ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં એરપોર્ટ ની રક્ષા સુરક્ષા માટે કટિબદ્ધ રહેતા જવાનો માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સહિતની સંસ્થાઓ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 03/04/2025ને ગુરુવારના રોજ પોરબંદર એરપોર્ટમાં સલામતી ડયુટી બજાવી રહેલા સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સીકયુરીટી ફોર્સના જવાનોના અને તેના પરિવારના સભ્યો માટે ભાવસિંહજી હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા પોરબંદર તાલુકા રેડક્રોસ સોસાયટી અને પાયોનીઅર ક્લબના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. કેમ્પમાં ભાવસિંહજી હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો, ડો. પરાગ મજીઠીયા, ડો. સાયુજય મંગેરા, ડો. પુજા આશવાની, ડો. રામદે ઓડેદરા, ડો. હીરલ શાહ, ડો. જીતેન્દ્ર તાવરી, ડો. વિધી કડછા, ડો. પ્રિયાંક માંકડીયા અને લેબ ટેકનીશ્યન દેવશીભાઈ ઓડેદરાએ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સીકયુરીટી ફોર્સના અધિકારીઓ અને જવાનોનું અને તેના પરિવારના સભ્યોનું મેડીકલ ચેક-અપ કર્યું હતું. જરૂરી દર્દીઓના બ્લડ અને યુરીન ટેસ્ટ કરીને નિદાન કર્યુ હતુ. અને જરૂરી દવા પણ વિના મુલ્યે આપવામાં આવી હતી.
- Advertisement -
મેડીકલ કેમ્પની શરૂઆતમાં પોરબંદર તાલુકા રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવ મોઢવાડીયાનું પુષ્પગુચ્છ દ્વારા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રાજેશ ભારદ્વાજે આવકાર્યા હતા. અને મેડીકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. મેડીકલ કેમ્પને સફળ બનાવવા માટે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સીકયુરીટી ફોર્સના અધિકારીઓએ સાથ આપ્યો હતો.