ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢ કલેકટર કચેરી ખાતે આજે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યો દક્ષેશ ઠાકર અને સુશ્રી ગીતાબેન શ્રોફે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના પ્રમુખ નાગરિકો, સામાજિક અગ્રણીઓ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.જેમા સમિતિએ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ ,શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પાસેથી આ કાયદા અંગે અભિપ્રાયો,મંતવ્યો અને સૂચનો મેળવ્યા હતા.
સમાન નાગરિક સંહિતા અંગે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય અને પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.દક્ષેશ ઠાકરે બેઠકમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં તેઓ ઉપરાંત નિવૃત આઈ.એ.એસ સી.એલ. મીના, વરિષ્ઠ એડવોકેટ આર.સી. કોંડેકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફ સભ્યો તરીકે છે. સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુ.સી.સી. અંગે પ્રબુદ્ધ નાગરિકોના અભિપ્રાયો મેળવી રહ્યા છે.
ઠાકરે ઉપસ્થિત સૌને યુ.સી.સી. વિશે વિગતવાર સમજણ આપી હતી તેમજ તેના વિશે પ્રવર્તતી ગેરસમજ દુર કરી વાત કરતા તેમણે કહ્યું હતું કે, સમાન નાગરિક સંહિતા કોઈ જ્ઞાતિ,ધર્મ કે સમાજના ક્રીયાકાંડો – વિધિમાં હસ્તક્ષેપ નથી કરતી. તેવો આશય પણ નથી.આ કાયદા અંગે લોકોનો અભિપ્રાય મેળવવો ખૂબ અગત્યોનો છે તેમ પણ તેઓએ કહયુ હતુ. તેઓએ આ કાયદા અંગે પ્રવર્તતી કેટલીક અફવાઓ અંગે પણ સ્પષ્ટતા કરી હતી.
- Advertisement -
આ તકે સભ્ય સુશ્રી ગીતાબેન શ્રોફે નાગરિકોને યુસીસી અંગે નાગરિકોને તેમના અભિપ્રાયો પોર્ટલ પર મોકલવા અનુરોધ કર્યો હતો. આ મહત્વપૂર્ણ વિષય પર અસરકર્તા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો વગેરેને 15 એપ્રિલ-2025 સુધીમાં વેબપોર્ટલ (વિિંાંત://ીભભલીષફફિિ.ંશક્ષ) કે સિવિલ કોડ સમિતિ, ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.1, વિભાગ-એ, છઠ્ઠો માળ, સેક્ટર 10 એ, ગાંધીનગર, ગુજરાત – 382010 ખાતે પોતાના મંતવ્યો, સૂચનો મોકલવા પણ અપીલ કરી હતી.આ સમિતિ દ્વારા લગ્ન, છુટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન રીલેશનશિપ જેવા વિષયોને સમાવેશ કરવા બાબતે તેમજ આ અંગે સૂચનો ઉપસ્થિત અગ્રણીઓ પાસેથી મેળવ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિસ્ત અગ્રણી નાગરિકોએ સમિતિ સમક્ષ તેમના મંતવ્યો પણ રજૂ કર્યા હતા.



