પાંચ દિવસ સંતવાણી અને ભજનની રમઝટ બોલશે
28મીએ બ્રહ્મલીન ભારતીબાપુની મૂર્તિનું મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ
ખાસ-ખબર સંવાદદાતા
ભવનાથમાં શિવરાત્રિનાં મેળાનો પ્રારંભ થયો છે. સાથે જ ભવનાથમાં આવેલા ભારતી આશ્રમમાં ભજન, ભોજન અને સત્સંગના ત્રિવેણી સંગમનો પણ પ્રારંભ થયો છે. આ અંગે આશ્રમના મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજે કહ્યું હતું કે તા. 26 ફેબ્રુઆરીના યજ્ઞનો પ્રારંભ થશે. તા. 27 ફેબ્રુઆરીના ધર્મસભા યોજાશે તેમજ તા. 28 ફેબ્રુઆરીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય બ્રહ્મલીન ભારતીબાપુની સમાધિ મંદિરની મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે. ભારતભરમાંથી પધારેલા સંતોના સાનિધ્યમાં ષોડશી ભંડારો અને સમાધિ પૂજન કરવામાં આવશે. પાંચ દિવસ રાત્રિના 9.30થી કીર્તિદાન ગઢવી, નિરંજન પંડ્યા સહિતના કલાકારો દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા હરિહરાનંદ ભારતીબાપુ દ્વારા વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે.