ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માટે મહત્વની ગણાતી ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટની પરીક્ષા આગામી 16મી નવેમ્બરના રોજ રાજ્યભરના 11 કેન્દ્રો પર યોજાનાર છે, જેમાં કુલ 42,808 યુવાઓ ભાગ લેશે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં ૠજઊઝ પરીક્ષાની સમગ્ર કાર્યવાહી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સંચાલિત થનાર છે. જેમાં નોડલ અધિકારી નરસિંહ મહેતા યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વડા પ્રો. ફિરોઝ શેખ દેખરેખ રાખી રહ્યા છે.જૂનાગઢ શહેરમાં એમ.એમ. ઘોડાસરા મહિલા કોલેજ, શ્રી પી.કે.એમ. કોલેજ અને શાસ્ત્રી સ્વામિ ધર્મ જીવનદાસજી ટેક્નિકલ કોલેજ પર પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા છે. જૂનાગઢના ત્રણ કેન્દ્રો પર કુલ 2,350 યુવાઓ પરીક્ષા આપશે. પરીક્ષા સુચારુ, શાંતિપૂર્ણ અને પારદર્શી રીતે સંપન્ન થાય તે માટે નોડલ અધિકારી પ્રો. ફિરોઝ શેખ દ્વારા પરીક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓને પ્રશિક્ષિત કરવા એક કાર્યશાળા યોજવામાં આવી હતી. આ તાલીમમાં પ્રો. ચેતન ત્રિવેદી, ડો. મયંક સોની સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુનિ.ના કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણે પણ અધિકારીઓને ટેલિફોન દ્વારા માર્ગદર્શિત કર્યા હતા અને પરીક્ષાર્થીઓને કોઈ અગવડતા ન પડે તેની ખાતરી કરવા જણાવ્યું હતું. તેમણે તમામ 2,350 પરીક્ષાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.



