વિશ્ર્વ વિખ્યાત ગિરનાર લીલી પરિક્રમા માટે તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે વિશેષ આયોજન
રસ્તા મરામત, વીજળી, પાણી અને વાહન પાર્કિંગ મુદ્દે ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ ગરવા ગિરનાર પરિક્રમા આગામી તારીખ 2 થી 5 નવેમ્બરથી પ્રારંભ થનારી ચાર દિવસીય ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓ માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જુદા જુદા વિભાગોની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લાખો શ્રદ્ધાળુઓ માટે જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટર દ્વારા પરિક્રમાના ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને ભાવિકોને નિર્ધારિત સમયે અને નિયત રૂટ પર જ પરિક્રમા શરૂ કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, પર્યાવરણની જાળવણી માટે પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે ન લાવવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી હતી.
લાખો શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વીજળી, પાણી, આરોગ્ય સેવાઓ, કંટ્રોલ રૂમ અને પ્રવાસી સહાયતા કેન્દ્રો શરૂ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. નળ પાણીની ઘોડી જેવા વધુ ઘસારાવાળા અને કઠિન સ્થળોએ વીજળી અને પાણીની વિશેષ વ્યવસ્થા રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે, ટ્રાફિક વ્યવસ્થાપન અને વાહનોના પાર્કિંગ માટે પણ જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા હતા. તેમજ પરિક્રમાના રૂટના રસ્તાઓની મરામત, ખાદ્ય પદાર્થોની ચકાસણી, અને દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો જળવાઈ રહે તે માટે પણ તકેદારી રાખવા સૂચના અપાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર સુશ્રી એસ.બી.બારડ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ઉપરાંત વન વિભાગ, આરોગ્ય, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, પાણીપુરવઠા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી લીલી પરિક્રમામાં આવતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે તેના માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આગામી ગિરનાર પરિક્રમામાં કેટલાક નિયમો પાળવા જરૂરી
જૂનાગઢ ગિરનાર ફરતે પગપાળા ચાલીને 36 કિમિનું અંતર કાપી ચાર પડાવ પાર કરીને પરિક્રમા પૂર્ણ કરવાની હોઈ ત્યારે ગિરનાર અભ્યારણમાં યોજાતી પરિક્રમામાં પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તાર છે જેના લીધે પરિક્રમા કરવા આવતા પરિક્રમાર્થીઓએ પ્લાસ્ટિક નહિ લાવવા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ જે પરિક્રમાનો નિયત રૂટ છે તેના પર ચાલીને પરિક્રમા કરાવી પડશે કારણે ચો તરફ જંગલ છે ત્યારે વન્ય પ્રાણી સાથે કોઈ દુર્ઘટના ન બને તેની સાથે અશક્ત અને હ્રદયના દર્દીઓએ પરિક્રમા કરાવી હિતાવહ નથી અગાઉની અનેક પરિક્રમામાં હાર્ટ એટેકના બનાવો સામે આવી ચુક્યા છે. તેની સાથે પરિવાર સાથે સંઘમાં આવતા ભાવિકોએ પોતાના બાળકોની ખાસ કાળજી રાખીને પરિક્રમા કરવી આવા અનેક નિયમો સાથે પરિક્રમા કરવી તે હિતાવહ છે.
- Advertisement -



