સદનસીબે ST બસમાં માત્ર એક પેસેન્જર હોવાથી મોટી જાનહાનિ ટળી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
ધ્રાંગધ્રા હાઈવે પર એસ ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં મોટી જાનહાનિ થતા અટકી છે. જેમાં હળવદ – ધ્રાંગધ્રા રૂટની બસ વાયા રણમલપુર, કંકાવટી થઈ ધ્રાંગધ્રા જતી વેળાએ કંકાવટીથી નીકળી ધ્રાંગધ્રા હાઇવે તરફ વળતા હાઈવે તરફથી આવતા ટ્રક ચાલકે એસ ટી બસની પડખે ટક્કર મારી હતી જેના લીધે એસ ટી બસ એક તરફ પલ્ટી ખાઇ ગઈ હતી. જોકે ગ્રામ્ય વિસ્તારના રૂટની બસમાં માત્ર એક પેસેન્જર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી પરંતુ એસ ટી બસ પલ્ટી થતા અંદર બેઠેલા 36 વર્ષીય રાજાભાઈ વિજયભાઈ રાજભારને સામાન્ય ઇજાઓ પામી હતી જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ તરફ હાઈવેના વચોવચ એસ ટી બસ પલ્ટી ખાઇ જતા હાઈવેની એક તરફ નીકળતા વાહનોમાં થંભી ગયા હતા અને જોતજોતામાં લોકોના ટોળા પણ એકત્ર થયા હતા જેને લઇ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી એસ ટી બસને ઉભી કરી વાહન વ્યવહાર ફરીથી શરૂ કરાવ્યો હતો



