ઓશોના શિવ સૂત્રોમાં એમનો તર્ક પ્રતિબિંબિત થાય છે. તર્કનો ક્યારેય ક્યાંય અંત હોતો નથી, એ તો પાણીને વલોવવા જેવી વાત ગણાય, જળ-મંથનમાંથી માખણ ન મળે, જે જ્ઞાન સ્વયં શિવજીનાં મુખેથી નીકળ્યું હોય તેમાં કોઈ પણ મનુષ્ય પોતાનો તર્ક ઉમેરી ન જ શકે શિવ સૂત્ર એ અધ્યાત્મનું “purest of purest’’ ફોર્મ છે.
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
જ્ઞાનનું આ શુદ્ધતમ સ્વરૂપ પચાવવું તે બધાનું કામ નથી. ધર્મની વાત છોડીને ધાર્મિક સંપ્રદાયોની વાત કરીએ તો ભારતમાં લગભગ 60,000 થી વધારે સંપ્રદાયો અસ્તિત્વમાં છે. ધૂપ, દીપ, આરતી, ભજન, કથા, વાર્તા, ધ્યાન પદ્ધતિ, પૂજા પદ્ધતિ, સદ્ગુરુઓ, વ્યક્તિ પૂજા, શ્રદ્ધા, અંધ શ્રદ્ધા, પ્રતીકો, વગેરેમાંથી હેમ-ખેમ પસાર થયા બાદ જો સાધકનું સદ્ભાગ્ય હોય તો તે શિવ સૂત્ર સુધી પહોંચે છે. પેલા 60,000 જેટલા આભૂષણો સમજણની ભઠ્ઠીમાં પીગળી જાય, એમાંથી તાંબુ નીકળી જાય એ પછી ચોવીસ કેરેટનું શુદ્ધ, પરિશુદ્ધ સોનું રહે તે શિવ સૂત્ર.
- Advertisement -
શિવ સૂત્ર વિશે સ્વામી મુક્તાનંદ બાબાએ અનેકવાર પ્રકાશ પાડ્યો છે. પરંતુ એ બધું એક-એક સૂત્ર અને તેની સમજુતી સાથે ક્યાંય ગ્રંથસ્થ થયેલું જોવા મળતું નથી. ઓશોએ શિવ સૂત્રો વિશે પ્રવચનો આપ્યા છે. આ બંનેની સમજૂતી વચ્ચે એક પાયાનો ભેદ રહેલો છે. બાબાના શિવ સૂત્રોમાં એમનું તપ ઝલકે છે, ઓશોના શિવ સૂત્રોમાં એમનો તર્ક પ્રતિબિંબિત થાય છે. તર્કનો ક્યારેય ક્યાંય અંત હોતો નથી. એ તો પાણીને વલોવવા જેવી વાત ગણાય. જળ-મંથનમાંથી માખણ ન મળે. જે જ્ઞાન સ્વયં શિવજીનાં મુખેથી નીકળ્યું હોય તેમાં કોઈ પણ મનુષ્ય પોતાનો તર્ક ઉમેરી ન જ શકે.
ધ્યાન, સાધના, મંત્ર-જાપ આ બધું કરતો સાધક નસકલથમાં જીવે છે. જયારે તે આ બધામાંથી પસાર થઈને શિવની સાથે તાદાત્મ્ય અનુભવતો થાય છે ત્યારે તે નનિષ્કલથમાં પ્રવેશ્યો ગણાય છે. શિવ સૂત્રો સકલ માટે નથી પણ નિષ્કલ માટે છે. શિવજીનું એક સ્વરૂપ નટરાજનું છે. નૃત્ય કરતા શિવના પગ નીચે એક અસુર જોવા મળશે. તેનું નામ અપસ્માર છે. અપસ્માર એ બીજું કંઈ નથી પણ વિસ્મૃતિ છે. મનુષ્યો (આમ તો પ્રાણી માત્ર) જ્યારે એ સત્યથી વિસ્મૃત થઇ જાય છે કે જીવ અને શિવ બંને એક જ છે ત્યારે તે અપસ્માર બની જાય છે. ભગવાન શિવને માત્ર એક જ વસ્તુ પ્રત્યે વેર છે અને તે વસ્તુ છે ભેદ એટલે કે દ્વૈત ભાવ. શિવ સૂત્રોનું જ્ઞાન જેને હજમ થઇ જશે તે દ્વૈત ભાવ છોડીને અદ્વૈત ભાવમાં પ્રવેશી જશે. એ પછી એ સાચા અર્થમાં આદિ શંકરાચાર્યની જેમ ગાઈ ઉઠશે.
હાલ પુરતું મેં વિચાર્યું છે કે અઠવાડિયામાં એક નિર્ધારિત દિવસે ક્રમાનુસાર એક-એક શિવ સૂત્ર આપતો રહીશ. બાકીના 6 દિવસ રોજની જેમ નમોર્નિંગ મંત્રથ આપવાનું ચાલુ રાખીશ. જે મિત્રોને વિશુદ્ધ અધ્યાત્મમાં રસ હોય તેઓ જ આ પ્રવાસમાં સાથે ચાલે. જેમને સાંસારિક ભોગ વિલાસો અને સસ્તી શબ્દ રમતમાં આનંદ આવતો હોય તેઓ પ્રવાસ છોડી શકે છે.
- Advertisement -
ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, મહિનાઓમાં હું માગશર છું. ભગવદ્ગીતાનું પ્રાગટ્ય આ મહિનામાં જ થયું હતું. બીજી રીતે જોઈએ તો ધનુમાસનાં કમુરતા ચાલે છે. વાસ્તવમાં 14 મી ડીસેમ્બરથી 14 મી જાન્યુઆરી સુધીનો કાળ અશુભ હરગીઝ નથી. સત્ય એ છે કે શાસ્ત્રોએ આ સમયને ધર્મ, ધ્યાન અને આધ્યાત્મિક સાધના માટે શ્રેષ્ઠતમ માન્યો છે. મનુષ્યોનું ધ્યાન અન્ય માંગલિક પ્રસંગો (લગ્ન, યજ્ઞોપવિત ઈત્યાદિ) તરફ ના ખેંચાઈ જાય એ આશયથી ધનુમાસમાં શુભ પ્રસંગના મુહૂર્તો કાઢી આપવામાં આવતા નથી.


