અહીં એકપણ ફળ-ફૂલ નથી ચડાવી શકાતાં, કોઇ આરતી-ધૂપ નથી થતાં, નગારા વગાડીને પૂજા નથી થતી અને અહીં દાન-પેટી પણ રાખવામાં નથી આવી! ફક્ત આવો, જુઓ, માણો અને ઘેર જાઓ!
મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
મંદિરોનું મહત્વ શું? પૂરી આસ્થા સાથે ઇશ્વરની ભક્તિ કરી તેમનો સાક્ષાત્કાર કરવો તે. પોતાની જાત સાથે સંવાદ સાધી ખુદને વધુ બહેતર બનાવવા માટેની એક પ્રક્રિયા, બરાબર? મંદિરનું ગર્ભગૃહ, એમાં બિરાજેલ મૂર્તિ અને તેની અસ્તિત્વ-ગાથા સાથે લોકોની શ્રધ્ધા જોડાયેલ હોય છે. પરંતુ ભારતભરમાં એવું કોઇ ધાર્મિક સ્થળ તમારા ધ્યાનમાં આવ્યું, જેનાં મૂળિયા ધાર્મિકતા સાથે જોડાયેલ હોવા છતાં તે અપૂજ હોય? હથિયા દેવળ ભારતનું એવું મંદિર છે, જેનાં ગર્ભગૃહમાં શિવલિંગ સ્થાપિત હોવા છતાં ગામવાસીઓ તેને પૂજતાં નથી. અરે, પૂજવાની વાત છોડો, એની બાજુમાંથી પસાર થતી વખતે નજર સુદ્ધાં નથી નાંખતા! એવું કયું કારણ હોઇ શકે, જેણે સ્વયં ભગવાનને તેનાં ભક્તથી વિખૂટો પાડી દીધો? ક્યા કારણોસર મંદિરનો દરજ્જો મળવા છતાં હથિયા દેવળને લોકો ધાર્મિક સ્થળ તરીકે નથી પૂજી રહ્યા?
ઉત્તરાખંડ રાજ્યના સીમાડે આવેલા જનપદ પિથોરાગઢથી ધારચૂલા માર્ગે લગભગ ત્રેવીસ કિલોમીટર આગળ જઈએ એટલે સભા બલ્તિર નામે એક ગામ આવે. ત્યાં આવ્યું છે અભિશાપિત હથિયા દેવળનું મંદિર! દૂર-દૂરથી લોકો અહીં મંદિરની કલાકારી જોવા માટે આવે છે, પરંતુ એમાંનો દરેકે-દરેક વ્યક્તિ પ્રભુનાં ચરણોમાં મસ્તક નમાવ્યા વગર જ પાછો ફરી જાય છે. અહીં એકપણ ફળ-ફૂલ નથી ચડાવી શકાતાં, કોઇ આરતી-ધૂપ નથી થતાં, નગારા વગાડીને પૂજા નથી થતી અને અહીં દાન-પેટી પણ રાખવામાં નથી આવી! ફક્ત આવો, જુઓ, માણો અને ઘેર જાઓ!
- Advertisement -
શિવલિંગમાં ક્ષતિ હોવાને લીધે કોઇપણ ભક્ત અહીં પૂજા કરશે, તો એનું પુણ્યફળ મળવાની શક્યતા શૂન્ય છે! ઉલ્ટું, એનાથી ભક્તજનને દોષ લાગી શકે છે, આ જ કારણોસર, હથિયા દેવળમાં શિવલિંગની પૂજા નથી થતી
મંદિરનું નામ હથિયા દેવળ જ શું કામ રાખવામાં આવ્યું? અર્થ છે : એક હાથથી બનેલું! ખૂબ પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવતાં આ મંદિરનો ઉલ્લેખ આપણા કેટલાક ગ્રંથો અને અભિલેખોમાં થયેલો છે. એક સમયે અહીંયા કત્યૂરી રાજાનું શાસન હતું. એ સમયે ત્યાંના દરેક શાસકોને સ્થાપત્ય-કળા પ્રત્યે ખૂબ લગાવ રહેતો. ઘણા ઐતિહાસિક સાહિત્યોમાં તો એવું પણ લખાયું છે કે શાસકો વચ્ચે રીતસરની સ્પર્ધાઓ યોજવામાં આવતી. જે શાસક સ્થાપત્ય-કળાનો ઉત્તમ નમૂનો પોતાનાં રાજ્યમાં ઉભો કરી દે, એને વિજેતા ઘોષિત કરી દેવામાં આવતો!
