વહેતી ગંગામાં ડૂબકી મારવા લુખ્ખેશોની લાઈન
– કિન્નર આચાર્ય
બધી બાબતમાં પોલીસ ચોખ્ખી નથી તેમ દરેક મુદ્દે એ તોડબાજ પણ નથી : નીર-ક્ષીર કરવું પડશે, દરેક કેસ અલગ હોય, તેની વાસ્તવિકતા જુદી હોય
અનેક કૌભાંડિયાઓ અને ક્રિમિનલ્સ હવે પોલીસ સામે આક્ષેપો-આરોપોનો સૂંડલો ભરીને નીકળી પડ્યા છે
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ એક સીઝન્ડ, પીઢ પોલિટિશિયન છે. મને ચડ્ડી પહેરતા નહોતું આવડતું ત્યારથી મને તેમનો પરિચય. મારા પિતા સાથે અને અમારા આખા પરિવાર સાથે એમનો આત્મિય નાતો. એવો સંબંધ, જેમાં તેઓ રાજકારણી ન હોય અને અમે પત્રકાર ન હોઈએ. એમણે થોડાં દિવસ પહેલાં ફોડેલાં લેટરબોમ્બએ હાહાકાર મચાવ્યો છે. હિરોશીમા અને નાગાસાકી પર વરસેલાં બોમ્બની અસરની જેમ આ પ્રકરણની અસર પણ લાંબા સમય સુધી રહેવાની છે.
ગોવિંદભાઈનો પત્ર એક પ્રકરણ પૂરતો મર્યાદિત હતો અને એ લખવા પાછળની તેમની નિયત અંગે પણ શંકા કરવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. પરંતુ આજે જરા અલગ મુદ્દા પર ચર્ચા કરવી જરૂરી બની ગઈ છે. અને એ છે, છેલ્લાં ચાર-છ દિવસ દરમિયાન મેદાનમાં આવેલા અનિષ્ટ તત્ત્વોની.
- Advertisement -
પોલીસ તંત્ર આખું મનોબળ પર ચાલતું હોય છે, એક વખત એ તૂટ્યું તો સમજી લેવાનું કે ગુનાખોરીને છુટ્ટો દોર મળી ગયો. આ પ્રકરણ પછી અનેક લુખ્ખી લાશો માર્કેટમાં આવી ગઈ છે. વરસાદની બે-ચાર બુંદ વરસે અને પાંખાળા જીવડાં ઘરમાં ઘૂસી આવે તેમ લેટરબોમ્બ પછી ગામનાં ઉતાર જેવા લોકો ફાલતું ફરિયાદો લઈને મીડિયામાં ધસી રહ્યાં છે.
બે દિવસ પહેલાં એક ભરવાડ શખ્સ મેદાનમાં આવ્યો અને દાવો કર્યો કે, તેની 2000 વાર જગ્યા ખાલી કરાવવા ભાજપ પ્રવકતા રાજુ ધ્રુવે ધમકી આપી! પહેલી વાત એ કે, રાજુ ધ્રુવ આવી ધમકી આપી શકે, તેવું ખુદ ઈશ્ર્વર આવીને કહે તો પણ કોઈ સ્વીકારે નહીં. રાજનીતિનાં મોટા ભાગનાં દૂષણોથી તેઓ દૂર છે. બીજું : આ જમીનનું ગેરકાયદે વેંચાણ હતું. પેલાં ભરવાડ શખ્સની માલિકીની નથી. જગ્યા પર દબાણ કરીને બેસવું અને પછી કોઈ હટાવે તો રોદણાં રડવા. આ નીતિરીતિ નવી નથી. જ્યારે-જ્યારે દબાણ દૂર કરાય છે ત્યારે આવા ખેલ અચૂક માંડવામાં આવે છે.
