જૂનાગઢ પોલીસની 100 કલાક ઝુંબેશ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
ગુજરાત રાજ્ય ડીજી વિકાસ સહાય તરફથી મળેલ સૂચના અન્વયે, જૂનાગઢ શહેરમાં ગંભીર ગુન્હામાં સંડોવાયેલા ’હીટ લિસ્ટ’ ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લૂંટ, અપહરણ, બળજબરીથી કઢાવવા, શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુન્હાઓમાં સંડોવાયેલા આવા તત્વોની 100 કલાકમાં યાદી તૈયાર કરીને તેમના રહેણાંક અને બેઠક-ઉઠકની જગ્યાએ તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના મુજબ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર ગુનેગારોની મિલકતોની યાદી તૈયાર કરવા અને ગેરકાયદેસર દબાણ કે વીજ જોડાણ સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે કડક આદેશો આપવામાં આવ્યા હતા. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ, સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. ગોહિલ અને સ્ટાફે આ 100 કલાકની કામગીરી દરમિયાન લીસ્ટેડ પ્રોહી બુટલેગર કમલેશ લખમણભાઇ રાડા અને અલ્પેશ પાલાભાઇ કોડીયાતરના રહેણાંક મકાનોમાં પાવર ચોરીની હકીકત મળતાં પીજીવીસીએલ અધિકારીઓ સાથે સંકલન સાધી ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરાવવામાં આવ્યું. આ બદલ કુલ રૂ. 1,32,612નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, 100 કલાકની કામગીરી અંતર્ગત અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેમની વર્તમાન પ્રવૃત્તિઓ અને મિલકતોની દસ્તાવેજી પુરાવા સાથેની માહિતી મેળવવામાં આવી હતી.



