રાજ્યમાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા અત્યંત જરૂરી: સમિતિના સભ્ય સી.એલ.મીના
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
બંધારણની કલમ 44માં દર્શાવેલી દેશમાં વસતા તમામ નાગરિકો માટે સમાન પ્રકારની કાયદો વ્યવસ્થા હોવી જોઈએ તેની કરાયેલી કલ્પનાની દિશામાં આગળ વધતા ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતાને લાગુ કરવા પૂર્વે નાગરિક સમાજના મંતવ્યો જાણવા માટે નિમાયેલી સમિતિના સભ્યોએ આજે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. ઈણાજ ખાતે આવેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે સમિતિના સભ્યોએ સંવાદ સાધી સમાન નાગરિક સંહિતાના અમલીકરણમાં ક્યા મુદ્દાઓને આમેજ કરવા જોઈએ એ સંદર્ભમાં સૂચનો, મંતવ્યો જાણ્યાં હતાં.
આ બેઠકમાં સમિતિના સભ્ય સી.એલ.મીનાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા રાજ્યના નાગરિકોના અભિપ્રાયો જાણવા ખૂબ જ અગત્યના છે. સમાનતાને અનુલક્ષી સમાન સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે. નાગરિકોના અભિપ્રાયોના સઘન અભ્યાસ પછી સમિતિ બને એટલી ત્વરાએ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે. જ્યારે સીનિયર એડ્વાઈઝર શત્રુઘ્નસિંહાએ ઉપસ્થિત પ્રબુદ્ધ લોકોને સમાન નાગરિક સંહિતાના કારણે ધર્મની સ્વતંત્રતા, લગ્ન પદ્ધતિઓ અંગે ઉદભવનારી ભ્રાંતિઓથી આશ્વસ્થકર્યાહતાં.