મોર્નિંગ મંત્ર: ડૉ. શરદ ઠાકર
મહાભારતની એક ઘટના આજે યાદ કરવી છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધને ટાળવા માટે દુર્યોધનને સમજાવવા માટે વિષ્ટિકાર બનીને જતા હતા ત્યારે પાંડવ પક્ષના ચારને બાદ કરતા તમામ પક્ષકારોએ સહકાર આપ્યો હતો. આ ચારમાં એક હતા યદુ સેનાના સેનાપતિ સાત્યકિ. આ મહા બળવાન યોદ્ધાની ભુજાઓ કૌરવ સેના સાથે બે-બે હાથ કરી લેવા માટે ફડકતી હતી. બીજા હતા સહદેવ. અર્જુન અને ભીમ પણ માત્ર પાંચ ગામ મેળવીને યુદ્ધ ટાળવાની વાતમાં સંમત થઈ ગયા હતા. સહદેવ એટલા માટે યુદ્ધની હા પાડતા હતા કારણ કે એમને ખબર હતી કે ભવિષ્યમાં શું થવાનું છે. યુદ્ધ માટે તલપાપડ થનાર ત્રીજી વ્યક્તિ હતા દ્રૌપદી. દ્રૌપદી કૃષ્ણને કહે છે, “હે મધુસૂદન, મારા ખુલ્લા કેશ પકડી દુ:શાસન મને કુરુ સભામાં ઘસડી લાવ્યો હતો એ કેશ આજ દિન સુધી મેં ખુલ્લા રાખ્યા છે. દુ:શાસનના લોહીમાં મારા કેશ સીંચીને પછી જ એનો ચોટલો વાળવાની મારી અને ભીમની પ્રતિજ્ઞા આપ ભૂલી ગયા?” શ્રીકૃષ્ણને સંધી કરવા માટે પ્રયાસ ન કરવાનું કહેનાર ચોથી વ્યક્તિ હતા માતા કુંતી. એમણે કહ્યું હતું : “પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.” આ ચાર વ્યક્તિઓની તીવ્ર ઈચ્છા હતી તો મહાભારતનું યુદ્ધ થયું. આજે દેશની ચારથી પાંચ ટકા વ્યક્તિઓ એવું માને છે કે યુદ્ધ ન થવું જોઈએ. બાકીનો આખો દેશ કુંતી માતાની ઉક્તિનું પુનરૂચ્ચારણ કરી રહ્યું છે. દાયકાઓ પૂર્વે ચીનના સુપ્રીમો માઓએ કહ્યું હતું : “શાંતિ બંદૂકના નાળચામાંથી આવે છે.” કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આતતાયીઓ માટે હિંસા આચરવાનો ઉપદેશ આપ્યો હતો. હાલના સંજોગોમાં આપણે મહાભારત કાળના મોહનને અનુસરીએ કારણ કે એ મોહન જ અવતારી પુરુષ હતા.
- Advertisement -



