ડિજિટલ ગુલામી તરફ ધકેલાતી ભવિષ્યની પેઢી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આંખ ઉઘાડતું વિશ્ર્લેષણ
બાળકોમાં હિંસા, આપઘાત, એકલતા અને માનસિક અસ્થિરતા પાછળ સ્માર્ટફોન જવાબદાર
- Advertisement -
પ્રૉ. યોગેશ જોગસણ અને ડો. ધારા દોશી દ્વારા ચર્ચિત ઘટનાઓ અને ક્લિનિકલ કેસોનું ગહન અધ્યયન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
21મી સદીની આધુનિક ટેકનોલોજીએ આપણને સુવિધા ચોક્કસ આપી છે, પરંતુ તેની સમાંતર એક એવો અદ્રશ્ય ભય પેદા કર્યો છે જે આપણી ભવિષ્યની પેઢીને અંદરથી ખોખલી કરી રહ્યો છે. જેને આપણે પ્રેમથી ’સ્માર્ટફોન’ કહીને બાળકના હાથમાં રમકડા તરીકે મૂકી દીધો છે, તે વાસ્તવમાં એક ’ડિજિટલ ડ્રગ’ અને ’સ્લો પોઇઝન’ સાબિત થઈ રહ્યો છે. બાળકોમાં વધતી હિંસા, આપઘાતની પ્રવૃત્તિ, એકલતા અને માનસિક અસ્થિરતા પાછળ સ્ક્રીનની આભાસી દુનિયા જવાબદાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર યોગેશ જોગસણ અને સંશોધક ડો. ધારા દોશી દ્વારા ભારતમાં બનેલી તાજેતરની મીડિયા ચર્ચિત ઘટનાઓ અને ક્લિનિકલ કેસોનું ગહન મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ અહેવાલ માત્ર આંકડાઓ નથી, પરંતુ વાલીઓની આંખો ઉઘાડનારો અને હૃદયને હચમચાવી મૂકનારો એક જીવંત દસ્તાવેજ છે.
અહેવાલના તારણ મુજબ, જ્યારે બાળક સતત ઓનલાઈન ગેમ્સ કે શોર્ટ્સ જુએ છે, ત્યારે તેના મગજમાં ન્યુરોટ્રાન્સમીટર ડોપામાઈન નો અસામાન્ય સ્ત્રાવ થાય છે. આ સ્ત્રાવ તેને ક્ષણિક આનંદ આપીને આભાસી દુનિયાનો ગુલામ બનાવી દે છે. પરિણામે, બાળકોમાં ધૈર્ય, સહનશીલતા અને વાસ્તવિક સંબંધો પ્રત્યેની સંવેદનશીલતા શૂન્ય થઈ રહી છે. આપણે બાળકોના હાથમાં સ્માર્ટફોન આપીને અજાણતા જ તેમના મગજને આક્રમકતા તરફ ધકેલી રહ્યા છીએ. ગેમિંગ સાયકોસિસ અને સેલ્ફીટીસ જેવી વિકૃતિઓ તેનું ઉદાહરણ છે. વાલીઓએ હવે જાગવાનો સમય આવી ગયો છે. બાળક રડે કે હેરાન ન કરે એટલે શોર્ટકટ તરીકે હાથમાં ફોન આપવાની આદત તુરંત બંધ કરો.” ડો. ધારા દોશીના કહેવા મુજબ “સોશિયલ મીડિયા પર લાઇક્સની ભૂખ કિશોરોને ડિપ્રેશન તરફ ધકેલે છે. ડિજિટલ પેરેન્ટિંગના નિયમો કડક કરવાનો અને ઘરમાં ’નો-સ્ક્રીન ઝોન’ બનાવવાનો આ યોગ્ય સમય છે, જેથી બાળકોને કાલ્પનિક ભ્રમણાઓમાંથી બહાર લાવી શકાય.” આ વ્યાપક મનોવૈજ્ઞાનિક તારણ અંગે પ્રો. (ડો.) યોગેશ જોગસણ જણાવે છે કે જ્યારે બાળક સતત ઓનલાઈન ગેમ્સ, રીલ્સ કે શોર્ટ્સ જુએ છે, ત્યારે તેના મગજમાં ન્યુરોટ્રાન્સમીટર ’ડોપામાઈન’નો અસામાન્ય સ્ત્રાવ થાય છે, જે તેને ક્ષણિક આનંદ આપીને આભાસી દુનિયાનો ગુલામ બનાવી દે છે. પરિણામે, બાળકોમાં ધૈર્ય, સહનશીલતા અને વાસ્તવિક સંબંધો પ્રત્યેની સંવેદનશીલતા શૂન્ય થઈ રહી છે. સ્ક્રીન પર ’રીસ્ટાર્ટ’ નું બટન દબાવવાની ટેવવાળા બાળકોને એ સમજાતું જ નથી કે વાસ્તવિક જિંદગીમાં મોત પછી કોઈ બીજો ચાન્સ હોતો નથી.



