સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ
– રાજેશ ભટ્ટ
ગયા અઠવાડિયાની જ વાત છે. એક ઉદ્યોગપતિ ક્લાયન્ટ માટે તેમની નવી ફેકટરીની નવી સાઈટ માટે જગ્યાની પસંદગી કરવાની હતી. નિયત સમયે અમોએ પ્લોટની વીઝીટ કરી પરંતુ એનર્જી ઈન્સ્ટ્રુમેન્ટથી એનર્જી ચેક કરતાં ઘણી ઓછી એનર્જી આવી રહી હતી. પ્લોટ ઘણો મોટો હતો તેથી ચારેય ખૂણામાં પણ ચેક કરતાં ત્યાં પણ સારી ઊર્જાનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. અમોને કશું અજુગતુ લાગ્યું, એટલે આજુબાજુની ફેકટરીની પરિસ્થિતિ વિશે પૃચ્છા કરતા જાણકારી મળી કે તે શેરીમાં કોઈ પણ ફેકટરી બરાબર ચાલતી નથી. દરેક ફેકટરીમાં નાના-મોટા અકસ્માતો થવા તથા કામદારોને લગતી સમસ્યાઓ વારંવાર આવ્યા કરે છે. અપવાદ રૂપ એક-બે ફેકટરીમાં સારા ઓર્ડર છે તો ત્યાં ઠીકથી પ્રોડકશન થઈ શકતું નથી અને બાકી રહેલી ફેકટરીમાં કામ નથી.
છેલ્લાં થોડાં વર્ષોમાં અનુભવ્યું કે જમીનની નીચેની નકારાત્મક ઊર્જાનો પ્રભાવ કોઈ-કોઈ વિસ્તારમાં ખૂબ જ વધારે હોય છે. આવા વિસ્તારમાં આપ અનુભવશો કે અમુક શેરીમાં કોઈના પણ વ્યવસાય ઠીક નથી ચાલતી હોતા, રહેણાંક વિસ્તારમાં પણ આપણે ઘણી વાર જોયું હોય છે કે અમુક શેરીમાં દરેક ઘરમાંથી કોઈ ને કોઈ ગંભીર બીમારીનો ભોગ બન્યું હોય કે પછી ફલેટની અંદર કોઈ એક વીંગની અંદર એક સાઈડના ફલેટમાં ઉપરથી નીચે સમાન શારીરિક સમસ્યાઓ આવતી હોય છે.
- Advertisement -
એવી ઔદ્યોગિક વસાહતો શહેરના કોઈ ચોક્કસ વિસ્તારોમાં હોય જ છે કે જ્યાં લોકોને આપણે સફળતા માટે સતત સંઘર્ષ કરતાં જોઈએ છીએ જ્યારે શહેરના ઘણા રહેણાંક કે ઔદ્યોગિક વિસ્તારમાં ઘણા લોકો ખૂબ જ ઝડપથી પ્રગતિ કરતાં હોય છે, મતલબ જમીન ઊર્જાનો ચોક્કસ પ્રભાવ દરેક વિસ્તારમાં અલગ-અલગ જોવા મળે છે.
એની વે, કહેવાનો મતલબ છે કે જગ્યાની પસંદગી કરતી વખતે જો વાસ્તુ ક્ધસલટન્ટની સલાહ ન લીધી હોય તો પણ આજુબાજુની જગ્યામાં રહેલ લોકોની સ્થિતિ જોયા પછી જ જગ્યા નક્કી કરવી.
આવી વાતોને ન ગણકારનારો પણ એક વર્ગ છે. એ લોકો સતત એવું દેખાડતાં રહે છે કે તેઓ વાસ્તુમાં માનતા નથી પરંતુ સચ્ચાઈ એ હોય છે કે જાણે-અજાણે એ સારી ઊર્જાની ગતિને અનુસરતા હોય છે અને એટલે જ ઘર ખરીદતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે જ્યાં રહીને માણસ સુખી થયો હોય, એ માણસનું ઘર ખરીદવું જોઈએ.
ઘર કે ફલેટમાં અગાઉ રહેનારાઓનો ભૂતકાળ આપણે તપાસતાં હોઈએ છીએ કારણ કે તેના પરથી ક્યાસ (અનુમાન) નીકળતો હોય છે કે ફેકટરી, ઘર, બંગલો કે ફલેટ બરકત અને સુખ શાંતિવાળા છે કે નહીં?
