16 જાન્યુઆરી 2021થી રસીકરણની કામગીરી શરૂ કરાઇ હતી અને સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાઈ હતી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશથી ચાલી રહ્યું છે. જે રીતે કોરોના રસીકરણ થઈ રહ્યું છે તે જોતા રાજ્યમાં નવો વિક્રમ સ્થાપિત થશે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના 9 કરોડ 98 લાખ 80 હજાર 825 ડોઝ આપી દેવામાં આવ્યા છે. આજે ગુજરાતમાં 10 કરોડ રસીકરણનો લક્ષ્યાંક પૂર્ણ થશે. એક તરફ કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે શાંત પડી રહી છે અને કોરોના દૈનિક કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. આ વચ્ચે આંતરિયાળ પહાડી વિસ્તારોથી લઈને કાંઠા વિસ્તારો સુધી જે પ્રકારે રસીકરણ ચાલી રહ્યું છે તેની કેન્દ્ર સ્તરે પ્રશંસા થઇ રહી છે.
ગુજરાતમાં 16 જાન્યુઆરી 2021થી કોરોના સામેની રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે સૌ પ્રથમ સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાઈ હતી. ત્યારબાદ પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો હતો. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બીમારી સામે ઝઝૂમતા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાઈ હતી.
17 એપ્રિલ 2021ના રોજ દેશમાં એક કરોડ વેક્સિનના ડોઝ આપવાનો વિક્રમ સર્જાયો હતો. 13 જુલાઈ 2021એ આ આંકડો બે કરોડને પાર પહોંચી ગયો હતો. તો 20 જુલાઈ 2021ના દિવસે ત્રણ કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. 15 ઓગસ્ટના રોજ 4 કરોડ, 8 સપ્ટેમ્બરના દિવસે 5 કરોડ અને 22 ઓક્ટોબર 2021ના દિવસે 6.80 કરોડ ડોઝ અપાયા હતા. 28 નવેમ્બર 2021ના દિવસે 8 કરોડ. 12 જાન્યુઆરી 2022ના દિવસે 9 કરોડનો રસીકરણનો આંકડો પાર થયો હતો. રાજ્યમાં હાલમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, તેવામાં રસીકરણનો આ વિક્રમ કોરોના સામેની જંગમાં મહત્વનો સાબીત થશે.