ છે. ફક્ત રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ પુરા રાજ્યમાં-દેશમાં આવી એકસમાન પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.
હાલમાં ઉનાળાના પ્રારંભે ઘઉં, મસાલા, તેલ વિગેરેની સિઝન હોય રાજકોટ માર્કેટ યાર્ડ કે રાજકોટ દાણાપીઠ બજારમાં બારમાસી ખરીદી માટે જતા ગ્રાહકો ગત વર્ષ કરતા લગભગ બમણા ભાવ સાંભળીને ચોંકી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં અનાજ, કઠોળ, તેલીબિયાં અને મસાલાના સૌથી મોંઘા ભાવ રાજકોટમાં છે, મોંઘવારીએ માજા મુકતા મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ વેર વિખેર થઇ ગયું છે. લોકડાઉન અને કોરોનાકાળના છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહેલા મધ્યમવર્ગ માટે હવે કાળઝાળ મોંઘવારીમાં જીવન જીવવું પણ ખરા અર્થમાં દોહ્યલું બની ગયું છે.
- Advertisement -
ઘઉંના ભાવમાં સતત વધારો થતા ચિંતાજનક સ્થિતિ
રાજકોટ સહિત સમગ્ર દેશમાં હાલ ઘઉંની સિઝન છે અને લોકડાઉન તેમજ બે વર્ષમાં કોરોનાકાળ બાદ તૈયાર આટો ખાતા લોકો પણ હવે બારમાસી ઘઉંની ખરીદી કરતા થઈ ગયા છે. ઘઉંમાં મબલખ ઉત્પાદન હોવા છતાં પણ ભાવ સતત વધી રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ રૂપિયા 500ને પાર પહોંચી ગયા છે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ઘઉં લોકવનના પ્રતિ 20 કિલોનો ભાવ રૂ.433થી 472 અને ઘઉં ટુકડાનો પ્રતિ 20 કિલોનો ભાવ રૂ.440થી 529 સુધી પહોંચ્યો છે. ઘઉંની એટલી હદે આવક થઈ રહી છે કે અવારનવાર યાર્ડમાં આવક બંધ કરવા ફરજ પડી રહી છે છતાં ભાવ સતત વધી રહ્યા છે!
ચણાની આવક છતાં ફરસાણ મોંઘું : પ 600 ગાંઠિયાનો ભાવ!
ચણામાં આ વર્ષે ખૂબ વાવેતર થયું હતું અને ઉત્પાદન પણ ખૂબ જ સારું આવ્યું છે તેમ છતાં ચણાના લોટના મતલબ કે બેસનના ભાવ સતત વધી રહ્યા છે અને તેના કારણે જ ગાંઠીયા,ભજીયા સહિતના ફરસાણના ભાવ પણ વધી રહ્યા છે. રાજકોટિયન્સના પ્રિય ગાંઠિયાનો ભાવ કિલોએ 600ને આંબી ગયો છે!
મસાલામાં ભયાનક ભાવ વધારો
ઉનાળાના આરંભે હાલમાં મસાલાની સિઝન મરચાં, ધાણા, જીરુ અને હળદર સહિતના મસાલાઓના ભાવમાં પણ ભારે વધારો થયો છે. મસાલાના ભાવ ગત વર્ષની તુલનાએ લગભગ બમણા થઇ ગયા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં મસાલાના પ્રતિ 20 કિલોના ભાવ જોઇએ તો હાલ સુકા મરચા રૂ.1000થી 2900, ધાણા 2300થી 2550, જીરૂ રૂ.3800થી 4280 અને રાય રૂ.1170થી 1270 ના ભાવે વેંચાઇ રહી છે.
શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીઓનું બજેટ વિખાયું
મોંઘવારીને રોકવાના કોઇ જ પ્રયાસો થતા ન હોય ઘઉં સહિતના અનાજ, કઠોળ, તેલ અને મસાલા બાદ હવે શાકભાજી તેમજ ફ્રૂટના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીના ભાવમાં દરરોજ ઉતરોતર વધારો થઇ રહ્યો છે. સ્થાનિક આવકો ઓછી હોય હાલમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગરકાંઠા, આણંદ, મહેસાણા સહિતના અન્ય જિલ્લાઓમાંથી તેમજ ટમેટા સહિતના શાકભાજી નાસિક અને સંગમનેર થી અને વટાણા સહિતના શાકભાજી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી રાજકોટ આવી રહ્યા છે. ફક્ત એક જ મહિનાના ટુંકા સમયગાળામાં શાકભાજીના ભાવ બમણા થઇ ગયા છે.



