શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ ભક્તિનો મહાસાગર
જટાશંકર મંદિરમાં શ્રાવણ માસની આધ્યાત્મિક ઉજવણી
ચોમાસામાં ખીલી ઉઠ્યું જટાશંકર મહાદેવ મંદિરનું અલૌકીક સૌંદર્ય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ શહેરની નજીક આવેલા ગિરનાર પર્વતને અનેક રહસ્યો અને આધ્યાત્મિક વારસાનો ભંડાર માનવામાં આવે છે. આ ગિરનારના ગુપ્ત પ્રવેશદ્વાર તરીકે ઓળખાતું પૌરાણિક જટાશંકર મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો માટે આસ્થાનું પ્રમુખ કેન્દ્ર બની રહે છે. આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે, આ મંદિરમાં ભાવિકોનો મેળાવડો જોવા મળ્યો હતો, જ્યાં ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ મહિના પર્વે જટાશંકર મહાદેવને વિવિધ રીતે શૃંગાર કરવામાં આવે છે. અને વિશેષ પૂજન અર્ચન સાથે મહા આરતી થાય છે. ત્યારે ગિરનારના ગુપ્ત પ્રવેશદ્વાર સમા જટાશંકર મહાદેવને કુદરતી રીતે ગંગાજી પ્રગટ થઈ શિવને જળાભિષેક કરે છે. જટાશંકર મહાદેવ મંદિરનો ઇતિહાસ અને દિવ્યતા કંઈક એવો છે કે, જટાશંકર મહાદેવ મંદિરનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને રહસ્યમય છે. લોકવાયકા અને પૌરાણિક કથાઓ અનુસાર, આ એ જ સ્થળ છે જ્યાં ભગવાન શિવે ગિરનારની ગુફાઓમાં તપસ્યા કરી હતી. ’જટાશંકર’ નામ પાછળ એવી માન્યતા છે કે અહીં ભગવાન શિવની જટામાંથી પાણીનો પ્રવાહ પ્રગટ થયો હતો, જે કુદરતી રીતે જ શિવલિંગ પર જળાભિષેક કરે છે. આજે પણ આ પરંપરાગત રીતે કુદરતી જળધારા દ્વારા મહાદેવનો જળાભિષેક થતો જોવા મળે છે, જે શ્રદ્ધાળુઓ માટે એક આસ્થાના પ્રતીક સમાન છે. આ મંદિરને ગિરનારની ગુપ્ત ગુફાઓ અને આધ્યાત્મિક સ્થળોનો પ્રવેશદ્વાર પણ માનવામાં આવે છે. અહીં આવવાથી આધ્યાત્મિક શાંતિ અને ઊર્જાનો અનુભવ થાય છે તેમ ભક્તો માને છે. ગિરનારની પાછળની સીડીએ જટાશંકર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. ભવનાથથી ચાલતાં પગથિયાં સુધી પહોંચવાનું રહે છે. તે પછી 490 પગથિયાં ઉપર ચડી, જમણી બાજુએ થોડા આગળ જતાં જ જટાશંકર મહાદેવનું મંદિર આવે છે.જો તમે પણ ગીરનાર જવાના હોવ તો આ મંદિરની અચૂકથી મુલાકાત લેજો. અહીંની પ્રકૃતિની સુંદરતા લોકોનું મન મોહી લે છે. સાથે જ આવી પણ માન્યતા છે કે અહી ભગવાન શિવ કોઈ સાધુના રૂપમાં આવે છે. અને ભક્તોની મનોકામના પુર્ણ કરે છે.
પ્રથમ સોમવારે ભાવિકોનો અસીમ ધસારો:
શ્રાવણ માસના પ્રારંભ સાથે જ જટાશંકર મહાદેવ મંદિરે ભાવિકોની ભીડ ઉમટી પડે છે, અને પ્રથમ સોમવારે તો ભક્તિનો મહાસાગર જોવા મળ્યો હતો. સવારથી જ શિવભક્તો દૂર દૂરથી પવિત્ર દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ’બમ બમ ભોલે’ અને ’હર હર મહાદેવ’ ના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તોએ મહાદેવના દર્શન કરીને, જળાભિષેક કરીને અને પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી.
ચોમાસામાં ખીલી ઉઠતું કુદરતી સૌંદર્ય:
ચોમાસા દરમિયાન જટાશંકર મંદિર આસપાસનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. ચારે બાજુ હરિયાળી, પર્વતો પરથી ખળખળ વહેતા ઝરણાં, અને વાદળછાયું વાતાવરણ ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. આ નયનરમ્ય વાતાવરણ અને શુદ્ધ પાણીના ઝરણાંમાં સ્નાન કરવાનો અનેરો લ્હાવો લેવા માટે પણ અનેક લોકો અહીં આવે છે. કુદરતના ખોળે શિવભક્તિ કરવાનો આ અનુભવ અદ્વિતીય હોય છે. આ જટાશંકર મહાદેવ મંદિર જૂનાગઢની ધાર્મિક અને પ્રાકૃતિક સુંદરતાનો એક અભિન્ન અંગ છે, જે શ્રાવણ માસમાં વધુ જીવંત બને છે.



