જૂનાગઢ કલેકટર કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવા સૂચના આપી હતી. આ બેઠકમાં દબાણ, ગૌશાળા, ગેરકાયદેસર રેતીની ચોરી, રોડ-રસ્તા, જમીન માપણી અને અન્ય વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિ તેમજ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની સમિતિ બેઠકો પણ યોજાઈ, જેમાં યોજનાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત તાજેતરમાં સફળતાપૂર્વક યોજાયેલી જીપીએસસી અને ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું શ્રેષ્ઠ આયોજન કરનાર અધિકારીઓને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા. સાથે સાથે, બનાસકાંઠામાં ઘાસચારો મોકલવાની કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર અધિકારીઓનું પણ સન્માન કરાયું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



