કાર્તિક મહેતા
“દ્રાક્ષ ખાટી છે” વાળા ચતુર શિયાળની વાર્તા યાદ છે ? ગ્રીક ફિલસૂફ ઇસપને નામે ચડી ગયેલી મૂળ હિતોપદેશ કે પંચતંત્રની વાર્તા એમ હતી કે શિયાળને દ્રાક્ષના ઝૂમખાં દેખાય છે પણ અનેક પ્રયાસ છતાં તે એને મેળવી શકતું નથી. છેવટે ચતુર શિયાળ શું કરે છે તે આપણે સુપેરે જાણીએ છીએ. શિયાળ “દ્રાક્ષ ખાટી છે” એમ કહીને ચાલતી પકડે છે !!
- Advertisement -
આ વાર્તા ભલે બાળકોને ભણાવવામાં આવે પણ એમાં જે સંદેશ છે તેને સમજવામાં ભલભલા થાપ ખાઈ જાય છે અને સુખ હોવા છતાં એને ભોગવી શકતા નથી.
શિયાળનો પોતાના માઈન્ડ ઉપરનો ક્ધટ્રોલ ગજબ છે. કશુંક નથી મળ્યું તો એનો અપરાધભાવ કે એની વાસના સતત પાળીને મનને કલુષિત કરવા કરતા એક નાના બાળકની જેમ મનને “ફોસલાવી” દેવું વધુ સારો ઉપાય છે.
કેમકે જો મનને ફોસલાવશું કે મનાવિશું નહિ તો મન જ આપણો શત્રુ બની જશે. પૈસે ટકે સમૃદ્ધ એવા અનેક લોકો મનની અમર્યાદિત ઈચ્છાઓની પરિપૂર્તિ કરતા કરતા એવી અવસ્થામાં પહોંચી જાય છે કે જ્યા એમને જીવતર કરતા મૃત્યુ વહાલું લાગે છે અને તેઓ આત્મહત્યા કરે છે. આ પરિણામ છે મન ઉપર સંયમના અભાવનું.
- Advertisement -
હમણાં પર્વાધિરાજ પર્યુષણ નો સમય ચાલે છે. પર્યુષણ પર્વ શરીર અને મનની શુદ્ધિનું પર્વ છે.ક્ષમા, પ્રતિક્રમણ, ઉપવાસ અને ઉપદેશ શ્રવણ દ્વારા મન અને શરીર બેયના ઝેર દૂર થઈ જાય છે.
આજે “અંધ-વિકાસ-પ્રેમી” થયેલા આપણા દેશમાં કદાચ આ સંયમની વાતોને માનવા વાળા ઓછા જડે પણ જ્યા નાણાં ની છલોછલ છે, જ્યા સુખ સમૃદ્ધિનો પાર નથી એવા અમેરિકન અને યુરોપિયન દેશોમાં હવે સાચા સુખની વ્યાખ્યા બદલાઈ છે. ત્યાંના લોકો ભૌતિક સુખોની ઝાકમઝોળ ભોગવી ચુક્યા છે તેથી જાણે છે કે આ સુખોની ઈચ્છાઓનો કોઈ અંત નથી.. આદિનાથ ઋષભદેવ થી લઈને મહાવીર સ્વામી સુધી દીક્ષા /સન્યાસ લેનારાઓ રાજવીઓ હતા જેમણે સુખ સમૃદ્ધિ ભોગવીને સંયાસનું મહત્વ જાણી લીધેલું.
આજે પશ્ચિમી સંશોધકો ઈમોશનલ ક્ધટ્રોલ ઉપર ખૂબ રિસર્ચ કરે છે.(અને આપણે ત્યાં ધર્મને નામે દંભ અને દેખાડા વધતા ચાલ્યા છે) ન્યુઝીલેન્ડમાં 1972થી લાગલગાટ દસ વર્ષ સુધી એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમા એક હજાર બાળકોના જીવનનો અભ્યાસ કરવામાં આવ્યો. આ પ્રયોગનું નામ હતું : ડનેડીન સ્ટડી. આ પ્રયોગમાં જોવા મળ્યું કે જે બાળકો નાનપણથી પોતાના ઇમ્પલ્સ (તીવ્ર લાગણીઓ) ઉપર નિયંત્રણ કરી શકતા હતા તેઓ મોટા થઈને એક સફળ, સુખી જીવન નિર્માણ કરી શક્યા.
જ્યારે જે બાળકોનો સેલ્ફ ક્ધટ્રોલ ઓછો હતો એમને આગળ જતાં જીવનમાં અનેક મુશ્કેલીઓ પડી. આ બાળકો નિર્ધન, રોગી અને અમુક કેસિસમાં તો ક્રિમીનલ વૃત્તિ વાળા બન્યા.
નાથ સંપ્રદાય , જૈન, બૌદ્ધ અને શૈવ: આ બધા યોગમાર્ગી મતો છે
યોગને પામવો તે જીવનનો અંતિમ ધ્યેય છે તેમ માને છે
આ પ્રયોગે સાબિત કર્યું કે નાનપણથી જે મન ઉપર નિયંત્રણ હોવું જરૂરી છે.
મન ઉપર નિયંત્રણ ભલે બહુ ચેલેંજીંગ કામ ગણાતું હોય પણ અશક્ય નથી.