એટલે જ નાદાર થયેલી વ્યક્તિની પ્રોપર્ટીમાં આપણને બહુ રસ પડતો નથી. દેણામાં દબાઈ ગયેલી વ્યક્તિ બજારભાવ કરતાં નીચી કિંમતે ઘર, ઓફિસ, ફેકટરી કે અન્ય પ્રોપર્ટી વેચવા નીકળે ત્યારે તે ખરીદવામાં ફાયદો લઈ લેવાનું પણ મુનાસિબ લાગતું નથી, ફલેટ કે મકાન ખરીદતી વખતે ખબર પડે કે અહીં રહેનારા અગાઉના પરિવારોમાંથી અપમૃત્યુ (આ જ ફલેટ કે ઘરમાં) થયા છે તો એ જગ્યા પણ લોકો ખરીદતા નથી યા ખરીદતા પહેલાં પાંચ વખત ગંભીર વિચારણા કરે છે… આ તમામ વાતો એ સાબિત કરે છે કે ભલે, આપણે સ્પષ્ટપણે વાસ્તુને સ્વીકારતા ન હોઈએ પણ જગ્યાના સારા ખરાબ લક્ષણ (જે વાસ્તુ જ છે)ની નોંધ અવશ્યપણે લેતાં હોઈએ છીએ!
- Advertisement -
આજના આ ઔદ્યોગિક વાસ્તુ વિશેના એપિસોડમાં વાસ્તુદોષ વિશે વિચારીએ તો ફેકટરીની અંદર સમસ્યાઓ થવામાં મુખ્યત્વે બે કારણો હોય છે.
1. આપણે આગળ સમજ્યા તેમ જમીનની નીચેની નકારાત્મક ઊર્જા.
2. પંચતત્ત્વ (જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ) મુજબ વાસ્તુની ગોઠવણી ન થવી.
ફેક્ટરીમાં અગ્નિ ખૂણામાં રહેલ કુવો કે વોટર ટેન્ક પ્રોડકશન પર વિપરીત અસર આપે છે
આમ પણ ફેકટરીમાં કોઈ પણ મોટા પ્લાન્ટ, મશીનો, ભઠ્ઠી, બોઈલર વિગેરે યાંત્રિક સાધનોની જગ્યાનો વારંવાર ફેરફાર તેમના વજન અને સાઈઝને લઈને આસાન હોતા નથી, ઘણી વાર વિદેશથી મંગાવેલ મોંઘા મશીનો એક જગ્યાએ સેટ કર્યા પછી તેને ફેરવવા ખૂબ જ મુશ્કેલ બની જતાં હોય છે તેથી જ હંમેશા ભારે વજનવાળી વસ્તુઓને ફેકટરીની દક્ષિણ અને પશ્ર્ચિમ દિશામાં ગોઠવવી.
ફેકટરીની ગોઠવણી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ :-
- ફેકટરી માટે જો પ્લોટની ખરીદી કરતા હોય ત્યારે ઈશાન ખૂણો કટ ન હોય તેનું ખાસ ધ્યાન રાખીને પ્લોટની ખરીદી કરવી.
- ફેકટરીની અંદર તૈયાર માલ વાયવ્ય ખૂણામાં રાખવો.
- ઘણી ફેકટરીમાં આપણે અનુભવીએ છીએ કે સેમ્પલ પરથી ઓર્ડર મળવામાં ઘણો સમય લાગતો હોય છે અથવા ઉંચો નફો આપે તેવી પ્રોડકટ (વસ્તુ)ના ઓર્ડર ઓછા પ્રમાણમાં આવે છે. જો તેની ગોઠવણી પણ યોગ્ય ખૂણામાં પોઝિટિવ કલર સ્કીમ સાથે કરવામાં આવે તો ઓર્ડર બુક હંમેશા સારી રહેશે.
- જો સેમ્પલ રૂમ કે સેમ્પલ બોક્ષ બનાવવાના હોય તો તે પણ વાયવ્ય ખૂણામાં બનાવવો.
- તૈયાર માલના પેકેજિંગ બોક્ષનો કલર પણ માલની મૂવમેન્ટ માટે અગત્યનો ભાગ ભજવે છે.
- ફેકટરીના બાંધકામમાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂર્વ-ઉત્તર ભાગ હંમેશા દક્ષિણ-પશ્ર્ચિમ ભાગ કરતાં નીચો રહે.
- ફેકટરીમાં બોર કે કુવો બનાવવો હોય તો તે ઈશાન ખૂણામાં, પૂર્વ કે ઉત્તર દિશામાં બનાવવો.
- ફેકટરીમાં પાણી માટેની ઓવરહેડ વોટર ટેન્ક નૈઋત્ય ખૂણામાં બનાવવી.
