પીજી સેમે.-2ની પરીક્ષા : ત્રીજા તબક્કાની પરીક્ષામાં 16112 પરીક્ષાર્થી, જૂનાગઢ-વેરાવળ સહિતના કુલ 118 પરીક્ષા કેન્દ્ર પર લેવાશે પરીક્ષા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પી.જી. સેમેસ્ટર-2ની પરીક્ષાનો 27મીથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત પોતાની ટેરેટરીની બહાર પરીક્ષા લેશે. પી.જી. સેમેસ્ટર-2ની પરીક્ષામાં કુલ 16112 પરીક્ષાર્થી નોંધાયા છે અને તેમના માટે જૂનાગઢ અને વેરાવળના બે સહિત કુલ 118 પરીક્ષા કેન્દ્રમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા નિયામક ડો.નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, 21 તાલુકા-જિલ્લામાં પરીક્ષા લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટેરેટરી બહાર આવેલા જૂનાગઢ અને વેરાવળમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ત્યાં જ પરીક્ષા લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જૂનાગઢમાં 180 અને વેરાવળમાં 98 પરીક્ષાર્થી નોંધાયા છે. પરીક્ષાર્થીએ પરીક્ષા કેન્દ્ર પર 45 મિનિટ પહેલા પહોંચી જવાનું રહેશે. દરેક પરીક્ષાર્થીએ સ્વસ્થ હોવાનું ડેક્લેરેશન આપવાનું રહેશે તેમજ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીનું ટેમ્પરેચર માપીને પ્રવેશ અપાશે અને સેનિટાઇઝ કરાશે. કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં આવતા વિદ્યાર્થીઓની સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં પરીક્ષા લેવાશે.