વરસો પહેલાં નુસરત ફતેહ અલી ખાને એક કવાલી ગાઈ અને તે બહુ જ પ્રચલિત થઈ ગઈ. કવવાલી હતી : તુમ એક ગોરખધંધા હો… નાઝ ખ્યાલવી નામના શાયરની આ અદભૂત રચના મૂળ તો એ મતલબની હતી કે ઈશ્વર એક ગોરખધંધો છે. પણ આજે લોકોને દારૂ અને પ્રેમ આ બેય વસ્તુઓનો નશો એટલો ચડ્યો છે કે દરેક શાયરીમાં દારૂ અને પ્રેમ શોધતા ફરે છે. હકીકતે આ “ગોરખધંધા” વાળી રચના એક સૂફી રચના હતી અને એમાં ઇશ્વરના સહજ સ્વરૂપની વાત કરવામાં આવી હતી.
પણ સમય જતાં ગોરખધંધા શબ્દ નું અવમૂલ્યન થવા લાગ્યું. લોકો ગોરખધંધો એટલે કોઈ ગેરકાયદેસર કામ એવું માનવા લાગ્યા.
પણ હકીકત શું હતી ?
નાથ સંપ્રદાયના સાધુઓ સન્યાસીઓ હાથમાં બે ધાતુની રીંગ વાળું એક રમકડું લઈને ફરતા. આ રમકડું “ગોરખયંત્ર” કહેવાતું. કહેવાતું કે આની રચના નાથ સંપ્રદાયના પ્રવર્તક એવા ગુરુ મત્સ્યેન્દ્રનાથ ના શિષ્ય એવા ગુરુ ગોરક્ષનાથે કરેલી. આવું રમકડું આજની તારીખે રમકડાંની દુકાને મળી જાય ખરું.
ગોરખયંત્રમાં ધાતુની બે રિંગને એકબીજામાં ફસાવાયેલી રહેતી અને એ ધાતુની બે રિંગ્સ ને કાપ્યા વિના એકબીજાથી અલગ કરવાની ચેલેન્જ આપવામાં આવતી. લોકો મથી મથીને થાકી જાય પણ કોઈ વાતે આ રિંગ્સ એકબીજાથી અલગ થતી નહિ.
છેવટે થાકી હારીને લોકો પેલા સન્યાસીને ગોરક્ષયંત્ર પાછું આપી દેતા અને એને જ આ રિંગ્સ છૂટી પાડી દેવાનું કહેતા. સન્યાસી ચપટી વગાડતાં જ આ બેય રિંગ્સ ને એકબીજાથી અલગ કરી દેતા !! લોકોને આ જોઈને વિસ્મય થતું કે આટલું સરળ હોવા છતાં તેઓને પોતાને કેમ આટલું મથવું પડ્યું?!
ત્યારે સન્યાસી સમજાવતા કે મનને વશ કરવાનું કામ આટલું જ સરળ છે. પણ લોકો અકારણ પોતાની જાતને કષ્ટ આપીને, અનેક કર્મકાંડો , વિધિ વિધાન કરીને મનને વશ કરવા પ્રયાસ કરે છે.
આમ ગોરક્ષ્યંત્ર મનની ગતિ ને પામીને સહજ યોગ પ્રાપ્તિ સમજાવવા માટેનું એક મોડેલ હતું. કવિ નાઝ ખયાલવી એ એની ઉપરથી રચના કરી કે હે ઈશ્વર , તુમ તો એક ગોરખધંધા હો,…અર્થાત્ હે જગતના અધિપતિ તને પામવો એકદમ સહજ છે, .પેલા ગોરક્ષ યંત્રને સોલ્વ કરવા જેમ લોકો મથી મથીને થાકતા એમ હું પણ તને પામવા બહુ મથ્યો છું પણ મને જાણ છે કે તું તો સહજ સરળ સ્વભાવનો છે.
શાયર નાઝ એ ગીતમાં કહે છે કે “મે જીસ્કો કહ રહા હું અપની હસ્તી, અગર વો તું નહિ તો ઓર ક્યા હૈ”.. આ ગીત બહુ માણવા અને જાણવા જેવું છે..
નાથ સંપ્રદાય , જૈન, બૌદ્ધ અને શૈવ — આ બધા મત યોગમાર્ગી મતો છે. યોગને પામવો તે જીવનનો અંતિમ ધ્યેય છે તેમ માને છે. (નાથ સંપ્રદાય અને જૈન મતના ગાઢ સંબંધ અંગે ફરી કોઈવાર લંબાણથી વાત)
મન ઉપર નિયંત્રણ જ અંદર બેઠેલા ઈશ્વર નું દર્શન કરાવી શકે છે.. અને આ મન ઉપરનું નિયંત્રણ ભલે કઠિન ગણાતું હોય ,તે ગોરખયંત્રની જેમ સરળ છે.
પર્વાધિરાજ પર્યુષણ આ સહજ સાધનાનું પર્વ છે. ગુરુ ગોરખનાથના ગોરખયંત્રની બેય રિંગ્સ મન અને આત્મા (ગીતાજીમાં મનને આત્મન કહ્યું છે) છે. બેયને છૂટા પાડવાનું કામ એટલે ધ્યાન. ધ્યાન સરળ કામ છે. જેમ ચતુર શિયાળે ફટ દઈને “દ્રાક્ષ ખાટી” કહી દીધી એટલું જ સરળ કામ છે..
પર્યુષણ પર્વની હાર્દિક શુભકામનાઓ .