ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેશવ્યાપી આયોજિત જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું 17 નવેમ્બરના રોજ જૂનાગઢ જિલ્લાની વિવિધ કોલેજ કેમ્પસોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય હેતુ જનજાતિ વીર પુરુષો, ખાસ કરીને બિરસા મુંડા જી,ના બલિદાન અને શૌર્યને નમન કરીને યુવાઓમાં રાષ્ટ્રીય ચેતના અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના જગાડવાનો છે.
આ યાત્રાએ સવારે 7:20 વાગ્યે ઘોડાસરા કોલેજથી શરૂઆત કરી શુભાષ મહિલા કોલેજ, સીએલ કોલેજ, નરસિંહ મેહતા યુનિ. અને પોલીટેકનિક તથા પીકેએમ કોલેજ સહિતના શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી. દરેક સ્થાને કળશનું પૂજન, દીપ પ્રજ્વલન અને ગૌરવપૂર્ણ સૂત્રોચ્ચાર સાથે ઉમંગભેર સ્વાગત થયું હતું. આ કાર્યક્રમમાં કુલપતિ ડો. પ્રતાપસિંહ ચોહાણ, રજિસ્ટ્રાર રણજીત પરમાર, ઇસી મેમ્બર દિનેશભાઈ ડઢાણીયા અને વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ નોંધનીય છે કે, 1000થી વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકવર્ગ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક જોડાઈને સ્વાગત કર્યું હતું. યાત્રાનું આગમન થતાં જ સમગ્ર કેમ્પસ રાષ્ટ્રીયતા અને એકતાના ભાવોથી ગુંજી ઉઠ્યું હતું. જનજાતિ સમાજના ઇતિહાસ અને યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ યાત્રાનો હેતુ જૂનાગઢ જિલ્લામાં સફળતાપૂર્વક પૂર્ણ થયો અને વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક જાગૃતિનો શક્તિશાળી સંદેશ પ્રસરી ગયો.



