આપણને અત્યંત પ્રિય એવું શર્ટ કે અન્ય કોઈ ડ્રેસ ફાટી જાય ત્યારે આપણને કેટલું દુ:ખ થાય છે? આપણા શરીર ઉપર ધારણ કરેલું કોઈ આભૂષણ સોનાની વીંટી, લકી કે ચેઈન ચોરાઈ કે ખોવાઈ જાય ત્યારે મહિનાઓ સુધી આપણે દુ:ખી રહીએ છીએ. સામાન્ય રીતે ભાવતા ભોજન આપણને આનંદ આપે છે પરંતુ ટાઈફોઈડ કે કમળા જેવી બીમારીમાં દિવસો સુધી આપણે માત્ર પ્રવાહી ખોરાક ઉપર રહેવું પડે ત્યારે આપણા પ્રિય વ્યંજનોને યાદ કરીને આપણે કેટલા દુ:ખી થઈએ છીએ. આવું જ આપણા સંબંધો વિશે પણ સાચું હોય છે. આપણો અત્યંત પ્રિય મિત્ર, પ્રિયજન કે પરિવારના સભ્ય જ્યારે આપણાથી દૂર થઈ જાય ત્યારે આપણે વર્ષો સુધી દુ:ખી રહીએ છીએ. આમ થવાનું કારણ શું? કારણ માત્ર એટલું જ કે આ બધું બહારથી આવેલું સુખ હતું. જે ગમે ત્યારે જવાનું હતું અને આપણને દુ:ખ આપીને જવાનું હતું. સાચું સુખ એ છે જે આપણી અંદરથી જન્મે છે. આપણા વસ્ત્રો, આભૂષણો, કિંમતી પગરખાં ખોવાઈ જઈ શકે છે પરંતુ આપણી ભીતરમાં રહેલું જે કોઈ તત્વ છે એ ક્યારેય નષ્ટ થવાનું નથી. માટે અંતર્મુખી બનીને એ અઢળક સુખથી ભરેલો ખજાનો જાણીએ અને માણીએ.
આપણી ભીતરમાં રહેલું જે કોઈ તત્વ છે એ ક્યારેય નષ્ટ થવાનું નથી

Follow US
Find US on Social Medias