કેરલ રાજ્યના મુનારનો વતની શ્રીનાથ કે. અતિ ગરીબ પરિવારનો યુવક છે.
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
– શૈલેષ સગપરિયા
પરિવારને આર્થિક મદદ કરવા એ અરનાકુલમ રેલવે સ્ટેશન પર કુલી તરીકેનું કામ કરે છે. શ્રીનાથ કે. બીજાનો સામાન ઉપાડવાનું સામાન્ય કામ કરે પણ સપનાઓ બહુ મોટા જુએ. એણે નક્કી કર્યું કે મારે સિવિલ સર્વિસ પરીક્ષા આપીને સરકારમાં સારા હોદ્દા પર નોકરી કરવી છે. જ્યાં સેંકડો યુવાનો હજારો રૂપિયા ખર્ચીને કોચિંગ દ્વારા આવી પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હોય ત્યાં રેલવે સ્ટેશન પર કામ કરતા એક કુલીનું શુ ગજું ? પણ શ્રીનાથ કે. એમ હાર માનીને હથિયાર હેઠા મૂકી દે એવો માણસ નહોતો. એણે પરીક્ષાની તૈયારી માટેનો એક અનોખો રસ્તો શોધી કાઢયો. ભારત સરકારે કેટલાક રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈ ઝોનની સુવિધા ચાલુ કરી છે. શ્રીનાથ કે. આખો દિવસ રેલવે સ્ટેશન પર જ હોય એટલે એણે આ ફ્રી વાઈ-ફાઈ સુવિધાનો લાભ લઈને ઓનલાઈન લેકચર સાંભળી પરીક્ષાની તૈયારી કરવાનો સંકલ્પ કર્યો.
શ્રીનાથે એક સાધારણ સ્માર્ટ ફોન લીધો અને ઈયરફોનની મદદથી લેકચર સાંભળીને પરીક્ષાની તૈયારીના શ્રીગણેશ કર્યા. માથા પર સામાન અને કાનમાં ઈયરફોન ભરાવેલા આ છોકરાને ઘણાએ જોયો હશે. જોનારાને કદાચ બે ક્ષણ એમ પણ વિચાર આવ્યો હશે કે કામ કુલીનું કરે છે પણ ગીતો સાંભળવાનો બહુ ચસ્કો છે. લોકોને શું ખબર કે આ કોઈ ફિલ્મી ગીતો નથી સાંભળતો પણ સરકારી અધિકારી બનવાની તૈયારી કરી રહ્યો છે.
- Advertisement -

તાજેતરમાં જાહેર થયેલા કેરલની સિવિલ સર્વિસની પરીક્ષાના પરિણામમાં લેખિત પરીક્ષા પાસ કરનારા સફળ ઉમેદવારોની યાદીમાં શ્રીનાથ કે.નું નામ પણ છે. હવે એ ઇન્ટરવ્યૂ આપશે અને પુરુષાર્થના બળે કદાચ પાસ કરીને અધિકારી પણ બની જશે.
આજના યુવાનોએ શ્રીનાથ પાસેથી એ શીખવા જેવું છે કે આધુનિક ટેક્નોલોજિનો ઉપયોગ કારકિર્દી ઘડતર માટે પણ કરી શકાય.
- Advertisement -
સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નાગરિકોને આવી ફ્રી વાઈ-ફાઈની સુવિધા આપે છે જેનો ઉપયોગ ગેઇમ ડાઉનલોડ કરવામાં કે ફિલ્મ ડાઉનલોડ કરવામાં થાય છે કેટલાક કિસ્સામાં તો પોર્ન ફિલ્મો ડાઉનલોડ કરવાનું કામ થાય છે, જ્યારે બીજી બાજુ શ્રીનાથ કે. એ આ સુવિધાનો સાચો ઉપયોગ કરી બતાવ્યો. જેને જીવનમાં આગળ વધવું જ છે એ રસ્તાઓ શોધી જ લે છે. જાત જાતના બહાના કાઢવાનું એમને નથી ફાવતું.
મોબાઇલનો સાચો ઉપયોગ: ભારત સરકારે કેટલાક રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈ ઝોનની સુવિધા ચાલુ કરી છે, શ્રીનાથ કે. આખો દિવસ રેલવે સ્ટેશન પર જ હોય એટલે એણે આ ફ્રી વાઈ-ફાઈ સુવિધાનો લાભ લઈને ઓનલાઈન લેકચર સાંભળી પરીક્ષાની તૈયારી કરી.



