જો કોઈ મને પૂછે કે રાજકોટમાં શાંતિનું સ્થળ કયું છે? તો મારો જવાબ ‘સદગુરુ આશ્રમ’ જ હોય કારણકે, ગુરુદેવશ્રી રણછોડદાસજી બાપુ આજે પણ પરોક્ષ રીતે આપણી વચ્ચે છે. એમણે કહેલું કે , “મેરે ફોટો કો ફોટો સમજનેકી ગલતી મત કરના.”
-ખુશાલી બરછા
એ વાત એકદમ સાચી છે અને એટલે જ સદગુરુ આશ્રમમાં ખુશનુમા વાતાવરણ છે. ગુરુદેવ એક વિભૂતિ હતા અને એમના વિશે લખવું અશક્ય છે છતાં પણ હું મારી લાગણીઓને તમારી સમક્ષ વ્યક્ત કરવા ઈચ્છું છું. આશા છે કે તમને ગમશે.
- Advertisement -
‘સાધુ તો ચલતા ભલા’- એ રીતે એમણે સમગ્ર ભારતમાં અનેકવાર ભ્રમણ કરેલું અને લોકોની સેવા માટે જીવન સમર્પેલુ પણ “રાજકોટ” એમને વિશેષ પ્રિય હતું અને એ પણ એમની કર્મભૂમિ બની શકી એ માટે આપણે ભગવાનનો આભાર માનવો જ રહ્યો.

ગુરુદેવની એક વાત મને ખૂબ સ્પર્શી છે. એમણે જો ધાર્યું હોત તો એમના દ્વારા ઘણા મંદિરો બની શક્યા હોત પણ એમને મનુષ્યના સર્વાંગી ઉત્થાનમાં રસ હતો. એમની એવી જ એક પ્રવૃત્તિ એટલે “નેત્રયજ્ઞ” જેના થકી અગણિત લોકોને નવી દ્રષ્ટિ મળી છે અને ‘કોમ્પ્લિકેટેડ’ કહેવાય એવા કેસીસમાં પણ ગુરુકૃપાથી સફળતા મળી છે.
- Advertisement -
ગુરુદેવે કહેલું કે – ‘ગુરુ-તત્વ’ સત્તમાં સ્થિર હોય છે અને લોકોના કલ્યાણ માટે પૃથ્વી પર આવે છે. આપણા ગુરુદેવ એ અર્થમાં ’અવતારી પુરુષ’ હતા. આપણું સૂક્ષ્મ અવલોકન ગુરુદેવ હંમેશા કરતા રહે છે એટલે જ આપણા પ્રશ્ર્નોનું નિરાકરણ કંઇ કહ્યા વિના પણ આવી જાય છે.
આર્ષદ્રષ્ટા, પંચમહાભૂત પર કાબૂ ધરાવનાર, સતત હસતા – હસાવતા લોકોની વ્યાધિ- ઉપાધિ હરનાર ગુરુદેવની અનુભૂતિ હંમેશા શિષ્યોને થતી રહે છે. ભવસાગર પાર કરવો કઠિન છે પણ જો તર્કબુદ્ધિ વાપર્યા વગર ગુરુદેવમાં શ્રદ્ધા રાખીએ તો ગુરુકૃપા પામી જ શકાય – નિ:શંકપણે.
ઉતાર ચડાવ ઉઠ્યા મનમાં અનેકવાર, ગુરુદેવ થયા સન્મુખ અને શાંતિ વ્યાપી વારંવાર.