સ્થાનિક ગામવાસીઓનું કહેવું છે કે એ સમયે રાજ્યનાં કોઇક કુશળ કારીગરને મંદિરનું નિર્માણ કરવાની ઇચ્છા હતી. રાજાની આજ્ઞાથી એને કામ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ. કારીગરની સૌથી ખાસ વાત એ હતી કે નિર્માણ-કાર્ય સમયે તેણે ફક્ત એક હાથનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ હતું. અને ખરેખર આખું મંદિર એક રાતમાં તો બનીને તૈયાર પણ થઈ ગયું. નાગર અને લેટિન શૈલીની સ્થાપત્ય કળા ધરાવતાં હથિયા દેવળને એક મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલું છે. ધ્યાનાકર્ષક બાબત એ છે કે, મંદિરની અંદર ગર્ભગૃહમાં આવેલા શિવલિંગને પણ પથ્થરમાંથી કોતરીને લિંગનો આકાર આપવામાં આવ્યો છે. તેનું મુખ્ય પ્રવેશદ્વાર પશ્ચિમ દિશામાં છે. 1.85 મીટર ઉંચાઈ અને 3.15 મીટર પહોળાઈ ધરાવતાં મંદિરનાં મંડપને જોવા માટે યાત્રાળુઓ દૂર-દૂરથી આવે છે. પરંતુ પૂજા-અર્ચના પર મનાઈ ફરમાવેલ હોવાને કારણે મંદિરનું બાંધકામ જોઇને પરત ફરી જાય છે.
- Advertisement -
હથિયા દેવળમાં પૂજા વર્જિત હોવાનું રહસ્ય
માન્યતા અનુસાર, ગામમાં એક મૂર્તિકાર રહેતો હતો, જે પથ્થરો કાપીને તેમાંથી દેવી-દેવતાઓની અલગ-અલગ ઘાટની મૂર્તિ બનાવતો. રોજબરોજનાં કામમાંથી એનું ઘર ચાલતું હતું. પરંતુ એક દિવસ કશીક ગંભીર દુર્ઘટનામાં તેનો હાથ કપાઈ ગયો. બિચારો થોડા દિવસ માટે તો ગભરાઈ ગયો, કારણકે મૂર્તિ ઘડવાનાં કામમાં તો બંને હાથની જરૂર પડે. જરાક પણ આઘુ-પાછું થાય તો આખો પથ્થર બદલીને નવેસરથી મૂર્તિ ઘડવાનું કામ ચાલુ કરવું પડે. આમ છતાં તેણે હિંમત ન હારી અને ફક્ત એક હાથની મદદ વડે મૂર્તિઓ ઘડવાનો નિર્ધાર કર્યો. પરંતુ સમાજને મોઢે ગળણું થોડું બંધાય છે? બાપડાની સમસ્યા જોઇ તેને ઉત્સાહિત કરવાને બદલે ગામવાસીઓ તેનાં કામની ગુણવત્તા વિશે શંકા કરવા લાગ્યા. એમને થયું કે એક હાથવાળો કારીગર આવડી મોટી મૂર્તિ તો વળી કઈ રીતે બનાવી શકે?
ગામનાં તમામ લોકો પાસેથી આવી હતાશાભરી વાતો સાંભળીને મૂર્તિકાર તો ખિન્ન થઈ ગયો. એણે નક્કી કરી લીધું કે હવે પોતે આ ગામમાં નહીં રહે. એ દિવસે જ તેણે પોતાના બિસ્તરા-પોટલા બાંધી બીજે ગામ સ્થળાંતર કરવાની તૈયારી આટોપી લીધી. રાત્રે પથ્થરો કાપવાના હથિયારો અને મૂર્તિને આકાર આપવા માટેનાં ટાંચા સાધનો સાથે તેણે ગામને અલવિદા કહ્યું અને નીકળી પડ્યો બાજુના ગામે! રસ્તામાં ગામવાસીઓ જ્યાં શૌચ-કર્મ કરતાં હતાં, એ વિસ્તાર તેનાં ધ્યાનમાં આવ્યો. તેની સાવ લગોલગ એક વિશાળ મસમોટો પથ્થર પણ હતો !
