ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. 16,500ની લૂંટ અને મારામારીના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપી રાજેન્દ્ર કુમાર મીઠાભાઈ પરમાર (રહે. કુંભ ગીરી બાપુના આશ્રમ, ભવનાથ, મૂળ પંચમહાલ)ને જૂનાગઢ સેશન્સ કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યા છે.
આરોપી વતી તેમના વકીલ જાહિદ ખાન પઠાણે સેશન્સ કોર્ટમાં દલીલ કરી હતી કે, ફરિયાદીએ બે દિવસ મોડી અને અજાણ્યા ઈસમો સામે ફરિયાદ આપી હતી, જેમાં અરજદારનું નામ ન હોતું. જાહેર રોડ પર બનાવ બન્યો હોવા છતાં કોઈ નજરે જોનાર સાક્ષીના નિવેદનો લેવાયા નથી. સૌથી મહત્ત્વનું, ફરિયાદીએ જે માકડીયા હોસ્પિટલમાં સારવાર લીધાનો દાવો કર્યો છે, ત્યાંના ડોક્ટરના નિવેદન મુજબ ફરિયાદી નામની કોઈ વ્યક્તિ સારવાર માટે આવી જ નથી અને હોસ્પિટલના રેકોર્ડમાં પણ તેમનું નામ નથી. આના પરથી હકીકત ઉપજાવી કાઢવામાં આવી હોવાનું સ્પષ્ટ થાય છે. ઓળખ પરેડમાં ફરિયાદીના ગામના અને સગા જ્ઞાતિના લોકો જ હોય તે પણ શંકાસ્પદ છે. આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને તે નાસી જાય તેમ નથી. સરકારી વકીલ એન.કે. પુરોહિતે જામીન અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આરોપીએ મોટરસાયકલ પર આવી ફરિયાદીને પાડી દઈ લૂંટ કરી હતી અને આ પ્રથમદર્શીય ગંભીર ગુનો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જૂનાગઢના પાંચમા એડિશનલ સેશન્સ જજ હિતેશ ગિરીશભાઈ દામોદ્રાએ આરોપી રાજેન્દ્ર પરમારના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે જામીન માટે કેટલીક શરતો મૂકી હતી, જેમાં ફરિયાદી કે સાક્ષીઓને ધમકી, લાલચ કે દબાણ ન આપવું કે સંપર્ક ન કરવો. કાયમી રહેઠાણનું સરનામું, મોબાઈલ નંબર અને આધાર નંબર નીચલી કોર્ટ સમક્ષ જાહેર કરવા. ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી ન કરવી અને કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજ્યની હદ છોડવી નહીં.