- ફેકટરીમાં ગાર્ડન બનાવો તો તે પૂર્વ-ઉત્તર ભાગ એટલે કે ઈશાન ખૂણામાં બનાવવું.
- ફેકટરીમાં ફરનેશ, ભઠ્ઠી, બોઈલર, જનરેટર કે ઈલેકટ્રીક ડીસ્ટ્રીબ્યુશન બોર્ડની ગોઠવણી હંમેશા અગ્નિ ખૂણામાં કરવી.
- લેબર કવાર્ટર ફેકટરીના અગ્નિ ખૂણામાં અથવા વાયવ્ય ખૂણામાં બનાવવા.
- ફેકટરીમાં શેડમાં પતરાનો ઢાળ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખવો.
- અગ્નિ ખૂણામાં રહેલ કુવો કે વોટર ટેન્ક પ્રોડકશન પર વિપરીત અસર આપે છે.
- ઈશાન ખૂણામાં રહેલી ભઠ્ઠી, બોઈલર, જનરેટર કે ઈલેકટ્રીક ડીસ્ટ્રીબ્યુશન બોર્ડની ગોઠવણી અચાનક આર્થિક નુકસાન કરાવી શકે છે.
- ફેકટરીનો મુખ્ય દરવાજો નૈઋત્ય ખૂણામાં હોય તો ત્યાં ચોરીનો ભય રહે છે.
- ફેકટરીની અંદર ઈશાન ખૂણામાં કોઈ પણ મશીન રાખવું નહીં.
- ફેકટરીના બ્રહ્મસ્થાન (મધ્યભાગ)માં કોઈ પણ વજન રાખવું નહીં.
- ફેકટરીનો જો ઈશાન ખૂણો નૈઋત્ય ખૂણા કરતાં વધારે ઉંચો હોય તો નબળા ધંધાના કારણે તે ફેકટરી બંધ થઈ શકે છે!
- ઉત્તર દિશામાં ઓવરહેડ વોટર ટેન્ક હોય તો તે અણધાર્યો નાણાં ખર્ચ કરાવે છે.
- ફેકટરીના બ્રહ્મસ્થાન (મધ્યભાગ)માં બોરીંગ કે કુવો કરવો નહીં.
- ફેકટરીમાં સેપ્ટિક ટેન્ક ઈશાન અને નૈઋત્ય ખૂણે ન બનાવવી.
- ફેકટરીમાં બંધ પડેલી ઘડિયાલો, નકામો સામાન, ભંગાર કે બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં.
- ફેકટરીમાં બારી-બારણા ત્રાંસા ન બેસાડવા.
- જો ફેકટરી નવી બનાવતા હો ત્યારે ફેકટરીમાં કોઈ પણ જુની વસ્તુ ચણતરમાં ઉપયોગ કરવો નહીં. (ઇંટ, લોખંડ, બેલા, બારી, બારણા વગેરે)
- ફેકટરીની બહાર દક્ષિણ અને પશ્ર્ચિમ દિશામાં ઉંચાઈવાળા વૃક્ષો જેવા કે લીમડો, આસોપાલવ વાવવા.
- ફેક્ટરીમાં જો ચોકીદારને રહેવા માટે રૂમ બનાવવાની હોય તો અગ્નિખૂણામાં બનાવવી.
- ફેક્ટરીની દક્ષિણ અને પશ્ર્ચિમ દિશાની બાઉન્ડ્રી વોલની ઊંચાઈ વધારે રાખવી.
- બીમની બરાબર નીચે કોઈ મશીન ન આવે તેનું ધ્યાન રાખવું.
- ફેક્ટરીમાં કેન્ટીન બનાવવાની હોય તો તે અગ્નિખૂણામાં બનાવવી.
- પૂર્વ દિશામાં રહેલ ઓવરહેડ વોટર ટેન્ક પ્રતિષ્ઠાની હાનિ કરાવે છે.
- ફેક્ટરીનાં નૈઋત્ય ખૂણામાં કૂવો, બોર કે અન્ડરગાઉન્ડ વોટર ટેન્ક ક્યારેય પણ ના બનાવવા.
- ફેક્ટરીની ચારેય બાજુની બાઉન્ડ્રીવોલથી જગ્યા છોડીને બાંધકામ કરવું.
- નૈઋત્ય ખૂણામાં રહેલ લેબર ક્વાર્ટર માલિકો અને કામદારો વચ્ચે સતત સંઘર્ષ કરાવે છે.
- ફેક્ટરી માટે પસંદ કરેલ પ્લોટ રોડ લેવલથી નીચે ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું, અને જો હોય તો ભરતી ભરી ઊંચો કરવો.