પછીનાં દિવસે સવારે, ગામવાસીઓ પોતાનો નિત્યક્રમ પતાવવા ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે કોઇકે રાતોરાત પેલી વિશાળ શિલાને કાપી ત્યાં મંદિરનું નિર્માણ કરી નાંખ્યું છે. બધાની તો આંખો ફાટી ગઈ. પોતે દરરોજ જ્યાં શૌચ-કર્મ કરતાં હોય એ જગ્યાએ ભગવાનનું સ્થાન તો તેઓ કઈ રીતે પૂજી શકે? ગામવાળાઓએ ભેગા થઈને પેલા એક હાથવાળા કારીગરની શોધ આરંભી. આજુબાજુનાં તમામ ગામો ફેંદી નાંખ્યા, એમ છતાં મૂર્તિકારનો પત્તો ન જડ્યો! એ જાણે હવામાં ઓગળી ગયો હતો.
સ્થાનિક લોકોએ જ્યારે મંદિરનાં ગર્ભગૃહમાં બનેલું શિવલિંગ જોયું, તો તેમને ખ્યાલ આવ્યો કે તેનું મુખ વિપરીત દિશામાં બનાવી દેવાયું છે. ગામવાસીઓએ વિચાર્યુ કે રાતના કાળા-ડિબાંગ અંધકારમાં નિર્માણ-કાર્ય થયું હોવાને લીધે આમ બન્યું હોવું જોઇએ. કોઇકે ગામમાંથી પૂજારીને બોલાવી શિવલિંગની પૂજા-અર્ચના માટેનો આદેશ આપ્યો, પરંતુ પૂજારીનું કહેવું હતું કે શિવલિંગમાં ક્ષતિ હોવાને લીધે કોઇપણ ભક્ત અહીં પૂજા કરશે, તો એનું પુણ્યફળ મળવાની શક્યતા શૂન્ય છે! ઉલ્ટું, એનાથી ભક્તજનને દોષ લાગી શકે છે. એમના જીવનમાં કશુંક અનિષ્ટ બનવાની સંભાવના પણ વધી જાય છે.
આ જ કારણોસર, હથિયા દેવળમાં શિવલિંગની પૂજા નથી થતી. નજીકમાં જ એક સરોવર છે, જેને સ્થાનિક ભાષામાં ‘નૌલા’ કહે છે. બાળકોને યજ્ઞોપવિત, મુંડન વગેરે સંસ્કાર માટે આ સરોવરમાં સૌપ્રથમ સ્નાન કરાવી ત્યારબાદ આગળની વિધિનો આરંભ કરવામાં આવે છે. બીજી એક માન્યતા એવી પણ છે કે, અહીંના રાજાએ પોતાનાં રાજ્યનો સૌથી કુશળ કારીગર બીજા કોઇ પ્રદેશમાં જઈને ઉત્તમ સ્થાપત્ય-નિર્માણ ન કરી શકે એ માટે, તેનો ફક્ત એક હાથ કાપી તેને હંમેશ માટે અપંગ બનાવી દીધો હતો. મૂર્તિકારનો જુસ્સો છતાંય ઓછો ન થયો અને તેણે એ રાત્રે હથિયા દેવળ મંદિરનું બાંધકામ કરી હંમેશા માટે ગામ છોડીને ચાલ્યો ગયો. બીજા દિવસે આ વાત ત્યાંની પ્રજાને ખબર પડતાં તેઓ ખૂબ દુ:ખી થઈ ગઈ. ભોલેનાથમાં એમની શ્રધ્ધા અડગ રહી, પરંતુ પોતાનાં રાજાના આ દુષ્કૃત્યનો વિરોધ કરવા માટે તેમણે હથિયા દેવળની પૂજા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો. આજદિન સુધી આખો પ્રદેશ વેરાન છે અને મુસાફરો/યાત્રાળુઓ સિવાય અહીં ચકલું પણ નથી ફરકતું!