ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજાડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે પ્રોહીબિશનની બદીને ડામવા માટે મોટી કાર્યવાહી કરી છે.
- Advertisement -
ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે.એમ. પટેલ અને પીએસઆઈ પી.કે. ગઢવી સહિતના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે, વિસાવદર તાલુકાના શોભાવડલા ગામની સીમમાં પડતર જગ્યા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારના બુટલેગરો રાજુ ગોગન શામળા, ચના રાણા મોરી અને રૂત્વીક ભીમા કોડીયાતર સહિતના શખ્સો ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી કટિંગ કરી રહ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન હાજર મળી આવેલા સુનીલ ભીમાભાઇ કોડીયાતર અને કારાભાઇ નગાભાઇ સિંધલને પકડી પાડ્યા હતા. સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1956 નંગ બોટલોનો જથ્થો, જેની કિંમત રૂ. 5,95,680 તે કબજે કરવામાં આવ્યો હતો. મોબાઈલ ફોન અને રોકડ મળીને પોલીસે કુલ રૂ. 6,16,650 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય બુટલેગર રાજુ શામળા સહિત કુલ 4 શખ્સો ફરાર ફરાર થઇ ગયા હતા જેને ઝડપી પાડવા વિસાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



