ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માહે ઓકટોબરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરે વિવિધ વિભાગના પ્રશ્ર્નોના ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પેશકદમી, ભરતી બાબતના પ્રશ્ર્નો, ગૌચરની જમીનના પ્રશ્ર્નો, પ્લોટમાંથી દબાણો દૂર કરાવવા, જમીનનો કબજો ખાલી કરાવવા બાબત, સિંચાઇ યોજનાનું કામ શરૂ કરાવવા અંગે, નવા રસ્તા બનાવવા અંગે, જમીન માપણી, ગેરકાયદેસર દબાણો દૂર કરાવવા, ગંદા પાણીનો નિકાલ, સાફ સફાઈ કરાવવી, વરસાદી પાણીનો વ્યવસ્થિત નિકાલ કરાવવો, રોડ ખુલ્લા કરાવવા, ગામતળની જમીન, ખાતાકીય તપાસ, નાણાંપંચની ગ્રાન્ટ, ભૂગર્ભ ગટર બનાવવી, પાણીના બોર કરાવવા વગેરે અલગ અલગ પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેને કલેકટરે સાંભળ્યા હતા અને સંબંધિત અધિકારીઓને તેનું નિરાકરણ લાવવા માટે જરૂરી માર્ગદર્શન સાથે સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, એસપી સુબોધ ઓડેદરા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, સંલગ્ન વિભાગોના અધિકારીગણ, કર્મચારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા.