અન્ય એક બનાવ પણ પ્રકાશમાં આવ્યો. ખોડુભાઈ મુંધવા નામની વ્યક્તિએ દિપક તન્ના નામનાં શખ્સને 14 લાીખ રૂપિયા ઉછીના આપ્યા હતા. નાણાં પરત કરવા માટે તન્નાએ 15 ફેબ્રુઆરી સુધીનો સમય માંગ્યો હતો. આખા મમલાનાં તમામ પુરાવાઓ, ઑડિયો ક્લિપ વગેરે ‘ખાસ-ખબર’ પાસે છે. પણ, આ પોલીસ અંગેનો વિવાદ થયો એટલે દિપક તન્નાએ વહેતી ગંગામાં હાથ ધોવા ક્રાઈમ બ્રાન્ચે હવાલો લીધો હોવાનો રાગ આલાપ્યો. ક્રાઈમ બ્રાન્ચને આ મામલા સાથે નાડી-નેફાનો સંબંધ નથી. પણ હઈસો-હઈસોમાં તમાશો ચાલી રહ્યો છે.
- Advertisement -
એક પરિવાર તો જિલ્લા પંચાયત ચોક ખાતે જ પોલીસનો વિરોધ કરવા બેઠો, તેમનું કહેવાનું હતું કે, તેમને પોલીસે અન્યાય કર્યો છે અને મવડીનાં આ જમીન પ્રકરણમાં પોલીસ વેંચાઈ ગઈ છે! વાસ્તવિકતા એ છે કે, આ પ્રકરણમાં આરોપી સામે એફ.આઈ.આર. પણ થઈ ગઈ છે, તેને દોઢ વર્ષની જેલ પણ થઈ ચૂકી છે અને હાઈકોર્ટમાંથી તેને જામીન પણ મળી ગયા છે.
દરેક શેરીમાંથી એક કહેવાતો પીડિત બહાર આવી રહ્યો છે. ભૂતકાળમાં જેમણે પણ પોલીસ સામે ઝૂકવું પડ્યું હોય, એવાં અનેક જમીન કૌભાંડકારો અને લેભાગુઓ પોલીસ વિરૂદ્ધ મોરચો માંડી રહ્યાં છે. પોલીસ ખાતામાં બેફામ ભ્રષ્ટાચાર છે- એ વાત કબૂલ. પરંતુ દરેક મામલામાં ભ્રષ્ટાચાર નથી થતો. અનેક ગુનેગારોને અને માફિયાઓ પર ઉગામવામાં આવેલી ગુજસીટોકની અને પાસાની તલવાર- એ વાતનો પુરાવો છે. લેન્ડગ્રેબિંગ વિરૂદ્ધનાં કાયદા હેઠળ અનેક અસામાજિક તત્ત્વોને પૂરી દેવામાં આવ્યા છે. આવા તો અનેક કિસ્સાઓ છે.
આખા પોલીસ તંત્રને જ ભ્રષ્ટ ગણવા માંડીશું તો છેવટે ભરોસો કોની પર રાખીશું? રાજકોટ પોલીસનું મનોબળ તળિયે છે. સ્થિતિ એવી આવી છે કે, પોલીસ અધિકારીઓ સાચા મામલે પગલાં લેતાં પણ ડરશે. આ સ્થિતિ તત્કાળ દૂર કરવી આવશ્યક છે.
એક મુદ્દો એ પણ છે કે, લોકોમાં કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવા માટે કેટલી ધીરજ છે. રાજકોટની જનતામાં એક પ્રકારની માનસિકતા ઘર કરી ગઈ છે. જમીન બાબતે અરજદાર જ અરજીથી આગળ વધવા માંગતા નથી. તેઓ ઈચ્છે છે કે, અરજીનાં આધારે પોલીસ પ્રતિવાદીને ઉઠાવી લાવે અને કમિશન બેઝ પર પોતાનું કામ કરી આપે. બધાંને ઈન્સ્ટન્ટ રિઝલ્ટ ખપે છે, રાહ જોવાનું કોઈને પરવડતું નથી. રાજકોટની એક વિશિષ્ટતા છે: ઈઝી મની.
શહેરની માનસિકતા ક્યારેય પોલીસનાં ભ્રષ્ટાચારને જસ્ટિફાય ન કરી શકે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે, ભાદરવાના ભીંડાની જેમ ફુટી નીકળેલાં ઢોંગી અરજદારોનો ભરોસો કરવા જેવું નથી. બીજું, દરેક કેસને, દરેક પોલીસ અધિકારીને એક ત્રાજવે તોળવાની વૃત્તિ જોખમી છે.


