જ્ઞાનના સંદેશને માત્ર વસંત પંચમી પૂરતો જ કેમ સીમિત રાખીએ !
સરસ્વતીની વીણાની મધુર ધ્વનિ જેમ લોકોના જીવનમાં સુખનો સુર પૂરીએ
– પ્રિયંકા પરમાર
ભારતીય સંસ્કૃતિમાં ગુહ્ય અને સુક્ષ્મ જ્ઞાન સાથે વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ કર્મની કઠણાઈ કહો કે મનુષ્ય સ્વભાવની કમજોરી આપણે દિવસના મહાત્મ્યને માત્ર ઉજવણી પૂરતું જ યાદ રાખીએ છીએ. આવો જ એક મહત્વનો દિવસ એટલે વસંત પંચમી. જેને જ્ઞાનનો પર્વ પણ કહી શકાય. સત્ય અને અસત્યને સમજવાની શક્તિ એટલે જ્ઞાન. કલ્યાણકારી કર્મ કરવાની પ્રવૃતિ એટલે જ્ઞાન. જ્ઞાનની પરિભાષા તો સમજી ગયા પરંતુ તેના અમલની ઉણપ આપણા વ્યવહારમાં હજુ જોવા મળે છે. તો ચાલો, આ વખતે વસંત પંચમીને, જ્ઞાનના પર્વને કંઈક અલગ રીતે ઉજવવાની પ્રતિજ્ઞા કરીએ. હિન્દુ પંચાગ પ્રમાણે મહાસુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. જેને પ્રકૃતિનો ઉત્સવ પણ કહેવામાં આવે છે. વસંત પંચમી પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ દિવસે સરસ્વતી, રાધા, કૃષ્ણ અને કામદેવની પુજા કરવામાં આવે છે. આ દિવસે અજ્ઞાનીને પણ જ્ઞાની બનાવી દે એવા સરસ્વતી દેવીની પુજાનું ઘણું મહત્વ હોય છે. તેમની પૂજા કરવાથી વિદ્યામાં વૃધ્ધિ અને એકાગ્રતામાં વધારો થાય છે. આ સર્વે બાબતોથી આપણે પરિચિતિ છીએ તેમ છતાં અજ્ઞાની બનીને પુણ્ય કર્મ કરવાની તક જતી કરીએ છીએ.
- Advertisement -
માનવ જીવન પ્રકૃતિના ઋણ તળે એટલું દબાયેલું છે કે, પ્રકૃતિ વિના મનુષ્ય જીવનની કલ્પના હાસ્યસ્પદ છે. પ્લાસ્ટીક જમીને ગળી રહી છે તેનું જ્ઞાન હોવા છતાં કપડાંની થેલી લીધા વિના વસ્તુની ખરીદી કરવા જતાં રહીએ છીએ. પાણીનો બગાળ કરીને એવા લોકો સાથે અન્યાય કરી રહ્યા છીએ જેઓ પીવાનું પાણી પ્રાપ્ત કરવા માટે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કારણ વિના હોર્ન વગાડીને કર્કશતાં ફેલાવીને કર્ણો માટે હાનિકારક ધ્વનિ પ્રદૂષણ ફેલાવીએ છીએ. શું આ પ્રકૃતિ સાથે અન્યાય નથી ? શું આ પ્રાપ્ત જ્ઞાનની અવહેલના નથી ?
દરેક મનુષ્ય રંગીન ફુલોની મહેકની જેમ અન્યના જીવનને મહેકાવવાની શક્તિ ધરાવે છે. સરસ્વતીની વાણી અને વીણાની જેમ શુભ વચનો અને વિચારોની સુટેવ પાડીને જીવનમાં આવતી અણધારી સમસ્યાઓને સરળતાથી નિવારી શકાય છે. કોઈવાર મુસાફરી વખતે વયોવૃધ્ધની અવસ્થા સમજીને પોતાની સીટ પર બેસાડવા, કોઈની નાની અમથી ભૂલને અવગણીને ક્ષમા આપવી, અબોલ પશુ-પક્ષીઓને મનોરંજનનું સાધન ન ગણીને તેમને હેરાન ન કરવા, સહયોગની ભાવના રાખવી, અણહકનું લેવાની વૃતિનો ત્યાગ કરવો, જાણતાં અજાણતાં કોઈને નુકશાન ન કરવું, લોકોને પ્રેરણા મળે તેવા કાર્યોને વ્યવહારું જીવનમાં અમલ બનાવીએ તો સાચા અર્થમાં મળેલા જ્ઞાનની પૂજા કરી ગણાશે. સરસ્વતી માતા પણ પ્રસન્ન થશે.
સહજ વસ્તુનો સ્વીકાર હંમેશા કપરો હોય છે. ઉપર્યુંકત કહેલી દરેક વાત એટલી નોર્મલ છે કે, આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમ છતાં તેનો અસ્વીકાર તો નહીં પરંતુ સંપૂર્ણ સ્વીકાર પણ નથી કરી શકતાં. જ્ઞાની હોવા થતાં અજ્ઞાની બનીને ભૂલો કરીએ છીએ. તો ચાલો લિસ્ટ બનાવીએ અને આવતી વસંત પંચમીએ આપણે કેટલાં સતકર્મો કરીને મળેલા જ્ઞાનને સાર્થક કર્યું છે તેનું સ્વમુલ્યાંકન કરીએ.


