જૂનાગઢમાં ‘ગિરનારી ગણેશ મહોત્સવ’નો પ્રારંભ
ધારાસભ્ય કોરડિયાની પહેલ: ’લોકલ ફોર વોકલ’ અને ’ઓપરેશન સિંદૂર’ની થીમ
- Advertisement -
રક્તદાન, સ્વચ્છતા અને પર્યાવરણ જતનના સંદેશ સાથે ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢના ઝાંસીની રાણી સર્કલ ખાતે ’ગિરનારી ગણેશ મહોત્સવ’નો ભવ્ય પ્રારંભ થયો. ધારાસભ્ય સંજય કોરડિયાના સ્નેહાશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવ માત્ર ધાર્મિક પર્વ ન રહેતાં, સમાજસેવા, પર્યાવરણ જતન અને રાષ્ટ્રપ્રેમના સંદેશનો પ્રચાર કરી રહ્યો છે, જેના કારણે તે જૂનાગઢવાસીઓ માટે પાંચ ભક્તિનો અનોખો સમન્વય બની ગયો છે. આ મહોત્સવ તા. 2 સપ્ટેમ્બર સુધી ચાલશે.
ગણેશ મહોત્સવ સામાન્ય રીતે ધાર્મિક આસ્થાનું પ્રતીક હોય છે, પરંતુ ગિરનારી ગણેશ મહોત્સવમાં આસ્થાને સમાજ અને રાષ્ટ્ર સાથે જોડીને એક નવો અધ્યાય રચવામાં આવ્યો છે. આ મહોત્સવમાં રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રપ્રેમ, સેવાનો મર્મ, સામાજિક જવાબદારી અને ધાર્મિક શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય કોરડિયાએ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, જ્યારે ધાર્મિક ઉત્સવ સામાજિક જવાબદારી સાથે જોડાય છે, ત્યારે તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. આ વિચારને ધ્યાનમાં રાખીને મહોત્સવના દરેક પાસામાં સમાજને ઉપયોગી થાય તેવા કાર્યક્રમોને જોડવામાં આવ્યા છે. મહોત્સવની સૌથી મોટી વિશેષતા પૈકી એક છે રક્તદાન કેમ્પનું આયોજન. જે.એમ.આઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી રાત્રે 7 થી 11 વાગ્યા સુધી આ કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે. ધારાસભ્યએ આ કેમ્પનું મહત્વ સમજાવતા કહ્યું કે, રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે. આ પવિત્ર અવસરે ભક્તો માત્ર ભગવાન ગણેશની પૂજા જ નહીં, પરંતુ રક્તદાન કરીને કોઈનું જીવન બચાવવાનો પુણ્યશાળી કાર્ય પણ કરી રહ્યા છે. આ મહોત્સવ ભક્તિને માનવતા સાથે જોડવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યો છે.
- Advertisement -
આધુનિક સમયની જરૂૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ મહોત્સવમાં પર્યાવરણ-લક્ષી (ઈકો-ફ્રેન્ડલી) અભિગમ અપનાવવામાં આવ્યો છે. અહીં સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની પ્રતિમા માટી અને કુદરતી રંગોથી બનાવવામાં આવી છે. આ પહેલનો હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને લોકોને પ્લાસ્ટર ઓફ પેરિસ જેવી પર્યાવરણને નુકસાન પહોંચાડતી સામગ્રીનો ઉપયોગ ટાળવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. મહોત્સવના આયોજકોએ જણાવ્યું કે, પર્યાવરણનું રક્ષણ કરવું એ પણ એક પ્રકારની ઈશ્ર્વર સેવા જ છે. આ મહોત્સવમાં સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂૂપે, મહોત્સવના સ્થળે સ્વચ્છતા જાળવવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકોને કચરો યોગ્ય જગ્યાએ નાખવા અને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. આ પ્રયાસ દ્વારા એ સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે કે સ્વચ્છતા એ માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ સામાજિક ફરજ પણ છે.
ગણેશજીની પ્રાણપ્રતિષ્ઠા બાદ, દરરોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી ભક્તો દર્શનનો લાભ લઈ શકશે અને સાંજે 8:00 વાગ્યે ભવ્ય આરતીનું આયોજન થશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. આ મહોત્સવ જૂનાગઢના સાંસ્કૃતિક અને સામાજિક જીવનમાં એક નવી ચેતના અને ઉત્સાહનો સંચાર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ મહોત્સવ દ્વારા ભક્તિ અને સમાજસેવાને એકસાથે ઉજવવાનો એક ઉત્તમ દાખલો પૂરો પાડવામાં આવ્યો છે.
‘લોકલ ફોર વોકલ’ અને ‘ઓપરેશન સિંદૂર’નો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “લોકલ ફોર વોકલ” અભિયાનને પ્રોત્સાહન આપવા માટે મહોત્સવમાં સ્થાનિક કારીગરો અને વેપારીઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તેમના દ્વારા બનાવેલી વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપીને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તાજેતરમાં સફળતાપૂર્વક પૂર્ણ થયેલા ’ઓપરેશન સિંદૂર’ નો સંદેશ પણ લોકોને આપવામાં આવી રહ્યો છે, જે રાષ્ટ્રની સુરક્ષા અને અખંડિતતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.