જૂનાગઢના જતિ શ્રી કિશોરચંદ્ર બાવાશ્રીના ગૌલોકગમનથી વૈષ્ણવ સંપ્રદાયની સાથે સમગ્ર માનવજાતે એક વિરલ વ્યક્તિત્વ ગુમાવ્યું છે.
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
1986-87ના વર્ષના કારમા દુષ્કાળ વખતે ગૌરક્ષા અને મૂંગા પશુઓ માટે બાવાશ્રીએ કરેલા સેવા કાર્યો ગુજરાતની પ્રજા ક્યારેય નહીં ભૂલી શકે. દુષ્કાળના વર્ષમાં લોકો આર્થિક રીતે બેહાલ હતા અને પશુઓ બચાવવા ઈચ્છા હોવા છતાં મદદ કરવા અસમર્થ હતા એવા સમયે કિશોરચંદ્ર બાવાશ્રીએ પોતાની બધી જ બચત પશુઓના જતન માટે વાપરી નાંખી હતી એટલું જ નહીં પોતાની અંગત મિલકતો પણ વેંચી નાખી હતી. આટલું ઓછું હોય એમ બાવાશ્રીએ વહુજીના તમામ ઘરેણાં વેંચીને એ રકમ ગૌરક્ષા માટે વાપરી હતી.
- Advertisement -
કોઈ ધર્મગુરુ પશુઓના રક્ષણ માટે પોતાની તમામ મૂડી ન્યોચ્છવર કરી દે એવી ઘટનાઓ ભાગ્યે બનતી હોય છે. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ ત્યારથી જેને વૈષ્ણવ સંપ્રદાય સાથે કોઈ જ સંબંધ ન હોય એવા કેટલાય લોકો કિશોરચંદ્ર બાવાશ્રી પ્રત્યે આદરભાવ અને પૂજ્યભાવ રાખતા થયા.
ગામડે ગામડે ચાલતી ગૌશાળાને આર્થિક મદદ મળી રહે એ માટે કિશોરચંદ્ર બાવાશ્રીએ ગામના જ યુવાનોની બેન્ડ પાર્ટી બનાવવાનું સૂચન કર્યું જેથી શુભપ્રસંગોએ લોકો બેન્ડ પાર્ટીને મોટી રકમ આપીને ગૌશાળાને આર્થિક મદદ પણ કરી શકે અને ગામના યુવાનો ગૌસેવાના કાર્ય સાથે જોડાઈને એમની યુવાનીને રચનાત્મક કાર્યમાં જોડી શકે.
શ્રી કિશોરચંદ્ર બાવશ્રી સમયપાલનના ચુસ્ત પાબંધ હતા. ભક્તોને કલાકો રાહ જોવડાવી એને જરા પણ પસંદ નહોતું. જે સમય આપ્યો હોય એ સમયે હાજર જ હોય.
- Advertisement -
વલ્લભકુળના વંશજ આવા ભગવત પરાયણ પવિત્ર પુરુષનું ગોલોકમાં સ્વાગત કરવા ખુદ ગોલોક અધિપતિ સામે ચાલીને આવ્યા હશે એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. શ્રી કિશોરચંદ્ર બાવાશ્રીની દિવ્ય ચેતનાને કોટી કોટી પ્રણામ.